Western Times News

Gujarati News

SVP: ૧ર૦૦ કરોડની હોસ્પિટલમાં દૈનિક માત્ર ર૪ ઈન્ડોર પેશન્ટ

File

સસ્તા દરે શ્રેષ્ઠ સારવાર હોવા છતાં જાણકારીના અભાવે SVPમાં નાગરિકો દાખલ થતાં નથી

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજય સરકારની ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવેલી SVP હોસ્પિટલ મ્યુનિ. વહીવટીતંત્ર અને સત્તાધારી પાર્ટી માટે સિરદર્દ બની રહી છે. SVP હોસ્પિટલનું લોકાર્પણ થયા બાદ ધીમે-ધીમે શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને નામશેષ કરવામાં આવી હતી

પરંતુ વી.એસ. ટ્રસ્ટીઓની લાંબી લડતના કારણે મ્યુનિ. શાસકોને પાછીપાની કરવાની ફરજ પડી છે તેમજ વી.એસ.ને ફરીથી ધમધમતી કરવા માટે રૂા.૧૮૦ કરોડના ખર્ચથી હોસ્પીટલ કેમ્પસમાં જ બહુમાળી સંકુલ બનાવવા ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશન અને રાજય સરકાર દ્વારા રૂા.1200 કરોડના ખર્ચથી કાર્યરત એસવીપી હોસ્પિટલમાં દૈનિક ૩૦૦ થી ૪૦૦ પેશન્ટ જ આવે છે જયારે ઈન્ડોર દર્દીઓની સંખ્યા આગળીના વેઢે ગણી શકાય તેટલી છે તેથી વી.એસ. સંકુલમાં નવી હોસ્પિટલ કાર્યરત થયા બાદ SVP ને કેવી રીતે ચલાવવી ? તે મામલે વહીવટીતંત્ર અવઢવમાં છે.

રાજય સરકારે ર૦૧૦-૧૧માં વી.એસ.હોસ્પીટલ કેમ્પસમાં જ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવવા નિર્ણય કર્યો હતો જેના માટે રાજય સરકારે રૂા.૪૦૦ કરોડની ગ્રાન્ટ આપી હતી જે રકમથી ૧૨૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત થઈ છે. મ્યુનિ. કોર્પોરેશને મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ વ્યવસ્થિત રીતે ચાલી શકે તે માટે સારવાર દર નકકી કર્યા હતા

અત્યંત નજીવા દર હોવા છતાં દર્દીઓની સંખ્યા ઓછી રહે છે. નિષ્ણાંતોના મંતવ્ય મુજબ ર૦૧૯માં હોસ્પિટલનું લોકાર્પણ થયું તે સમયે તેનું ૧૦૦ ટકા કામ પૂર્ણ થયું ન હતું ત્યારબાદ કોરોનાની મહામારી શરૂ થઈ હતી કોરોનાની ત્રણેય લહેર દરમિયાન SVP હોસ્પિટલ દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી હતી

પરંતુ નાગરિકોના મનમાં SVP હોસ્પિટલ માત્ર કોરોના માટે જ કાર્યરત છે તેવી એક છાપ બની ગઈ છે જેના કારણે છેલ્લા ત્રણ મહિનાથી તમામ રોગના દર્દીઓ માટે સારવાર શરૂ કરવામાં આવી હોવા છતાં પેશન્ટોની સંખ્યા વધતી નથી. એક અંદાજ મુજબ SVP હોસ્પિટલમાં હાલ દૈનિક OPD માત્ર ૩પર થાય છે

જયારે ઈન્ડોર પેશન્ટની દૈનિક સંખ્યા સરેરાશ ર૪ છે. ૧ જાન્યુઆરી ર૦રર થી ૧૦ એપ્રિલ ર૦રર સુધી એસવીપી હોસ્પિટલમાં માત્ર ર૪૦૦ ઈનડોર પેશન્ટ આવ્યા છે જયારે ૩પ હજાર ઓપીડી પેશન્ટ આવ્યા છે જેની સામે વીએસ હોસ્પિટલ જે માત્ર પ૦૦ બેડ અને કોન્ટ્રાકટ પર રાખેલા તબીબોથી કાર્યરત છે

તેમાં આ સમયગાળા દરમિયાન ૬૦ હજાર OPD આવી છે. જયારે પૂર્ણ આધુનિક સગવડ સુવિધા ન હોવા છતાં પણ ર૧૦૦ જેટલા ઈનડોર દર્દી આવ્યા છે જેની સામે એલ.જી. હોસ્પિટલમાં જાન્યુઆરીથી માર્ચ સુધી ૧ લાખ ૬૧ હજાર ઓપીડી થઈ છે તેમજ ૧પ હજાર જેટલા ઈનડોર પેશન્ટ આવ્યા છે. મ્યુનિ. કોર્પોેરેશને એન.એચ.એલ હોસ્પિટલને મેટમાં સામેલ કરી છે જેમાં રપ૦ કરતા વધુ તબીબી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. એસ.વી.પી.હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી રહેતી હોવાથી તબીબી વિદ્યાર્થીઓને વ્યવસ્થિત અભ્યાસ થતો નથી તેમજ પ્રેકટીકલમાં અગવડ રહે છે.

SVP હોસ્પિટલ કાર્યરત થઈ તે સમયથી માર્ચ ર૦રર સુધી રૂા.૪૬૧ કરોડનો કુલ ખર્ચ થયો છે જેની સામે માત્ર ૬૮ કરોડની જ આવક થઈ છે. જયારે હાલ દર મહિને રૂા.૧૧ કરોડ કરતા વધુ ખર્ચ થાય છે જયારે આવક માત્ર દોઢ થી બે કરોડ રૂપિયા રહે છે.

આમ રૂપિયા એક હજાર કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલી SVP હોસ્પિટલ મ્યુનિ. કોર્પો.માટે ધોળા હાથી સમાન બની રહી છે. મ્યુનિ. કોર્પોરેશન અને મેડિકલ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના સસ્તા દર, શ્રેષ્ઠ સારવાર તેમજ આધુનિક સુવિધા અંગે પ્રજાને જાણકારી આપવામાં આવતી નથી જેના કારણે નાગરિકો હોસ્પિટલમાં સારવારના ખર્ચથી ડરી રહયા છે.

હોસ્પિટલના જનરલ વોર્ડમાં દૈનિક માત્ર ૪૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે જેમાં દર્દીને બે સમયનું ભોજન પણ આપવામાં આવે છે જયારે નવા કેસ માટે માત્ર રૂા.૧૦૦ ફી લેવાય છે નજીવા દર હોવા છતાં જાણકારીના અભાવે નાગરિકો સારવાર માટે આવતા નથી જેના કારણે એસવીપી હોસ્પિટલમાં ખોટનો ખાડો વધી રહયો છે તેમજ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ પણ દયનીય બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.