Western Times News

Gujarati News

સ્કીલ યુનિવર્સિટી અને એમેઝોનના સંયુક્ત ઉપક્રમે મહિલા ITI-મણીનગર ખાતે વર્કશોપનુ આયોજન

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત કૌશલ્ય – ધ સ્કીલ યુનિવર્સિટી અને એમેઝોન AWS એકેડેમીના સંયુક્ત ઉપક્રમે મહિલા આઈટીઆઈ-મણીનગર ખાતે ત્રિ-દિવસીય વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં AWS કલાઉડ ફાઉન્ડેશન ToT/ વર્કશોપ અંતર્ગત યુવાનો Cloud Technology થી AWS cloud Computing અંગે માહિતગાર થાય તે હેતુથી વિવિધ યુનિ.માથી ફેકલ્ટી અને એજ્યુકેટરને તાલીમ આપવાનો શુભારંભ કરવામા આવ્યો. ત્રિ દિવસીય તાલીમ મેળવ્યા બાદ ફેકલ્ટી દ્વારા તેમની સંસ્થામાં AWS cloud Computing ના કોર્ષ ભણાવવામાં આવશે.

આ પ્રસંગે ‘કૌશલ્ય – ધ સ્કીલ યુનિવર્સિટી’ના રજિસ્ટાર શ્રી એચ.આર.સુથારે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અત્યારનો યુગ ખુબ ઝડપથી બદલાઇ રહ્યો છે. કમ્પ્યુટર ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ યુવાવર્ગ કરે છે જેનાથી ભવિષ્યની પેઢીને સમય આધારિત શિક્ષણ અને તાલીમ આપવામાં આવે એ સમયની માંગ છે.

એમેઝોન અને (KSU) ના MoU ૧૫ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યાં હતા. જેમાં ‘કલાઉડ ફાઉન્ડેશન’ માં શિક્ષણ સાથે તાલીમ રાજ્યના યુવાનોને પહોંચાડવાનો ઉદેશ્ય રહેલો છે. કૌશલ્ય યુનિ અને એમેઝોનના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવનાર આ તાલીમ કોર્ષ ઈન્ટરનેશનલ સર્ટિફિકેટ કોર્સ છે. જેનાથી દેશ વિદેશમાં યુવાનો આર્થિક ઉપાર્જન મેળવી શકશે.

આ પ્રસંગે KSU કન્સલટન્ટ શ્રી પી.એ.મિસ્ત્રી, શ્રી વિશ્રામ થટ્ટે -Aws એકેડમી, મણીનગર ITI ના આચાર્યા શ્રીમતી હેમાબેન સાવલિયા સંસ્થાના અધિકારીઓ/ કર્મચારીઓ, વિવિધ આઈટીઆઈના ફેકલ્ટી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

આવો જાણીએ ‘કૌશલ્ય – ધ સ્કીલ યુનિવર્સિટી’ શું છે?
ગુજરાત રાજ્યના યુવાધનને ‘કૌશલ્ય સાથે શિક્ષણ’ અને દરેક યુવાનને કૌશલ્ય મળી રહે તે હેતુ માટે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદ ખાતે ‘કૌશલ્ય -ધ સ્કીલ યુનિવર્સિટી’(KSU) ની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ માટે કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટી વિધેયક, 2021 વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

હાલના સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોનું રાજયમાં વિશાળ પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે, તેમજ આવનારા સમયમાં પણ ગુજરાત રાજ્ય મૂડી રોકાણમાં દેશનું કેન્દ્ર સ્થાન બનવા જઈ રહ્યું છે. ત્યારે દેશના યુવાનોમાં સ્કીલ બેઝ શિક્ષણ અને તાલીમ મળી રહે તેવા ઉમદા આશયથી ‘કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી છે.

સમયાનુસાર દિવસે-દિવસે વિવિધ સેક્ટરોમાં અને વૈશ્વિક ક્ષેત્રે પણ સતત બદલાતી જતી ટેકનોલોજીની સંગાથે કામગીરી કરવામાં આવે છે, અને તે સ્કીલ અનુરૂપ કુશળ માનવબળની પણ જરૂરીયાત વધી રહી છે. આવા સંજોગોમાં કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તથા

તાલીમની ગુણવત્તાને વેગવંતુ બનાવવા માટે શિક્ષણ સાથે તાલીમ અને સંશોધન માટે માળખું તૈયાર કરવા માટે ‘કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની જરૂરીયાત ઊભી થઈ. જેમાં રોજગાર વાંચ્છુ યુવાનોને અને તમામ વયના લોકોને વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવાનું લક્ષ્ય શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સુનિશ્ચિંત કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘સ્કિલ ઇન્ડિયા મિશન’ના ભાગરૂપે ભારતમાં 40 કરોડથી વધુ લોકોને વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે. દેશના આ મિશનના ઉદ્દેશને સાકાર કરવા ગુજરાત રાજ્યના યુવાધનને કૌશલ્યબદ્ધ કરવા ‘કૌશલ્ય સાથે શિક્ષણ’ અને દરેક યુવાનને કૌશલ્ય મળી રહે

તે હેતુ કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીમાં સાકાર કરવામાં આવશે. જેના થકી રાજ્યના યુવાધન માટે પ્રગતિના દ્વાર ઉઘડશે તથા કારકિર્દીની નવી તકોનું સર્જન થશે. કૌશલ્ય સાથે શિક્ષણના અભિગમથી રાજ્યના યુવાનો કૌશલ્યક્ષમ થકી રોજગારક્ષમ બનશે. રાજ્યમાં આવનારા સમયમાં ઉભી થનારી કુશળ માનવબળની જરૂરીયાતની સાપેક્ષે કુશળ માનવબળ ઊભું કરી શકાશે. પરિણામે ઉદ્યોગોની ઉત્પાદકતામાં વધારો થશે. – મનીષા પ્રધાન


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.