Western Times News

Gujarati News

હાઈકોર્ટે રાજ્ય સરકાર અને બે હોસ્પિટલોને નોટિસ પાઠવી

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય પ્રશાસનને નોટિસ પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં એક ગરીબ મહિલા પૈસા ચુકવવા સક્ષમ ન હોવાને કારણે તેની સારવાર કરવામાં નહોતી આવી અને એલજી હોસ્પિટલના સ્ટાફની બેદરકારીને કારણે મહિલાની કસુવાવડ થઈ હતી.

આ બાબતે કરવામાં આવેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નિકુંજ મેવાડા નામના નાગરિક દ્વારા એડવોકેટ રાજન પટેલના માધ્યમથી આ અરજી કરવામાં આવી હતી.

આ જાહેરહિતની અરજીમાં દર્દીને સારવાર પૂરી ન પાડવાના બે કિસ્સા ટાંકવામાં આવ્યા હતા. ૧૧મી જાન્યુઆરીના રોજ તારાપુર ગામમાં એક ગરીબ મહિલાએ ખાનગી હોસ્પિટલની બહાર બાળકને જન્મ આપવો પડ્યો હતો. આરોપ મૂકવામાં આવ્યો છે કે ડોક્ટર રામકુશન મિરાણીના નર્સિંગ હોમમાં મહિલા ૪૨,૦૦૦ ચૂકવવા સક્ષમ ન હોવાને કારણે કથિત રીતે તેની સારવાર કરવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો હતો.

બીજી ફરિયાદ એ હતી કે, ૧૦મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એલજી હોસ્પિટલના સ્ટાફની કથિત બેદરકારીને કારણે એક મહિલાની કસુસાવડ થઈ ગઈ હતી. અરજી કરનાર નાગરિકે હાઈકોર્ટ સમક્ષ માંગ કરી હતી કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ બાબતોમાં તપાસ શરુ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

આ બે ઘટનાઓને ટાંકીને અરજીકર્તાએ હાઈકોર્ટ સમક્ષ વિનંતી કરી કે, હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવે કે જ્યારે કોઈ પણ ગર્ભવતી મહિલા પ્રસૂતિની પીડામાં હોય અથવા તો અન્ય કોઈ મેડિકલ ઈમર્જન્સીમાં હોય, ખાસકરીને જ્યારે તેઓ ગરીબ અને અશિક્ષિત હોય ત્યારે ખાનગી હોય કે સરકારી, કોઈ પણ હોસ્પિટલ અને તબીબ તેની સારવાર કરવા માટે બંધાયેલા છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઈટ્‌સના આર્ટિકલ ૧ અનુસાર ગર્ભવતી મહિલાઓના અધિકારોને સુરક્ષિત રાખવા માટે દિશાનિર્દેશો, નિયમો, નીતિઓ અને કાયદા ઘડવામાં આવે. અરજીકર્તાએ માંગ કરી છે કે આ પ્રકારના કેસમાં અમાનવીય વર્તન કરનાર હોસ્પિટલો અથવા તબીબો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, દર્દીને વળતર આપવામાં આવે અને કાર્યવાહી કરવા માટે એક પેનલની રચના કરવામાં આવે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.