Western Times News

Gujarati News

યુક્રેન-રશિયા યુદ્ધ વિરામની સંભાવના વધી

રશિયન મીડિયાના દાવાથી યુદ્ધ વિરામની સંભાવના વધી –યુક્રેન બેલારુસમાં રશિયા સાથે શાંતિ મંત્રણા માટે તૈયાર

(એજન્સી) કિવ, છેલ્લા ત્રણ દિવસથી રશિયા યુક્રેન ઉપર વ્યાપક પ્રમાણમાં હુમલા કરી રહયું છે મધ્યસ્થી માટે એક પણ દેશ તૈયાર થયો નથી જાેકે મોટાભાગના દેશો શાંતિ માટે અપીલ કરી રહયા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતીને ગઈકાલે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું

અને તેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે યુક્રેન ચર્ચા માટે તૈયાર નહી હોવાથી રશિયા હવે વધુ આક્રમક બનીને હુમલા કરશે. પરંતુ આજે યુધ્ધના ચોથા દિવસે યુક્રેને શાંતિ મંત્રણા માટે તૈયાર બતાવી પ્રતિનિધિ મંડળ મોકલતા જ વિશ્વભરના દેશોએ હાશકારો અનુભવ્યો છે.

અત્યંત વિકટ પરિસ્થિતિ બાદ હવે યુદ્ધ વિરામની સ્થિતિ જાેવા મળી રહી છે. જાેકે બંને પ્રતિનિધિ મંડળો વચ્ચેની ચર્ચા બાદ પુતીન શું નિર્ણય લે છે તેના પર તમામની નજર મંડાયેલી છે. પુતીન માટે યુક્રેનના રાષ્ટ્રપતિ મુખ્ય ટાર્ગેટ હોવાથી રશિયા કઈ શરતો મુકે છે તે મહત્વનું છે. જાેકે આવતીકાલ સાંજ સુધીમાં તમામ પરિસ્થિતિ સ્પષ્ટ બની જશે.

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા હતા યુક્રેને બેલારુસમાં વાતચીત માટે સહમતી દર્શાવી હતી. આ દાવો રશિયન મીડિયાએ કર્યો છે. રશિયન મીડિયાનો દાવો છે કે યુક્રેનનું પ્રતિનિધિમંડળ બેલારુસ જવા રવાના થયું છે, જ્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સહયોગીઓને મળશે.

રશિયન મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેને તેના એક પ્રતિનિધિમંડળને બેલારુસ મોકલી આપ્યું છે જે રશિયાના પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરીને કોઈ ઉકેલ કાઢશે. આ પહેલા બેલારુસમાં શાંતિ મંત્રણા માટે યુક્રેને ના પાડી દીધી હતી અને બેલારુસને બદલે બીજા કોઈ સ્થળે શાંતિ મંત્રણાનું જણાવ્યું હતું પરંતુ રશિયા બેલારુસમાં જ વાતચીત કરવા મક્કમ રહ્યું હતું.

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનને પહેલી મોટી સફળતા મળી હોવાનો દાવો કરાયો છે. ખારકીવના ગર્વનર ઓલેહ સિનેગુબોવે જણાવ્યું છે કે યુક્રેની દળોએ દેશના બીજા મોટા શહેર ખારકીવ પર કબજાે મેળવી લીધો છે. યુક્રેની દળોએ ખારકીવને રશિયન સૈનિકોની પકડમાંથી છોડાવી લીધું છે.

ગર્વનર ઓલેહ સિનેગુબોવે કહ્યું કે ખારકીવ પર અમે અમારો સંપૂર્ણ કબજાે છે. સશસ્ત્ર દળ, પોલીસ અને રક્ષા દળ પોતપોતાનું કામ કરી રહ્યાં છે અને શહેરમાંથી દુશ્મનોનો સફાયો કરવામાં આવી રહ્યો છે.

ખારકીવના ગવર્નર ઓલેહ સીનેગુબોવે ટેલિગ્રામ પર લખ્યું છે, “ખાર્કિવ પરનો અંકુશ સંપૂર્ણપણે અમારો છે! સશસ્ત્ર દળો, પોલીસ અને સંરક્ષણ દળો તેમનું કામ કરી રહ્યા છે, અને શહેરને દુશ્મનથી સંપૂર્ણપણે સાફ કરવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.