Western Times News

Gujarati News

આંધ્રપ્રદેશની આખી કેબિનેટે રાજીનામું આપ્યુંઃ નવેસરથી કેબિનેટની રચના કરાશે

હૈદરાબાદ, આંધ્રપ્રદેશના તમામ ૨૪ મંત્રીઓએ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીને તેમના રાજીનામા સુપરત કર્યા છે. સૂત્રોએ આ માહિતી આપી હતી.

વાસ્તવમાં જગન મોહન રેડ્ડી તેમના કેબિનેટનું પુનર્ગઠન કરવાના છે. નવી મંત્રી પરિષદની રચના ૧૧ એપ્રિલે થઈ શકે છે.આ સંબંધમાં, મુખ્યમંત્રીએ બુધવારે રાત્રે રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદન સાથે બેઠક કરી હતી, જેમાં મંત્રી પરિષદના પુનર્ગઠન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કેબિનેટમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે, વર્તમાન મંત્રીઓમાંથી ઓછામાં ઓછા ચારને ફરી તક મળી શકે છે. નવી કેબિનેટની રચનામાં જ્ઞાતિ માપદંડ મહત્વની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.

રેડ્ડીએ ૩૦ મે, ૨૦૧૯ ના રોજ મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે જ તેઓ અઢી વર્ષ પછી તેમના પ્રધાનમંડળમાં સંપૂર્ણ ફેરફાર કરશે અને નવા લોકોને તક આપશે.

વર્તમાન મંત્રીમંડળે ૮ જૂન, ૨૦૧૯ના રોજ શપથ લીધા હતા અને આ મંત્રીઓએ ૮ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી પદ પર રહેવાના હતા. કોવિડ-૧૯ વૈશ્વિક રોગચાળા સહિત અનેક કારણોસર કેબિનેટનું પુનર્ગઠન સ્થગિત કરવામાં આવ્યું હતું.

મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીએ ગયા મહિને જાહેરાત કરી હતી કે તેઓ યુગાદી (૨ એપ્રિલના રોજ આવતા તેલુગુ નવા વર્ષનો દિવસ) અને પછી નવા જિલ્લાઓની રચના પછી કેબિનેટનું પુનર્ગઠન કરવાનું કાર્ય હાથ ધરશે.

રાજ્યમાં ૪ એપ્રિલે ૧૩ નવા જિલ્લાની રચના કરવામાં આવી હતી, હવે રાજ્યમાં કુલ જિલ્લાઓની સંખ્યા વધીને ૨૬ થઈ ગઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.