Western Times News

Gujarati News

શહેરમાં વેપારીઓ પર આયકરના દરોડા

શહેરની ઈન્કમટેક્ષ ઓફિસમાં ગઈકાલ રાતથી જ ભારે ધમધમાટ

(પ્રતિનિધિ) અમદાવાદ : દેશભરમાં આર્થિક મંદી તથા મોઘવારી અને બેરોજગારીના વાતાવરણ વચ્ચે આયકર વિભાગ હવે ફરી વખત સક્રિય બન્યું છે. દેશમાં સૌથી વધુ વિકસિત ગુજરાત રાજયમાં દિવાળી પૂર્વે આયકર વિભાગ નિયમિત રીતે સર્ચ ઓપરેશન કરતું હોય છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી કોઈ જ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું ન હતું.

પરંતુ દિવાળી નજીક આવતા જ આજે સવારે આયકર વિભાગે અમદાવાદ શહેરના મોટા જમીન દલાલો તથા તેની સાથે સંકળાયેલા અન્ય ધંધાર્થીઓ ઉપરાંત ટેક્સટાઈલના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ ઉપર દરોડાની કાર્યવાહી શરૂ કરતાં જ કરચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. રામ અને ધીરેન ભરવાડ, સુરેશ ઠકકર, મેવાડા ગ્રુપ ઉપર આયકર વિભાગે દરોડા પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.

આ અંગેની વિગત એવી છે કે ગુજરાતમાં આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવાની શરૂઆત કરવામાં આવી છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આયકર વિભાગ ખાનગીરાહે તપાસ કરી રહયું હતું અને તેમાં કેટલાક લોકો કરચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું જેના પગલે તેઓની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.

આયકર વિભાગની ઓફિસમાં ગઈકાલથી જ અચાનક જ ધમધમાટ જાવા મળતો હતો અને અન્ય શહેરોના આયકર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને અમદાવાદ બોલાવી લેવામાં આવ્યા હતાં જેના પગલે મોડી રાત સુધી આયકરની ઓફિસમાં ચહલપહલ જાવા મળી હતી. દિવાળી પૂર્વે ગુજરાતમાં આયકર વિભાગ દ્વારા વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવતુ હોય છે.

પરંતુ આ વખતે નાણાંકિય કટોકટી તથા મંદીના સમયને ધ્યાનમાં રાખી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી પરંતુ તપાસ દરમિયાન કેટલાક જમીન દલાલોએ કરેલા સોદાની વિગતો આયકર વિભાગને મળી હતી અને તેના ઉપર છેલ્લા કેટલાક દિવસથી તપાસ ચાલતી હતી. તપાસના અંતે આ તમામ જમીન દલાલોને ત્યાં સર્ચની કામગીરી કરવાનો નિર્ણય કરાયો હતો

આજે વહેલી સવારથી જ અમદાવાદ  સ્થિત આયકર ઓફિસમાં કર્મચારીઓ અને અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા હતા અને તેમના હાથમાં બિલ્ડરોના નામ સરનામા તથા ધંધાના સ્થળોની યાદી સાથેનું કવર સોંપવામાં આવ્યું હતું.

આ વિગતો મળતા જ આયકર વિભાગના અધિકારીઓ ત્રણ થી ચાર જેટલા જમીન દલાલોને ત્યાં દરોડો પાડવા માટે જુદી જુદી ટીમો રવાના થઈ હતી. જમીનના દલાલો ઉપરાંત કેટલાક ટેક્ષસ્ટાઈલ ઉદ્યોગો સાથે સંકળાયેલા વહેપારીઓનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળી રહયું છે.

આયકર વિભાગ દ્વારા આજે શરૂ કરાયેલા સર્ચ ઓપરેશન પૂર્વે જરૂરી બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો હતો
જેના પગલે બંદોબસ્ત વચ્ચે આયકર વિભાગની ૮ થી વધુ ટીમોએ સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. શહેરના સીંધુભવન રોડ પર જ જમીન દલાલોના સ્થળો આવેલા છે જયાં સવાર પડતાંની સાથે આયકર વિભાગના અધિકારીઓએ દરોડો પાડયો હતો.

આ ઉપરાંત જમીન દલાલોની ઓફિસના સ્થળો બહાર પણ સવારથી જ આયકર વિભાગની ટીમો ગોઠવાઈ ગઈ હતી. ત્રણ ચાર મહિના બાદ અચાનક જ આજે સવારથી આયકર વિભાગે દરોડાની કાર્યવાહી કરતા જ વહેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આયકર વિભાગે શરૂ કરેલા સર્ચ ઓપરેશનના કારણે સીંધુભવન રોડ પર ઉત્તેજનાનો માહોલ ફેલાયો હતો અને આયકર વિભાગની યાદીમાં હજુ પણ કેટલાક વધુ વહેપારીઓના નામો સામેલ હોવાથી દિવાળી પહેલા ટુંક સમયમાં જ આ કામગીરી આગળ વધારવામાં આવશે.

આયકર વિભાગે આજે શરૂ કરેલી દરોડાની કાર્યવાહીમાં રહેણાંકના સ્થળે સૌ પ્રથમ સર્ચ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસમાં કેટલાક વાંધાજનક દસ્તાવજા જપ્ત કરવામાં આવ્યા છે. જમીન દલાલોએ છેલ્લા ચાર છ મહિનામાં કરેલા સોદાઓની વિગતો મેળવવામાં આવી રહી છે. આયકર વિભાગની જુદી જુદી ટીમોએ જમીન દલાલોના સીંધુભવન રોડ પર આવેલા ચાર થી પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શહેરના રાયપુર વિસ્તારમાં આવેલા સફલ -૩માં જાણીતા ટેકસટાઈલરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.