Western Times News

Gujarati News

કીવ છોડવાનો વારો આવ્યો તો પોતાની રેસ્ટોરન્ટ સોંપી દીધી

વડોદરા, હું માનવી માનવ થાઉં તો ઘણું. આ કહેવત આપણે ઘણીવાર સાંભળી હશે, પરંતુ ઘણાં ઓછા લોકો તેના પર અમલ કરતા હોય છે. રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. આ કપરી સ્થિતિમાં વડોદરાના મનિષ દવેએ આ કહેવતને સાકાર કરીને બતાવી છે. રશિયન આર્મીએ કીવ પર હુમલો કર્યો છે ત્યારે મનિષ દવેએ અત્યાર સુધી સેંકડો ભારતીયો અને યુક્રેનના નિવાસીઓની મદદ કરી છે.

ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો ત્યારથી યુક્રેનની રાજધાની કીવની સ્થિતિ ઘણી ખરાબ છે. અહીંના રસ્તાઓ પર રશિયન ટેન્ક્‌સ ફરી રહી છે. રશિયાની આર્મી દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે.

લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ ભાગી રહ્યા છે. આ સ્થિતિમાં મનિષ દવે લોકોની મદદ માટે હોંશેહોંશે આગળ આવ્યા છે. મનિષ દવેની રેસ્ટોરન્ટ બોગોમોલેટ્‌સ નેશનલ મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલ પાસે આવેલી છે. આ હોસ્ટેલમાં લગભગ ૧૫૦૦-૨૦૦૦ વિદ્યાર્થીઓ રહેતા હતા.

રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાં છુપાયેલા લોકોને મનિષ દવેએ ભોજનની વ્યવસ્થા પણ પૂરી પાડી. નોંધનીય છે કે મંગળવારના રોજ ઈન્ડિયન એમ્બેસી દ્વારા કીવમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને સૂચિત કરવામાં આવ્યું કે, જે પણ ટ્રેન ઉપલબ્ધ હોય તેની મદદથી અથવા અન્ય કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરીને વહેલીતકે કીવ છોડીને બહાર જતા રહે.

આ એડવાઈઝરી મળ્યા પછી મનિષ દવે પણ અન્ય ભારતીયોની સાથે કીવ છોડીને નીકળી ગયા. તેઓ જણાવે છે કે, અમે કીવ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને ટ્રેનની રાહ જાેઈ રહ્યા છીએ. અમને ખબર નથી કે અમે ક્યાં જઈશું. અત્યારે રોમાનિયા સૌથી સુરક્ષિત વિકલ્પ લાગી રહ્યો છે. અમને આશા છે કે રોમાનિયાથી સુરક્ષિત ભારત લઈ જવામાં આવશે. મારી સાથે અત્યારે બીજા ૧૩ જેટલા ભારતીયો પણ છે.

મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મેં મારી રેસ્ટોરન્ટ યુક્રેનના લોકોને સોંપી દીધી છે. ઉલ્લેખનીય છે કે મનિષ દવેએ જાન્યુઆરી મહિનામાં જ રેસ્ટોરન્ટ બિઝનેસની શરુઆત કરી હતી.

તેમને આ નવી શરુઆતથી ઘણી આશા હતી. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને તેમણે જણાવ્યું રે, જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી યુક્રેનના લોકોને પણ એવા સ્થળની જરૂર છે જ્યાં તેઓ સુરક્ષિત રહી શકે, તેમને પણ જમવા માટે ખોરાકની જરૂર છે. નોંધનીય છે કે અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડોદરા શહેરના ઓછામાં ઓછા ૨૦ વિદ્યાર્થીઓ હજી પણ યુક્રેનના અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.