Western Times News

Gujarati News

મહુડાના ફૂલના વેચાણથી આ વર્ષે આદિજાતિ સમુદાયને રૂ.૭ કરોડથી વધુ આવક મળવાનો અંદાજ…

જાંબુઘોડા શિવરાજપુર અને રતન મહાલના જંગલોમાં મહુડાના ૨૬૦૦૦ થી વધુ વૃક્ષો હોવાનો અંદાજ છે…

મહુડો એક કલ્પવૃક્ષ…

મહુડાના પોષણ મૂલ્ય અને તેના આધારિત વાનગી વિવિધતાની શક્યતા પર કામ થાય તો ઉપયોગિતા વધે…

વડોદરા, મધ્ય ગુજરાતની આદિવાસી પૂર્વ પટ્ટીના જંગલોનું મુખ્ય વૃક્ષ કદાચ મહુડો છે.આ જંગલોમાં ખૂબ મોટા પ્રમાણમાં આદિજાતિ માટે કલ્પવૃક્ષ ગણાતા મહુડાના સદા હરિત વૃક્ષો આવેલા છે.મહુડાના ફૂલ વીણવાની મોસમ હાલમાં ચાલી રહી છે અને તે પછી જૂન જુલાઈમાં એના ફળ જે ડોળીના નામે ઓળખાય છે અને સારું પોષણ મૂલ્ય ધરાવતું તેલ આપે છે,તેની મોસમ આવશે.ઘેઘૂર મહુડા ઉનાળાની બપોરે લીમડાની છાયા કરતાં પણ વધુ શીતળતા આપે છે.

ખૂબ મીઠી સુગંધ થી મહેકતા એના ફૂલ ખૂબ ઊંચું પોષણ મૂલ્ય ધરાવે છે.આ ફૂલની ઔષધીય ઉપયોગિતા પણ છે. સદા હરિયાળો રહેતો મહુડો અનેક પક્ષીઓ માટે ઘરની ગરજ સારે છે.મહુડા ના ફૂલ ઇન્ડિયન સ્લોથ બિઅર એટલે કે ભારતીય પ્રજાતિના રીંછ માટે મીઠાઈ સમાન છે.એટલે જ એને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે.

વન્ય જીવ વિભાગ,વડોદરાએ એના હેઠળ આવતા જાંબુઘોડા, રતન મહાલ અને શિવરાજપુર રેન્જમાં બધું મળીને કુલ ૨૬ હજાર થી વધુ મહુડાના વૃક્ષો હોવાનો અંદાજ બાંધ્યો છે.તેમાં જંગલ વિસ્તારમાં આવેલા અને તે સિવાયના મહેસૂલી વિસ્તારમાં આવેલા વૃક્ષોનો સમાવેશ થાય છે.કદાચ પ્રત્યેક ૨૦૦/૩૦૦ મીટરના અંતરે આ વિસ્તારમાં ઘેઘૂર મહુડા આવેલા છે એવું કહી શકાય.

કાર્યકારી મદદનીશ વન સંરક્ષક શ્રી એચ. ડી.રાઓલજી એ જણાવ્યું કે જાંબુઘોડા રેંજની કુલ ૧૦ જેટલી બીટ છે જેમાં અંદાજે ૧૨૯૪૩ જેટલા મહુડા ઝૂમી રહ્યાં છે જ્યારે આ ક્ષેત્રના મહેસૂલી વિસ્તારમાં બીજા ૩૧૧૭ જેટલા મધુ વૃક્ષો આવેલા છે.આમ, જાંબુઘોડાના જંગલ અંદાજે ૧૬૦૬૦ જેટલા મહુડાના વૃક્ષોનો કિંમતી હરિયાળો વારસો ધરાવે છે.

એક સારો પુખ્ત મહુડો એક મોસમમાં સરેરાશ ૧૦૦ કીગ્રા મહુડાના ફૂલ આપે તેવી જાણકારી આપતાં શ્રી રાઓલજી એ જણાવ્યું કે આ વર્ષે મહુડા પર ખૂબ સારા પ્રમાણમાં ફૂલ બેઠા છે અને આદિજાતિ સમુદાયોના લોકોને સારી એવી પૂરક આવક મળવાની શક્યતા અમે જોઈ રહ્યાં છે.

વિગતવાર જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે એક કિલોગ્રામ મહુડાના ફૂલનો સરેરાશ બજાર ભાવ રૂ.૩૦ મૂકીએ તો ૧૬૦૬૦ વૃક્ષો અંદાજે ૧૬ લાખ કિગ્રા થી વધુ મહુડાના ફૂલ આપે.આમ,જાંબુઘોડા રેન્જમાં જ આ મોસમમાં મહુડાના ફૂલની વીનાઈ થી રૂ.૪ કરોડ ૮૧ લાખથી વધુ પૂરક આવક લોકોને મળે તેવી શક્યતા દેખાય છે.

રતન મહાલના જંગલમાં અંદાજે ૮ હજાર જેટલાં મહુડા વૃક્ષો છે જેમાં થી અંદાજે ૮ લાખ કી.ગ્રા. મહુડા ફૂલનો ઉતાર મળવાનો અંદાજ મૂકી શકાય.જે રૂ.૨.૪૦ કરોડથી વધુ આવક આપી શકે.

જ્યારે શિવરાજપૂર રેન્જમાં ૨૪૭૮ જેટલાં મહુડાના વૃક્ષો જંગલ વિસ્તાર અને મહેસુલી વિસ્તારમાં હોવાની શક્યતા છે જેમાં થી આ મોસમમાં ૨.૪૭ લાખ કિગ્રા જેટલા મહુડા ફૂલ મળવાનો અંદાજ બાંધી શકાય જે રૂ.૭૪ લાખથી વધુની પૂરક આવક આપી શકે.

આમ, આ ત્રણેય વિસ્તારમાં આવેલા ૨૬ હજાર કરતાં વધુ મહુડા વૃક્ષો વન બંધુઓને આ મોસમમાં રૂ.૭ કરોડથી વધુ રકમની પૂરક આવક આપશે તેવો અંદાજ બાંધી શકાય.

ફૂલની મોસમ પૂરી થયાં પછી જૂનમાં ફળની મોસમ આવશે ત્યારે તેના પર ફળ બેસશે જેને ડોળી તરીકે ઓળખવામાં આવે છે.

આ ડોળીના પિલાણ થી સારું પોષણ મૂલ્ય ધરાવતું ખાદ્ય તેલ મળે છે.આદિવાસીઓ તેને ડોળીનું ઘી પણ કહે છે.પિલાણ ના અંતે વધતો કુચો(ખોળ) પોષક ખાતર તરીકે ખેતીમાં ઉપયોગી છે. આમ,મહુડાનું ઝાડ કમાઉ દીકરા જેવું બની રહે છે.

મહુડા ના ફૂલ સ્વાદે મીઠા હોય છે અને ખાઈ શકાય છે.ઊંચું પોષણ મૂલ્ય ધરાવે છે ત્યારે તેની વિવિધ વાનગીઓ બનાવવાનું સંશોધન વિદ્યા સંસ્થાઓ ની પોષણ વિજ્ઞાન શાખાઓમાં હાથ ધરાય તે ઈચ્છનીય છે.મહુડાના ફૂલની વાનગીઓની કુપોષણ નિવારણમાં ઉપયોગિતા ચકાસવા યોગ્ય જણાય છે.

હવે જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસિન ની સ્થાપના થઇ રહી છે જ્યાં પરંપરાગત વનસ્પતીઓ ની ઔષધીય અને ખાદ્ય તેમજ પોષણ વિષયક ઉપયોગિતાના સંશોધન અને વિકાસની કામગીરી થવાની છે.ત્યારે આ ઉચ્ચ કોટિની સંસ્થામાં મહુડા ફૂલ અને ડોળી ની અનેકવિધ ઉપયોગિતાની ખોજ કરવામાં આવે એ ઇચ્છનીય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.