Western Times News

Gujarati News

પેટ્રોલનો ભાવ રૂ.૧૨૦ પ્રતિ લીટર, ડીઝલ ૧૧૮ થઈ શકે

Files Photo

નવી દિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના કારણે ત્રણ મહિના સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કંપનીઓને આંતરરાષ્ટ્રીય ભાવ અનુસાર વધારો કે ઘટાડો કરવા દેવાની છૂટ રોકી રાખવામાં આવી હતી. આ ત્રણ મહિનામાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા અને પછી રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે તેમાં બળતામાં ઘી હોમાયું હતું.

ભારત વર્ષે ૧૪૦ કરોડ બેરલ કે તેની કુલ જરૂરિયાતના ૮૦ ટકા ક્રૂડની આયાત કરે છે. બજારમાં ભાવ વધે એટલે રિફાઇનિંગ ખર્ચ વધે અને ગ્રાહકો માટે પણ તે મોંઘુ થાય એટલે હવે વિવિધ રાજ્યોમાં ચૂંટણી પૂરી થઈ છે, મુખ્યમંત્રી શપથ લઈ રહ્યા છે એટલે છેલ્લા ચાર દિવસમાં ત્રણ વખત ભાવ વધ્યા છે. રોજના ૮૦ પૈસા લેખે પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ ૨.૪૦ રૂપિયા પ્રતિ લીટર વધી ગયા છે. જાે, કોઈ એમ માનતું હોય કે હવે ભાવ વધશે નહિ તો એ માત્ર ભ્રમ છે.

ગુરૂવારે ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જે અનુસાર ભારતની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવ નહિ વધારી એકલા માર્ચ મહિનામાં રૂ.૧૯,૦૦૦ કરોડની ખોટ સહન કરી છે. આ પછી પણ ક્રૂડના ભાવ ત્રણ મહિના કરતા ૪૫ ટકા ઊંચા છે એટલે સ્થાનિક બજારમાં ભાવ હજી ઘણા વધી શકે છે. ઉદ્યોગ સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારના ક્રૂડના ભાવ સામે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હજી ઘણા ઓછા છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે અત્યારે લિટરે રૂ.૨૩નો તફાવત છે.

આ તફાવત માન્ય રાખીએ તો પેટ્રોલનો ભાવ રૂ.૧૨૦ પ્રતિ લીટર અને ડીઝલ ૧૧૮ પ્રતિ લીટર થઈ શકે છે. ગ્રાહકો ઉપર જંગી બોજ આવી શકે એમ છે. દૈનિક એક લીટર પેટ્રોલ જાે ટુ વ્હીલર કોઈ ઉપયોગ કરતું હોય તો મહિને માત્ર પેટ્રોલના ભાવ પેટે રૂ.૬૯૦નો વધારાનો બોજ ગ્રાહક ઉપર આવી શકે એમ છે.

દરમિયાન, ખાનગી કંપની શેલના સાદા પેટ્રોલનો ભાવ આજે પણ સરકારી કંપનીઓ કરતા વધારે છે. પેટ્રોલ પંપ ઉપર શેલનાં સાદા પેટ્રોલનો ભાવ રૂ.૧૦૪.૨૯ અને ડીઝલનો ભાવ રૂ.૯૩.૦૪ પ્રતિ લીટર છે.

પેટ્રોલની પ્રીમિયમ ક્વોલિટીના ભાવ રૂ.૧૧૩.૭૯ છે, જે ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ છે દૈનિક માત્ર ૮૦ પૈસાના ભાવ વધારા સાથે લોકો ઉપર એકસાથે મોટો બોજ આવે નહિ અને રૂ.૨૩નો વધારો એક સાથે ઝીંકાય તો મોટો વિરોધ થાય એટલે આંશિક ભાવ વધારો કરવામાં આવી થયો છે. દરમિયાન, રશિયાથી સસ્તા ક્રૂડની આયાત સમાચાર પણ ભારતને મોટી રાહત આપી શકે એમ નથી.

દૈનિક ૩૮ લાખ બેરલની કુલ આયાત સામે માત્ર ૩૦ લાખ બેરલ માટે જ કરાર થયા છે એટલે એક દિવસ પણ આ જથ્થો રાહત આપી શકે એમ નથી. ગ્રાહકોએ આવનારા દિવસોમાં વાહનની ટાંકીમાં બળતણ નાખવા માટે હ્રદય બાળીને પણ ઊંચા ભાવ ચોક્કસ ચૂકવવા પડશે તેમાં કોઈ બેમત હોય શકે નહિ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.