Western Times News

Gujarati News

ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ સહિતના સ્થળોએ CCTV કેમેરા ગોઠવવા ફરજિયાત

(પ્રતિનિધિ)ગોધરા, અસામાજિક અને ગુનાકીય પ્રવૃતિમાં સંડોવાયેલા તત્વો દ્વારા રોકાણ માટે હોટેલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા સહિતના જાહેર સ્થળોના ઉપયોગ પર નિયંત્રણ લેવા તેમજ સઘન દેખરેખ રાખવા પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.ડી. ચુડાસમા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર જિલ્લામાં આવેલ હાઈ-વે પરની તમામ હોટેલો, ધર્મશાળાઓ, પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝાઓ, હોટેલ-ગેસ્ટહાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેન્કિંગ સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેક્ષ થિયેટરો, લોજિંગ-બોર્ડિંગ, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો જેવા સ્થળોએ સંબંધિત માલિકો, ટ્રસ્ટીઓ, વહીવટકર્તાઓ દ્વારા સી.સી.ટી.વી કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે.

આ કેમેરા નાઈટવિઝન (હાઈડેફિનીશન) પ્રકારના, રેકોર્ડિંગ સિસ્ટમની વ્યવસ્થા સાથે અને ઉભેલા વાહનનો રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ રીતે દેખાય તેમજ વાહન ચાલક અને તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું વિડીયો રેકોર્ડિંગ થઈ શકે તે રીતે ગોઠવવાના રહેશે. જાહેરનામા અનુસાર ઓછામાં ઓછા ૧૫ દિવસનો સી.સી.ટી.વી. રેકોર્ડિંગ ડેટાનો સંગ્રહ રાખવો ફરજિયાત છે.

બહારના ભાગે તમામ પાર્કિંગની તમામ જગ્યાઓ, રીસેપ્શન સેન્ટર, લોબી, બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે જ્યાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવાના રહેશે. હુકમની તારીખથી બે માસ સુધી આ હુકમ અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.