Western Times News

Gujarati News

ડ્રગ્સકાંડમાં ૧૬ સામે ચાર્જશીટ બાદ NIAની નજર પંજાબ પર

નવી દિલ્હી, ભારતમાં રાષ્ટ્રીય અને મધ્ય-સ્તરના ડ્રગ વિતરકો માટે મુખ્ય રમતનું મેદાન ગણાતું પંજાબ હવે મુન્દ્રા પોર્ટ ડ્રગ જપ્તીની તપાસ કરી રહેલી તપાસ ટીમના ધ્યાન હેઠળ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૬ આરોપીઓની સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) હવે પંજાબ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વધુ તપાસમાં રાજ્યના મોટા માથાની સંડોવણી બહાર આવી શકે છે.

તપાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર એનઆઈએના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ડ્રગ્સની તસ્કરીમાં ત્રણ પ્રમુખ ખેલાડી સામેલ છે. એક અફઘાન ગેંગ, હવાલા વેપારી અને ડ્રગ માફિયા જેનો ટ્રાન્ઝિટ પોઈન્ટ મુંદ્રા બંદર છે.

૧૬ આરોપીઓની ધરપકડ કર્યા બાદ પણ તપાસ ચાલું છે. એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, હવે, અમે એવા ખરીદદારો અને સપ્લાયર્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેઓ અંતિમ વપરાશકારોને ડ્રગ્સ વેચવાના હતા. અમારી તપાસ પંજાબ પર ધ્યાન કેન્દ્રિત કરશે, કારણ કે એવી શંકા છે કે, રાજ્ય આ કન્સાઈનમેન્ટનું કેન્દ્ર હતું.

જ્યારે નેટવર્ક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તપાસકર્તાએ જણાવ્યું હતું કે, અફઘાન નાગરિકોનું જૂથ તેના મુખ્ય ખેલાડીઓ હતા જેઓ અફઘાન-આધારિત ડ્રગ ડીલરો સાથે સોદો કરતા હતા. આ જૂથ પાસે હવાલા વ્યાપારીઓનું એક નેટવર્ક પણ હતું જે ઉત્તર અને મધ્ય દિલ્હીમાં સ્થિત હતું અને તે અફઘાનિસ્તાનને પૈસા મોકલવા માટે જવાબદાર હતું.

આ સમૂહ પાસે સ્થાનિક ડ્રગ માફિયાઓનું નેટવર્ક પણ હતું જે નાના પાયે ડ્રગ પેડલરોને હેરોઈનનું પરિવહન અને વિતરણ કરતું હતું. ધરપકડ કરાયેલ ઈરાની નાગરિક જાવેદ નજફી નેટવર્કને ઈરાન બંદરેથી કન્સાઈનમેન્ટ ક્લિયર કરાવવામાં મદદ કરતો હતો.

સૂત્રોએ દાવો કર્યો હતો કે, આ હવાલા ડીલરો પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોના સંપર્કમાં પણ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તપાસકર્તાઓને એ પણ જણાવ્યું હતું કે, તેઓ હેરોઈન પંજાબ મોકલાવવા અગાઉ તેને રાખવા માટે કેટલાક દિવસો માટે ગોડાઉન પણ ભાડે રાખતા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.