Western Times News

Gujarati News

૨૨ મેએ નોઈડાના ટિ્‌વન ટાવર્સ ૯ સેકન્ડમાં તોડી પડાશે

 નોઈડા, દેશના સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર્સમાંના એક એવા નોઈડાના ટ્‌વીન ટાવર્સને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તોડી પાડવાની તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. જે બે ટાવર્સ ધરાશાયી કરવામાં આવશે તેમાંનો એક ૩૨ માળનો જ્યારે બીજાે ૩૧ માળનો છે.

૩૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ સુપ્રીમ કોર્ટે નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવાયેલા આ હાઈરાઈઝ ટ્‌વીન ટાવર્સને જમીનદોસ્ત કરવાનો ઓર્ડર આપ્યો હતો. આખરે કોર્ટના આદેશના નવ મહિના બાદ ૨૨ મેના રોજ બપોરે અઢી વાગ્યે આ ટાવર્સને આયોજનબદ્ધ રીતે વિસ્ફોટ કરીને માત્ર ૯ જ સેકન્ડમાં તોડી પાડવામાં આવશે.

નોઈડાના સેક્ટર ૯૩છમાં બનેલા એપેક્સઅને સિયાનેટાવરને જમીનદોસ્ત કરવા માટે ૪,૦૦૦ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવશે. અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, આ ટાવર્સને તોડવામાં આવશે તે દિવસે તેની આસપાસ રહેતા ૧૫૦૦ જેટલા પરિવારોને પણ ત્યારે ઘર ખાલી કરવું પડશે. અહીંના રસ્તા પણ બંધ કરી દેવામાં આવશે.

આ ટાવર્સને તોડવાનું કામ એડિફાઈસ એન્જિનિયરિંગનામની એક કંપનીને સોંપવામાં આવ્યું છે. મંગળવારે તેણે પોતાનો સમગ્ર પ્લાન જાહેર કર્યો હતો.

કંપનીના જણાવ્યા અનુસાર ૯૭ મીટર ઉંચા ૩૧ માળના સિયાનેને સૌ પહેલા તોડવામાં આવશે. ત્યારબાદ ૧૦૦ મીટર ઉંચા અને ૩૨ માળના એપેક્સને જમીનદોસ્ત કરાશે. બંને ટાવર્સના એક બાદ એક ફ્લોરમાં વિસ્ફોટ થશે, અને તેમનો કાટમાળ આસપાસના વિસ્તારોમાં ના ફેલાય તે રીતે આ કામ પૂરું કરવામાં આવશે.

આ ટાવરના અલગ-અલગ ૧૦ ફ્લોરને પ્રાઈમરી બ્લાસ્ટ ટાવર્સની કેટેગરીમાં મૂકાયા છે, જેમના કૉલમમાં વિસ્ફોટકો ગોઠવવામાં આવશે, જ્યારે બાકીના સાત ફ્લોર સેકન્ડરી બ્લાસ્ટ ફ્લોર્સ છે, જેમના ૪૦ ટકા કૉલમ્સમાં વિસ્ફોટકો ગોઠવવામાં આવશે. આ બંને ટાવરને તોડવા માટે ૨૫૦૦થી ૪૦૦૦ કિલો વિસ્ફોટકો વપરાશે.

તેની તીવ્રતા તેમજ સેફ્ટી ચકાસવા માટે આ મહિનાના અંતમાં ટેસ્ટ બ્લાસ્ટ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના પહેલા, બીજા, છઠ્ઠા, દસમા, ચૌદમા, ૧૮મા, ૨૨મા, ૨૬મા અને ૩૦મા માળને પ્રાઈમરી ફ્લોર તરીકે ગણતરીમાં લેવાશે, જ્યારે ચોથા, આઠમા, બારમા, અઢારમા, ૨૦મા, ૨૪મા અને ૨૮મા માળને સેકન્ડરી ફ્લોર ગણવામાં આવશે.

દરેક માળમાંથી દીવાલો તોડવા ઉપરાંત, વિન્ડો ફ્રેમ, ગ્રીલ, દરવાજા, વાયરિંગ તેમજ પાણીની પાઈપો અને નળ દૂર કરવાનું કામ ચાલુ છે. દરેક કૉલમને એવા મટિરિયલથી કવર કરવામાં આવશે કે જેનાથી વિસ્ફોટ વખતે કાટમાળ હવામાં ઉછળીને આસપાસના વિસ્તારોમાં નહીં ફેલાય.

આ ટ્‌વીન ટાવર્સની આસપાસ બીજા રેસિડેન્શિયલ ટાવર્સ પણ આવેલા છે. તેમને જમીનદોસ્ત કરવાની કાર્યવાહીમાં આ ટાવર્સને કોઈ નુક્સાન ના થાય તેનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમ છતાંય કામગીરી પૂર્ણ થયા બાદ જ્યાં લોકો રહે છે તેવી બિલ્ડિંગને કોઈ નુક્સાન થયું છે કે કેમ તેનો વિગતવાર સર્વે કરવામાં આવશે.

જાે નુક્સાન થયું તો પણ ઈન્શ્યોરન્સ દ્વારા તેની ભરપાઈ કરી આપવામાં આવશે. આ ટાવર્સની સામેથી જ નોઈડા એક્સપ્રેસ વે પણ પસાર થાય છે, જેને એક કલાક માટે બંધ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, આસપાસ રહેતા લોકોને ટાવર્સ તોડવાનું કામ ચાલુ થાય તેના ત્રણ કલાક પહેલા ઘરેથી નીકળી જવાનું રહેશે, અને કામ પૂર્ણ થયાના બે કલાક બાદ તેઓ પરત આવી શકશે.

વિસ્ફોટ કરવામાં આવશે ત્યારે માત્ર પાંચ લોકો સાઈટ પર હાજર રહેશે. જેમાં બે વિદેશી એક્સપર્ટ્‌સ, એક પોલીસ અધિકારી, એક બ્લાસ્ટર અને એક પ્રોજેક્ટ મેનેરજનો સમાવેશ થાય છે. આ કામગીરી સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, આસપાસની બિલ્ડિંગ્સને ઢાંકી દેવામાં આવશે, જેથી જાે કાટમાળનો કોઈ હિસ્સો તેમના તરફ ફેંકાય તો પણ કોઈ નુક્સાન ના થાય.

ટાવર્સમાં બ્લાસ્ટ થાય ત્યારે ધૂળ પણ મોટા પ્રમાણમાં ઉડશે, જેના માટે કોઈ ઉપાય નથી પરંતુ તેની અસર ઓછામાં ઓછી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. બંને ટાવર્સ તૂટી ગયા બાદ આગામી દિવસોમાં તેમનો કાટમાળ સાઈટ પરથી દૂર કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.