Western Times News

Gujarati News

“ફ્યૂચર ઓફ જસ્ટીસ – ટેકનોલોજી અને જ્યૂડિશિયરી” વિષય પર કોન્ફરન્સ યોજાશે

મધ્યસ્થીકરણ( Mediation) અને ઈન્ફર્મેશન ટેકનોલોજી ( Information Technology) વિષય પર સત્ર યોજાશે-નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આયોજન

ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ શ્રી અરવિંદકુમાર અને હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશશ્રીઓના માર્ગદર્શન અન્વયે નેશનલ જ્યુડીશીયલ કોન્ફરન્સનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા તારીખ ૯ અને ૧૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા કોલોનીના ટેન્ટ સીટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી, ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ શ્રી એન.વી.રમણ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, ભારત સરકારના કાયદા અને ન્યાયના માનનીય મંત્રી શ્રી કિરણ રિજિજુ અને માનનીય જસ્ટીસ શ્રી એલ. નાગેશ્વર રાવ, માનનીય જસ્ટીસ શ્રી એસ. અબ્દુલ નઝીર, માનનીય જસ્ટીસ શ્રી એમ.આર.શાહ, માનનીય જસ્ટીસ શ્રી વિક્રમ નાથ અને

માનનીય જસ્ટીસ સુ.શ્રી બેલા એમ. ત્રિવેદી – સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયાધીશશ્રીઓ પણ આ કોન્ફરન્સમાં વિશેષ અતિથીઓ તરીકે ઉપસ્થિત રહેશે.અને તેઓ વિવિધ વિષય ઉપર પોતાના અનુભવ અને વિચારો દ્વારા આમંત્રિત મહેમાનોને લાભાન્વિત કરશે. ગુજરાત રાજ્યના કાયદા અને ન્યાય વિભાગના માનનીય મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ઉદઘાટન કાર્યક્રમાં હાજરી આપશે.

૯ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ મધ્યસ્થીકરણ વિષય પર ત્રણ સત્રો યોજાશે. જ્યારે ૧૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર બે સત્રો યોજાશે. માનનીય ડો. જસ્ટિસ શ્રી ડી.વાય.ચંદ્રચુડ, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશશ્રી અને ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ-કમીટીના અધ્યક્ષશ્રી “ ફ્યૂચર ઓફ જસ્ટીસ – ટેકનોલોજી અને જ્યૂડિશિયરી” વિષય પર કોન્ફરન્સના બીજા દિવસે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધશે. .

મધ્યસ્થીકરણ પરના સત્રોમાં વાણિજ્યિક મધ્યસ્થીકરણ વિશેની વિગતો અને તેના લાભાર્થીઓને થતા લાભો ઉપરાંત કોર્ટ સાથે જોડાયેલી મધ્યસ્થીકરણ સંબંધિત પાસાઓને પણ આવરી લેવામાં આવશે. કેસ દાખલ કરતા પહેલાની મધ્યસ્થીકરણની પ્રકિયા અને લાભો તેમજ ઓનલાઈન મધ્યસ્થીકરણ પર પણ ચર્ચા કરવામાં આવશે.

આ કોન્ફરન્સમાં તમામ મુખ્ય ન્યાયાધીશશ્રીઓ અને વરિષ્ઠ ન્યાયાધીશશ્રીઓ સાથે વિવિધ હાઇકોર્ટના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના રજીસ્ટ્રારશ્રીઓ પણ હાજર રહેશે.

આ કોન્ફરન્સના વિષયો માનનીય મુખ્ય ન્યાયાધીશ શ્રી અરવિંદ કુમાર દ્વારા ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશો સાથે પરામર્શ કરીને પસંદ કરવામાં આવ્યા છે. જેથી કરીને ખુબ જ સુસંગત તેમજ સમકાલીન વિષયો પર વિચારો અને અનુભવનું શ્રેષ્ઠતમ આદાન-પ્રદાન થઇ શકે અને ન્યાય પ્રણાલીને વધુ ઉત્કૃષ્ટ બનાવી શકાય.

કોન્ફરન્સની કાર્યવાહીનું ગુજરાત હાઇકોર્ટની ઓફીશીયલ યુટ્યુબ ચેનલ https://www.youtube.com/c/GujaratHighCourtLive પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.