Western Times News

Gujarati News

મ્યુનિ. ટેક્ષ વિભાગ માત્ર નાના વેપારીઓને જ ટાર્ગેટ કરે છે

વટવા, ઓઢવ કે નરોડા જી.આઈ.ડી.સી.માં સીલીંગ ઝુંબેશ ક્યારે ?: કોંગ્રેસ : કોર્પોરેટ ટચવાળા ચેરમેનની રીબેટ યોજનાને નબળો પ્રતિસાદ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ દ્વારા પ્રથમ વખત કોર્પોરેટ પધ્ધતિથી રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે જેને નબળો પ્રતિસાદ મળી રહયો છે તેમજ પાછલા નાણાકીય વર્ષ કરતા આવકમાં ઘટાડો જાેવા મળ્યો છે.

મ્યુનિ. ટેક્ષખાતાના કર્મચારીઓ અરજીઓનો સમયસર નિકાલ કરવાના બદલે સીલીંગ ઝુંબેશ તરફ વધુ ધ્યાન આપી રહયા છે જેના કારણે નાના વેપારીઓમાં ઉગ્ર રોષ જાેવા મળી રહયો છે, મિલ્કતવેરાની ઘટતી જતી આવકમાં વધારો કરવા માટે ભાજપ શહેર પ્રમુખની પ્રેરણાથી નાના કાર્યકરોને પુરતો લાભ મળે તે આશયથી રેવન્યુ કમીટી ચેરમેને આગામી ચાર માર્ચે ટેક્ષ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા થઈ રહયા છે. સદ્દર સેવા સેતુમાં નામ ટ્રાન્સફર સહીતની અરજીઓનો માત્ર ૪૮ કલાકમાં નિકાલ કરવાના દાવા થઈ રહયા છે.

ર૦૧૯ના વર્ષમાં આચરવામાં આવેલા વ્હીકલ ટેક્ષ કૌભાંડમાં નોટિસો ઈશ્યૂ થઈ રહી છે. જયારે વોર્ડ ઈન્સ્પેકટરો દ્વારા કોમ્પ્યુટરમાં ચેડા કરીને કરવામાં આવેલા ભ્રષ્ટાચાર માટે હજી સવાલ જવાબ થઈ રહયા છે. નાના વેપારીઓની મિલ્કતો સીલ કરતા શાસકોને જી.આઈ.ડી.સી તરફ કાર્યવાહી કરવા માટે વિપક્ષ દ્વારા માગણી કરવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત જાન્યુઆરી-ર૦રર થી માર્ચ- ર૦રર સુધી સળંગ ત્રણ મહીના માટે રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે. જાેકે રેવન્યુ કમીટી ચેરમેને સદ્દર યોજનાને “કોર્પોરેટ ટચ” આપ્યો હોવાથી નિર્ધારીત આવક થઈ શકી નથી. જાન્યુઆરી-ર૦ર૧માં મિલ્કતવેરા પેટે રૂા.૧૦૮.૭પ કરોડની આવક થઈ હતી જેની સામે જાન્યુઆરી- ર૦રર માં માત્ર રૂા.૮૯.૪ર કરોડની આવક થઈ છે.

જાેકે ફેબ્રુઆરી મહીનામાં નાના વેપારીઓની મિલ્કતો સીલ કરીને આવક વધારવા પ્રયાસ થયા હતા જેમાં ચેરમેન અને ડીપાર્ટમેન્ટને સફળતા મળી છે પાછલા નાણાકીય વર્ષમાં મિલ્કતવેરા પેટે કુલ રૂા.૧૦૩પ.ર૮ કરોડની આવક થઈ હતી જેની સામે ર૦ર૧-રરના ૧૧ મહીનામાં રૂા.૯૬૩.૮ર કરોડની આવક થઈ છે, જેમાં રૂા.૩૪ કરોડ યુઝર્સ ચાર્જનો પણ સમાવેશ થાય છે. પાછલા નાણાકીય વર્ષમાં વિવિધ ટેક્ષ પેટે થયેલ કુલ આવકના ૯૧ ટકા આવક તંત્રની તિજાેરીમાં જમા થઈ ગઈ છે અંતિમ મહીનામાં બજેટ લક્ષ્યાંક પુર્ણ કરવા માટે રૂા.ર૦૦ કરોડની આવક થાય તે જરૂરી છે.

મ્યુનિ. રેવન્યુ કમીટી ચેરમેન જૈનિકભાઈ વકીલ અને ડે. ચેરમેન પ્રદીપભાઈ દવે ના જણાવ્યા મુજબ ૧ એપ્રિલ-ર૦ર૧ થી ર૮ જાન્યુઆરી- ર૦રર સુધી કુલ ૧,૪૬,૬૧૧ ફરીયાદો મળી હતી જે પૈકી ૭૭૮૯૭ ફરીયાદો મંજુર કરવામાં આવી છે જયારે ૪પ૭૦૧ અરજીઓ દફતરે કરી છે. જયારે રર૮૦૭ અરજીઓનો નિકાલ બાકી છે. જેમાં ખાલી-બંધ યોજનાની ૧૮પ૪ર અરજીઓ છે જેનો નિકાલ અંતિમ મહીનામાં થાય છે.

તેથી હાલ માત્ર ૪ર૬પ અરજીઓનો નિકાલ કરવાનો બાકી છે. ર૦૧૯માં જે વ્હીકલ ટેક્ષ કૌભાંડ થયુ હતુ તેમાં બે હજાર વાહન માલિકોને નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે, જયારે વોર્ડ ઈન્સ્પેકટરો દ્વારા કોમ્પયુટરમાં ચેડા કરી ખોટી રીતે જમા-ઉધાર કરવામાં આવેલી રકમો અંગેની સંપુર્ણ યાદી કમીટી સમક્ષ રજુ કરવા સુચના આપવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ ટેક્ષ વસુલાત માટે માત્ર નાના વેપારીઓને થતી હેરાનગતિ સામે આક્રોશ વ્યકત કર્યો છે તેમના જણાવ્યા મુજબ મોટા વેપારીઓની કે દેવાદારોની મિલ્કતો માત્ર દેખાવ ખાતર સીલ થાય છે ટેક્ષ વિભાગ કે શાસકો પાસે દર વરસે સીલ કરવામાં આવેલી તેમજ તેની સામે ૧૦૦ ટકા ટેક્ષ ભરપાઈ કર્યા હોય તેવી મિલ્કતોની પુરતી માહિતી નથી.

દક્ષિણ ઝોનમાં ર૦૧૯-ર૦માં ર૭૩૧ મિલ્કત સીલ થઈ હતી જેની સામે માત્ર ૧૬૩૮ મિલ્કત ધારકોએ ટેક્ષ ભરીને સીલ ખોલાવ્યા હતા તેવી જ રીતે ર૦ર૦-ર૧માં ર૯૦ર સીલ સામે ૧૭પપ અને ર૦ર૧-રરમાં ૪૩૭ સીલ સામે ૧૧૮ મિલ્કત માલિકોએ જ ટેક્ષ જમા કરાવ્યો છે.

વોર્ડ ઈન્સ્પેકટરો અને કેટલાક સંજાેગોમાં સતાધીશો દ્વારા ખાસ લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે જયારે મોટા માથાઓ માટે લાલજાજમ બિછાવવામાં આવે છે. શહેરની ત્રણ જીઆઈડીસીના ડેવલપમેન્ટમાં દર વરસે તેમના પાસેથી મળેલ આવકના ૭પ ટકા રકમ આપવામાં આવે છે.

જેની સામે પ૦ ટકા રકમ આપવાની દરખાસ્ત મંજુર કરવાની નૈતિક હિંમત શાસકો દાખવી શકયા નથી, તેવી જ રીતે માત્ર ચાર-પાંચ હજાર રૂપિયાના બાકી લેણાની વસુલાત માટે રહેણાંક મિલ્કતોને નોટિસ આપવી કે ઘરની બહાર નોટિસ લગાવી મધ્યમવર્ગને ડરાવી વસુલાત કરવાની નીતિ માટે ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ વટવા, ઓઢવ તેમજ નરોડાની ફેકટરીઓના મોટા દેવાદારોની મિલ્કતો સીલ થતી નથી તેમજ તેની યાદી જાહેર કરવાની હિંમત પણ સતાધારી પાર્ટી દાખવતી નથી જે શરમજનક બાબત છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.