Western Times News

Gujarati News

ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચેથી શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણની સુવિધા મળશે

ભિક્ષા નહીં -શિક્ષા મંત્ર સાથે સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટ અંતર્ગત વંચિત-ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચેથી શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણની સુવિધા મળતી થશે

અમદાવાદમાં સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટની ૩૦થી વધુ મોબાઈલ સ્કૂલ બસનું પ્રસ્થાન

શિક્ષણથી વંચિત બાળક દત્તક લઇ તેના શૈક્ષણિક કાર્ય- સામાજીક ઉત્થાનની સેવા સંવેદના દર્શાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં  ગુજરાત હાઇકોર્ટ  ખાતેથી સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા આગવો લાગણીશીલ અને સમાજ પ્રેરક અભિગમ દર્શાવતા શિક્ષણથી વંચિત એક દરિદ્ર બાળકને દત્તક લઇ તેના શિક્ષણ માટેની જવાબદારી તેઓ સ્વંય ઉપાડશે એવો નિર્ધાર દર્શાવ્યો હતો.

ગુજરાત સરકાર, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સંયુક્ત સહયોગથી આ સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલી બસોને ફ્લેગ ઓફ કરાવ્યું તે વેળાએ સુપ્રીમકોર્ટના જસ્ટિસ સર્વશ્રી એમ.આર.શાહ, સુશ્રી બેલાબહેન ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદકુમાર, વરિષ્ઠ ન્યાયાધિશશ્રી આર.એન.છાયા, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી, સુશ્રી મનિષાબેન તેમજ કાયદામંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને અમદાવાદના મેયરશ્રી કિરીટભાઈ સહિત પદાધિકારીઓ પણ સહભાગી થયા હતા.

શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમાજહિતકારી પ્રોજેક્ટ માત્ર અમદાવાદ મહાનગર પૂરતો સીમિત ન રહેતાં રાજ્યમાં વ્યાપક સ્તરે શરૂ થાય અને શિક્ષા-દિક્ષાથી વંચિત દરિદ્ર બાળકોને શિક્ષણ સંસ્કાર મળે તેવી સામૂહિક સમાજ જવાબદારીનું પણ આહવાન કર્યું હતું.

આ અભિગમ વંચિત દરિદ્રનારાયણ જરૂરીયાતમંદ પરિવારના બાળકના ભવિષ્યમાં શિક્ષણની જ્યોતથી નવી આશાનું કિરણ પ્રગટાવશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

રાજ્યમાં વિવિધ કારણોસર કદી શાળાએ ન ગયા હોય કે અઘવચ્ચેથી શાળા છોડી ગયેલા બાળકો ઉપરાંત ચાલીઓમાં, રેલવે-બસ મથક કે અન્ય જાહેર સ્થળોએ ખુલ્લામાં સમય વેડફતા બાળકો તથા ટ્રાફિક સિગ્નલ પર  ભિક્ષાવૃત્તિ કરતા બાળકો માટે ભિક્ષા નહીં શિક્ષા ધ્યેયના મંત્ર સાથે આ સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

સમાજમાં કોઈ બાળક શિક્ષણ સંસ્કારથી વંચિત ના રહે અને જરૂરતમંદ દરિદ્ર પરિવારના બાળકને વિપરીત પરિસ્થિતિમાં પણ શિક્ષણ છોડી દેવું ન પડે તે માટે આવાં સમાજહિત લક્ષી અભિગમ અને વંચિત બાળકોને દત્તક લઇને તેનામાં શિક્ષણ-કેળવણી સંસ્કાર ઉજાગર કરવાની મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પહેલ સમાજના અન્ય સંપન્ન વ્યક્તિઓ, દાતાઓ માટે પ્રેરણારૂપ બનશે.

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ આ અંગેની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, રાજ્ય વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી જસ્ટિસ અરવિંદકુમારની પ્રેરણા અને માર્ગદર્શનમાં શરૂ થયેલો આ શિક્ષણ સ્કૂલ પ્રોજેક્ટ દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બનશે.

તેમણે ચીફ જસ્ટિસ શ્રી અરવિંદકુમારે બેંગ્લોર, કર્ણાટકમાં આ અભિગમ તેમના ત્યાંના કાર્યકાળ દરમિયાન અપનાવવાની પહેલ કરી હતી તેની પણ માહિતી આપી હતી.

શ્રી જીતુભાઈ વાઘાણી ઉમેર્યું કે રાજ્ય સરકારે પણ ગુજરાતના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ સુવિધા આપવા સાથે આવા વંચિત બાળકોની શિક્ષા-દીક્ષા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સફળ પ્રયાસો ઉપાડ્યા છે.

શિક્ષણ થી વંચિત બાળક ને વિદ્યાદાન  અને શિક્ષણ સંસ્કાર આપવા  બાળક દત્તક લેવાના મુખ્યમંત્રીશ્રીના  સંકલ્પથી  આ પ્રયાસોમાં  પૂરક બળ મળશે.

તેમણે કહ્યું કે મુખ્યમંત્રીશ્રીના આહવાનને પગલે કાયદામંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને તેઓ (જીતુ ભાઈ) પોતે પણ આવા વંચિત બાળકના શિક્ષણ સંસ્કાર ચિંતન માટે બાળક દત્તક લેવાના છે.

આ પ્રસંગે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસ શ્રી એમ.આર.શાહે ગુજરાત સરકારના કેરિંગ અને શેરિંગના નવા અભિગમ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આ નવા અભિગમ થકી સમાજ પ્રત્યેનું ઋણ અદા થઈ રહ્યું છે. જે બાળકો સિગ્નલ ઉપર ભિક્ષા માંગે છે તેમને જો આ પ્રકારે શિક્ષણ મળી રહે તો એ બાળકને ભવિષ્યમાં આગળ આવવાની તક મળશે. બાળકો ભણીને આગળ આવશે તો દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસ શ્રી એમ.આર. શાહે  પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સિગ્નલ ઉપર ભિક્ષા માગનાર બાળકોને દત્તક લેવાની  સૌને અપીલ કરી હતી.

શહેરના અલગ અલગ સિગ્નલ પર સવાર અને સાંજના સમયે સિગ્નલ સ્કૂલ મારફતે શિક્ષણ આપવામાં આવશે. સિગ્નલ સ્કૂલમાં તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. બસની અંદર બ્લેકબોર્ડ, શિક્ષક માટે ટેબલ અને ખુરશી, એલસીડી ટીવી, વાઇફાઇ, સીસીટીવી, પીવાનું પાણી, મીની પંખા સહિતની સુવિધા છે.

બાળકોને શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ તબીબી તપાસ, મધ્યાહન ભોજન સહિત મ્યુનિસિપલ સ્કૂલોમાં આપવામાં આવતી અન્ય સુવિધાઓ  પણ આપવામાં આવશે અને એક વર્ષ પછી નજીકની શાળામાં મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રીઓ, રજિસ્ટ્રારશ્રી, અમદાવાદના નાયબ મેયર ગીતા બહેન, કમિશનર શ્રી લોચન સહેરા, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સુજોય મહેતા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.