Western Times News

Gujarati News

બટાકાના ઊંચા ભાવથી આર્થિક રીતે ખેડૂતોને લાભ

આણંદ, ચરોતરમાં શાકભાજી પકવતા ખેડૂતો રોકડિયા પાકના ગગડેલા ભાવથી પરેશાન છે. જાેકે બટાકાના ભાવમાં ગત વર્ષની સરખામણી ૧૦૦ ટકાથી સવા સો ટકાનો વધારો થતા ખેડૂતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે. ચરોતર પંથકમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો આ વર્ષે બટાકાના ઊંચા ભાવથી ખુશ થઈ ગયા છે. ગયા વર્ષ કરતા બમણા ભાવને કારણે તેમને બમ્પર આવક મળી છે.

જે ખેડૂતો ગયા વર્ષે ૪૦૦થી ૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે બટાકા વેચતા હતા, આ વર્ષે તેઓને તે જ બટાકાના ૧૨૦૦થી ૧૩૦૦ રૂપિયા મળી રહ્યા છે. ચાલુ વર્ષે જે ખેડૂતોએ બટાકાની વધુ ખેતી કરી છે તેમની આવકમાં પણ વધારો થયો છે. આ કારણે તેમની ખુશીનો કોઈ પાર નથી.

ચરોતરના આણંદ-ખેડા જિલ્લામાં આણંદ, બોરીયાવી ચકલાસી, કંજરી બોરીયાવી સહિતના વિસ્તારોમાં બટાકાનું મોટાપાયે વાવેતર થાય છે. ચાલુ વર્ષે લગભગ ૩૩૦૦ હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું છે. જાેકે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બટાકાની સિઝન દરમિયાન વાદળછાયું આકાશને કારણે વાતાવરણ ગરમ હતું. જેના કારણે બટાકાના ઉત્પાદનમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે .

ચરોતર વિસ્તારમાં દર વર્ષે ૨.૪૦ લાખ ક્વિન્ટલ બટાટાનું ઉત્પાદન થાય છે. પરંતુ, આ વર્ષે બટાટાનું ઉત્પાદન ૧.૯૫ લાખ ક્વિન્ટલ થવાનો અંદાજ છે. બટાકાનું ઉત્પાદન ઓછું હોવા છતાં સારા ભાવ મળતા ખેડૂતોને ફાયદો થાય છે. ગત વર્ષે ૧૦૦ રૂપિયા પ્રતિ ૨૦ કિલોનો ભાવ આ વર્ષે ૨૫૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.