Western Times News

Gujarati News

વલસાડ પોલીસે ગંભીર કલમ લગાવી ગુનો દાખલ કરી અખબારના તંત્રીની ધરપકડ કરી

પત્રકારની ધરપકડના વિરૂધ્ધમાં વલસાડના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

(પ્રતિનિધિ) વલસાડ, ગતરોજ વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબાર દક્ષિણ ગુજરાત વર્તમાનમાં દારૂની હેરાફેરી સંબંધે “વહીવટદારોએ બુટલેગરો સાથે સેટીંગ કરી લીધું”ના શીર્ષક હેઠળ સમાચાર છપાયા હતા.

જે સમાચાર બાદ અખબારના તંત્રી પુણ્યપાલ શાહ સામે વલસાડ પોલીસે ગંભીર કલમ લગાવી ગુનો દાખલ કરી એમના સુરત સ્થિત ઘરેથી ધરપકડ કરી હતી. એનાથી વધુ આઘાતજનક બાબત એ છે કે પોલીસે જેને આ અખબાર સાથે કોઈ લેવાદેવા નથી અને તેઓ પરિવાર સાથેબીલીમોરામાં પરિવારથી અલગ રહે છે.

એવા તેમના કાકા જયંતીભાઈ સામે પણ ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત પુણ્યપાલના અન્ય કાકા અનિલભાઈ શાહ સામે પણ ગુનો દાખલ કર્યો છે. પત્રકાર પોતાની ફરજના ભાગરૂપે કામ કરતા હોય છે

પત્રકાર કોઈના માટે અપમાન જનક લખાણો લખે તો તેમના માટે કોર્ટના દ્વાર ખુલ્લા છે. આર્ટીકલના આધારે વાચકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાયો હોવાની પોલીસ જાતે ફરિયાદી બની પત્રકારના પરિવાર સામે પણ ફરિયાદ નોંધાવે એ કેટલે અંશે વાજબી કહેવાય ?

તમામ પત્રકારોનું કહેવું છે કે જાે પત્રકારો પોલીસતંત્રના દરેક સમાચાર પોલીસ અધિકારીઓ કહે તે રીતે જ છાપવાના હોય તો પત્રકારત્વનું મૂલ્ય કઈ રીતે જાળવી શકાશે. અમે એટલું સમજીએ છીએ કે આપની સરકારના રાજમાં પત્રકારો નિયમિતપણે પોતાની ફરજ બજાવી શકે છે.

પરંતુ, આ ઘટના પરથી લાગે છે કે આપની સરકારમાં પણ પોલીસ અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અધિકારીરાજ ચલાવી રહ્યા છે. અને લોકતંત્રના ચોથા સ્તંભ ગણાતા મીડિયાનો અવાજ દબાવવાનું કૃત્ય કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

વલસાડ જિલ્લાના તમામ પત્રકારો આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે તેમજ ખોટી રીતે મીડિયાને દબાવવા માટે દાખલ કરાયેલી એફઆઈઆર સી-સમરી કરવામાં આવે અને અને ફરી વખત કોઈપણ મીડિયાકર્મી સામે અહેવાલ સંદર્ભે સત્તાનો દુરુપયોગ કરી ફરિયાદ દાખલ ન થાય તેવી અમારી માંગણી છે. આ ઉપરાંત સમગ્ર ઘટનાની તપાસ રાજ્યના ડીજી કક્ષાએથી કરવામાં આવે એવી અમારી માંગણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.