Western Times News

Gujarati News

વડોદરા ન્યાયમંદિર- લાલકોર્ટની ઈમારતો પાલિકાને સોંપવાનો સરકારનો નિર્ણય

ન્યાયમંદિરમાં ‘સીટી હેરીટેઝ મ્યુઝીયમ’ તથા લાલકોર્ટવાળી ઈમારતમાં ‘આર્ટ ગેલેરી’ બનાવવામાં આવશે

વડોદરા, વડોદરા શહેરની મધ્યમાં આવેલી ન્યાયમંદિર અને લાલકોર્ટની ઐતિહાસીક ઈમારતમાં સીટી હેરીટેઝ મ્યુઝીયમ અને આર્ટ ગેલેરી બનાવવાની શહેરીજનોની માંગણીનો આખરે રાજય સરકાર તરફથી સ્વિકાર કરવામાં આવ્યો છે.

સ્થાનીક નાગરીકોની લાગણી અને માંગણીના પગલે રાજય સરકાર દ્વારા આ બંને ઈમારતોના વહિવટ અને તમામ નિભાવણી માટે મહાનગરપાલિકાને સોંપણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

સર સયાજીરાવ ગાયકવાડના સમયથી વડોદરાના મધ્યમાં બનાવવામાં આવેલી આ ભવ્ય ઈમારતમાં ગાયકવાડી રાજમાં સ્ટેટ હાઈકોર્ટ તરીકે તેમાં કોર્ટ ચાલતી હતી. દેશની આઝાદી પછી આ ઈમારત ન્યાયમંદિર અને લાલકોર્ટ તરીકે ઓળખાતી હતી જેમાં અનેક કોર્ટ ચાલતી હતી.

રાજય સરકાર દ્વારા વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં અદાલતી સંકુલ નવુ બનાવવામાં આવતા આ બંને ઈમારતો ખંડેર બનવા માંડી હતી જેના પગલે વડોદરાવાસીઓએ આ ઈમારતોનો યોગ્ય ઉપયોગ થાય તેના માટે અવાજ ઉઠાવ્યો હતો.

આ ઐતિહાસિક ઈમારતને બચાવવા નવચેતના ફોરમના નેજા હેઠળ કિર્તીભાઈ પરીખ સહિત ચાર દરવાજા વિસ્તારના કેટલાક જાગૃત નાગરીકોએ અવાજ ઉઠાવ્યો હતો. વડોદરા મ્યુનિ. કમિશ્નર દ્વારા ર૦ર૧ના જાન્યુઆરી મહિનામાં ન્યાયમંદિર ઈમારતને સીટી હેરીટેઝ મ્યુઝિયમ તરીકે બનાવવા માટે સરકાર પાસે માંગણી કરી હતી

જેના સંદર્ભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્‌ય્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરાના રાવપુરા મત વિસ્તારના ધારાસભ્ય તથા સરકારના કાયદા અને મહેસુલ મંત્રીએ પ્રયત્ન શરૂ કર્યા હતા. લાલકોર્ટ ઈમારતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ બેસતા હોવાથી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સંમતિથી તેઓને ખાલી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આખરે તાજેતરમાં રાજય સરકાર દ્વારા ન્યાય મંદિરની ઈમારતને સીટી હેરીટેઝ મ્યુઝીયમ અને લાલકોર્ટ વાળી ઈમારતને આર્ટ ગેલેરી બનાવવા અને તેના વહિવટ અને તમામ નિભાવણી માટે વડોદરા મહાનગરપાલિકાને સુપરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.