Western Times News

Gujarati News

વાપીના મુરલી નાયરે અંગદાન કર્યુંઃ 5 લોકોને મળશે જીવનદાન!

(પ્રતિનિધિ) વાપી, વાપીની હરિયા એલ જી રોટરી હોસ્પિટલ ખાતે શનિવારે બીજું અંગદાન કરવામાં આવ્યું હતું. વાપીના 55 વર્ષીય મુરલી નાયર નામના દર્દી બ્રેઇન ડેડ થવાથી તેના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ દર્દીને આંખો લીવર તથા કીડનીનું દાન કરી પાંચ દર્દીઓને જીવનદાન આપ્યું છે.
વાપીની હરિયા એલ જી હોસ્પિટલમાંથી અમદાવાદની જાયડ્સ હોસ્પિટલ સુધી ગ્રીન કોરોડોર તૈયાર કરી દર્દીના લીવર કિડનીને મોકલવામાં આવ્યાં હતા. અમદાવાદમાં આ અવયવો 3 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરી નવું જીવન આપવામાં આવશે
વાપીમાં રહેતા મુરલી નાયરને બ્રેઇન સ્ટ્રોક આવતા વાપીની હરિયા એલ. જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. 6 દિવસની સારવાર બાદ પણ તે બ્રેઇન સ્ટ્રોક માંથી બહાર આવી શક્યા નહોતા. જ્યારે તેમના અન્ય કિડની, લીવર જેવા અંગો સલામત હતાં. એટલે તબીબોએ નામર પરિવાર સાથે અંગોના દાન અંગે વાત કરી હતી. જે નાયર પરિવારે સહર્ષ સ્વીકારી લીધી હતી.
જે બાદ શનિવારે મુરલી નાયરના કિડની, લીવરને અમદાવાદમાં જાયડ્સ હોસ્પિટલમાં ઓપરેશન હેઠળ રહેલા દર્દીઓને આપવાનું નક્કી કરાયુ હતું. જે અંતર્ગત વાપી એલ જી હરિયા હોસ્પિટલથી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર તૈયાર કરી અવયવોને સુરક્ષિત કરી રવાના કરાયા હતાં.
રોડ માર્ગે અંદાજિત સાડા ચાર ક્લાર્ક આ અવયવો અમદાવાદ પહોંચશે અને ત્યાં 3 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. નાયર
પરિવારની આ માનવતાની મિશાલને તબીબોએ અન્ય માટે પ્રેરણાદાયી ગણાવી હતી. વાપીની હરિયા એલ જી રોટરી હોસ્પિટલને સરકાર માન્ય નેશનલ ઓર્ગન અને ટિશ્યું ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઈઝેશન (નોટો – NOTTO) દ્વારા ઓર્ગન રીટ્રેવલ સેન્ટર તરીકે માન્યતા આપી છે.
જેના દ્વારા બન્ને આંખો નવસારી તથા લીવર અને કીડનીનુ ટ્રાન્સફર કરી તેને વલસાડ જિલ્લાના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાપીથી અમદાવાદ સુધી ગ્રીનકોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં વહેલી તકે પાંચ દર્દીઓને સદર અંગોનુ ટ્રાન્સપ્લાન્ટ કરશે.
મૃતક દર્દી મુરલી નાયરના અવયવોના દાન અંગે તેમના પત્ની અને પુત્રએ જણાવ્યું હતું કે, તબીબો ની સલાહ બાદ અમને પણ લાગ્યું કે આ રીતે અવચવ દાન કરવાથી અન્ય લોકોને નવું જીવનદાન મળશે. અને આ પુણ્યનું કાર્ય કરવાની તક મળી છે. પરિવારે પોતાની ખુશીથી પરિવારના મોભીના અવયવોનું અંગદાન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ હરિયા હોસ્પિટલમાંથી આ જ પ્રકારે એક ભાનુશાલી સજ્જનના અવયવો નવસારી અને અમદાવાદ ગ્રીન કોરિડોર મારફતે મોકવામાં આવ્યા હતા. જે બાદ આ વાપીની એલ જી હરિયા હોસ્પિટલમાંથી આ દ્વિતીય અંગદાન કરવામાં આવ્યું છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.