Western Times News

Gujarati News

થોડા દિવસ પહેલા જ દીકરી ગુમાવનાર ક્રિકેટર વિષ્ણુ સોલંકીના પિતાનું નિધન

વડોદરા, બરોડાના બેટ્‌સમેન વિષ્ણુ સોલંકી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ યુવા બેટ્‌સમેને તાજેતરમાં જ તેની નવજાત પુત્રી ગુમાવી હતી. તે આ દુઃખમાંથી બહાર નીકળી શક્યો ન હતો કે આ દરમિયાન વિષ્ણુ સોલંકીના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું. વિષ્ણુ સોલંકીના પિતાનું ૨૭ ફેબ્રુઆરીને રવિવારે અવસાન થયું હતું.

રિપોર્ટ અનુસાર, વિષ્ણુ સોલંકીને તેના પિતાના મૃત્યુના સમાચાર રવિવારે મળ્યા. પરંતુ, તેણે પોતાની ટીમ પ્રત્યેની વફાદારીને પ્રાથમિકતા આપી અને આખી મેચ રમી.આપને જણાવી દઈએ કે, વિષ્ણુ સોલંકી રણજી ટ્રોફી ૨૦૨૨માં બરોડા તરફથી રમી રહ્યો છે. શનિવારે તેણે ચંદીગઢ સામે શાનદાર સદી ફટકારી હતી.

બરોડા અને ચંદીગઢની ટીમના બાકી ખેલાડીઓએ વિષ્ણુના પિતા પરષોત્તમ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી અને હાથમાં કાળી પટ્ટી બાંધીને મેચ રમ્યા હતા. સોલંકીએ પિતાના અંતિમ સંસ્કાર વીડિયો કોલ પર જાેયા. તે સમયે વિષ્ણુની આંખો ભરાઈ આવી હતી.

ટીમના એક અધિકારીએ જણાવ્યું કે, કટકમાં આગામી મેચ રમ્યા પછી તે વડોદરા પાછો ફરશે. મેચ પૂરી થયા પછી વિષ્ણુ પોતાના રુમમાં જતો રહ્યો હતો અને ત્યાં જ બાકીનો સમય પસાર કર્યો. બરોડા અને ચંદીગઢ વચ્ચેની મેચના છેલ્લા દિવસે વિષ્ણુ સોલંકી પોતાના ઘરથી દૂર મેદાનમાં હતો. બરોડા અને ચંદીગઢની આ મેચ ડ્રો પર સમાપ્ત થઈ હતી.

વિષ્ણુ સોલંકીએ તાજેતરમાં જ તેમની નવજાત પુત્રી ગુમાવી હતી. પુત્રીને અંતિમ વિદાય આપીને મેદાનમાં પરત ફરેલા વિષ્ણુ સોલંકીએ શનિવારે રણજી મેચમાં બરોડા તરફથી રમતા ચંડીગઢ સામે સદી ફટકારી હતી.

પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા વિષ્ણુ સોલંકીએ ૧૬૧ બોલમાં અણનમ ૧૦૩ રન બનાવ્યા હતા. વડોદરાનો રહેવાસી વિષ્ણુ વિનોદ છેલ્લા ૬ વર્ષથી બરોડાની ટીમનો ભાગ છે અને ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં ૨૫ ફર્સ્‌ટ ક્લાસ મેચમાં ૪૨ની એવરેજથી ૧૬૭૯ રન બનાવ્યા છે, જેમાં ૬ સદી અને ૮ અડધી સદી સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.