Western Times News

Gujarati News

વાલ્મિકી કર્મીઓ પર પ્રતિબંધ મુદ્દે ટ્રેનિંગ સેન્ટર કેન્ટીનના કોન્ટ્રાક્ટર દંપતિની ધરપકડ

કોન્ટ્રાક્ટર દંપતી અને રસોઈયા સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો હતોઃ વાઘોડિયા પોલીસે હાથ ધરેલી તપાસ
અમદાવાદ,  વડોદરાના વાઘોડિયામાં આદિવાસીઓ માટે કાર્યરત સરકારી સંસ્થામાં દલિતો સાથે અછૂત જેવો વ્યવહારના કેસમાં પોલીસે આરોપી દંપતી નીતાબહેન પરીખ અને જયેશભાઇ પરીખની પોલીસે આજે ધરપકડ કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઓલ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રાઇવીંગ ટેકનીકલ ટ્રેનીંગ એન્ડ રિસર્ચ સેન્ટર (એજીઆઇડીડીટીઆર)ની કેન્ટીનના આ કોન્ટ્રાક્ટર દંપતીએ દલિતોને કેન્ટીનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

મહિલા કોન્ટ્રાક્ટરે તો સફાઇ સેવક દલિતોને અડકીને ઘરે જઇ નાહીં લે છે, અડકવામાં તેમને વાંધો નથી પણ કેન્ટીનના બ્રાહ્મણોને છે તેવું જાહેરમાં કહ્યું હતું , તેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

ત્યારબાદ મહિલા સફાઇકર્મીએ કોન્ટ્રાક્ટર દંપતી અને રસોઇયા વિરૂદ્ધ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી હતી અને બંને પતિ-પત્નીની ધરપકડની કાર્યવાહી કરી હતી.

મહિલા સફાઇ કર્મચારી નીરૂબહેન હસમુખભાઇ ગત તા.૫ ઓક્ટોબરે અન્ય સફાઇ કર્મચારીઓ સાથે નોકરી પર હતા ત્યારે એક મહિના પહેલા જ જોડાયેલા રજનીકાંત રોહિતને તેમણે હું ઘરેથી રોટલી લાવી છું, તું કેન્ટીનમાં જઇને સબજી લઇ આવ તેવું કહ્યું હતું. રજનીકાંત કેન્ટીનમાં જતાં રસોઇયા રાજમણી મંગળપ્રસાદ ચતુર્વેદીએ તેને કેન્ટીનમાં આવવું નહીં તેમ જણાવી તારે જે જોઇએ તે બહારથી માગી લેવું એમ કહી તેની જાતિ વિરૂદ્ધ અપશબ્દો બોલતાં રજનીકાંતે રોહિતે જ્ઞાતિનો છે તેમ જણાવ્યું હતું પરંતુ તેને શાક આપ્યું ન હતું.

ત્યારબાદ દશેરાના દિવસે સવારે કેન્ટીન કોન્ટ્રાક્ટર નીતાબહેન અને તેમના પતિ જયેશ પરીખે નીરૂબહેનને આવીને કહ્યું કે, તમારી જ્ઞાતિના માણસો કેન્ટીનમાં આવવા ન જોઇએે.

તે રજનીકાંતને કેમ જાણ નથી કરી, બહાર ઉભા રહીને જે જોઇએ તે માંગી લેવાનું. નીતાએ તો તમને અડકીશું અને ઘરે જઇને નાહીં લઇશું તેવું કહ્યું હતું. આ સમયે તેના પતિ જયેશ પરીખ સાથે બોલાચાલી પણ થઇ હતી.

કોન્ટ્રાક્ટર દંપતી અને રસોઇયા કેન્ટીનમાં કોઇ વસ્તુને અડવા નહીં દેતાં હોવાથી મહિલા કોન્ટ્રાક્ટર સાથેની વાતનો વીડિયો મોબાઇલમાં ઉતારી વાલ્મિકી સમાજના આગેવાનોને બતાવ્યો હતો. આગેવાનોની રજૂઆત બાદ પોલીસે અલકાપુરીના પરીખ દંપતી અને રસોઇયા ચર્તુવેદી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ મામલે આરોપી દંપતીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જા કે, હવે રસોઇયો ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસે તેની તપાસ પણ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.