Western Times News

Gujarati News

અમદાવાદમાં આવી ગઈ ડબલ ડેકર બસ, જોવાલાયક સ્થળો સુધી પહોંચવા મુસાફરી કરી શકાશે

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના જોવાલાયક સ્થળો માટે ડબલ ડેકર બસની સેવાઓ શરૂ

અમદાવાદ, વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ અમદાવાદના 611માં સ્થાપના દિવસે ગુજરાત ટુરિઝમ અને પિક્સ ટ્રાવેલ્સના સંયુક્ત ઉપક્રમે દેખો અમદાવાદ સાથે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવેથી શહેરના જોવાલાયક સ્થળો સુધી પહોંચવા માટે પ્રવાસીઓ ડબલ ડેકર બસમાં મુસાફરી કરી શકશે.

હવેથી પ્રવાસીઓ શહેરના બેજોડ સ્થાપત્યો, સાબરમતી રિવરફ્રન્ટ, ભદ્રકાળી મંદિર, સિદી સૈયદની જાળી, ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા, જામા મસ્જીદ, હઠીસિંઘ જૈન મંદિર, કાંકરિયા તળાવ, ગાંધી આશ્રમ, ઝુલતા મિનારા અને આસ્ટોડિયા દરવાજા સહિતના પ્રસિદ્ધ જોવા લાયક સ્થળો સુધી ડબલ ડેકર બસમાં પહોંચી શકશે તથા સાંજના સમયમાં તેઓ આધુનિક અમદાવાદ એટલે કે સિંધુ ભવન રોડ અને એસજી હાઇવેની મુલાકાત લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદે તેની સ્થાપનાના 611 વર્ષોમાં ખૂબજ પરિવર્તનો જોયા છે, પરંતુ શહેરનો આત્મા અને જુસ્સો હજૂ પણ અકબંધ છે. શહેરના જોવાલાયક સ્થળો સુધી પહોંચવા ડબલ ડેકર બસ સેવાઓની શરૂઆત પ્રવાસીઓની અનુકૂળતામાં વધારો કરવાની સાથે-સાથે તેમને ડબલ ડેકર બસમાં પ્રવાસ કરવાનો રોમાંચ પણ પ્રદાન કરશે. સમગ્ર ભારત તથા સ્થાનિક પ્રવાસીઓ તરફથી આ સેવાને ખૂબજ સકારાત્મક પ્રતિસાદ સાંપડશે તેવી આશા છે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાત ટુરિઝમ દ્વારા રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા તથા પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે સમયાંતરે નવીન પહેલ કરવામાં આવી છે. ડબલ ડેકર બસનો પ્રારંભ પણ ટુરિઝમના મીશનની દિશામાં વધુ એક મજબૂત પગલું સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.