Western Times News

Gujarati News

વડાપ્રધાન ૧૧-૧૨ માર્ચે ગુજરાતનો પ્રવાસ ખેડશે

અમદાવાદ, યુપીમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે આવામાં ત્યાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારણસીમાં રોડ શો કર્યો, ચારની ચુસ્કી લીધી અને અડધી રાત્રે કેન્ટ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. આ બધાની વચ્ચે હવે એવી વિગતો સામે આવી છે કે, તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના મહેમાન બનવાના છે.

વડાપ્રધાન મોદી ચાલુ મહિનામાં જ ગુજરાતના મહેમાન બનવાના છે, તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા પંચાયતી રાજ સંમેલન કાર્યક્રમમાં હાજર રહેવાના છે. આ સિવાય ૧૧ અને ૧૨ માર્ચના તેમના પ્રવાસ દરમિયાન અન્ય કાર્યક્રમોમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે.

પંચાયતી રાજ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના છે અને આ કાર્યક્રમને ડિસેમ્બર મહિનામાં આવી રહેલી ગુજરાતની વિધાનસભા ચૂંટણીના કેમ્પેનની શરુઆત માનવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ૨૪ વર્ષથી ભાજપ સત્તા પર છે, હવે આગામી ૧૫મી વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ સત્તામાં રહેવા માટે અને જનતાને રિઝવવાના પ્રયાસો જલદી કરી શકે છે.

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અંગે સૂત્રો જણાવે છે કે, “પંચાતી રાજ સંમેલન સિવાય વડાપ્રધાન મોદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે. તેઓ ખેલ મહાકુંભ કાર્યક્રમ દરમિયાન પણ હાજરી આપી શકે છે, જેનું આયોજન સરદાર પટેલ સ્ટેડિયમમાં કરવામાં આવી શકે છે. આ સિવાય પીએમ મોદી ગાંધીનગરમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ હાજરી આપી શકે છે. આ તમામ કાર્યક્રમો સહિત તેઓ પોતાના માતા હીરાબાને પણ મળવા માટે ગાંધીનગર જઈ શકે છે.”

સૂત્રોનું માનવું છે કે, ખેલ મહાકુંભ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને યુવાનો સાથે તાલમેલ બેસાડવાના પ્રયાસના રૂપમાં જાેવામાં આવી રહ્યો છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે સમયાંતરે તેઓ રાજ્યની મુલાકાતે આવતા રહેશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.