Western Times News

Gujarati News

ભીક્ષા નહીં શિક્ષાઃ ૧૦ સિગ્નલ સ્કૂલમાં ૧૩૯ બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાશે

(પ્રતિનિધિ) અમદાવાદ,ગુજરાતમાં તમામ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ દર વર્ષે શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં ચાર રસ્તા ઉપર ભિક્ષાવૃતિ કરતા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને મનપા દ્વારા સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને મનપા દ્વારા સિગ્નલ
સ્કૂલમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ઉનાળામાં પણ સવારે શિક્ષણ આપવાનો ર્નિણય લીધો છે.

તેમજ આ બાળકોને RTI પ્રમાણે વયકક્ષા અનુરૂપ કસોટી લઈને જે તે ધોરણમાં મેઈનસ્ટ્રીમ કરવામાં આવશે. રાજ્યમાં પ્રથમવાર સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ ૧૦ સિગ્નલ સ્કૂલ બસમાં બે-બે શિક્ષકો દ્વારા ૧૩૯ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એક મહિના કરતા પણ વધારે સમયથી આ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ અરવિંદકુમાર, મંડળના કારોબારી અધ્યક્ષ અને સિનિયર ન્યાયમૂર્તિ આર.એમ.છાયા, મનપાના કમિશનર લોચન સહેરા સહિતના આગેવાનોએ પકવાન ચાર રસ્તા ઉપર ચાલતી સિગ્નલ સ્કૂલની મુલાકાત લીધી હતી.

બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ જાેઈને આગામી ઉનાળાના વેકેશનમાં સવારે બાળકોને શિક્ષણ આપવા ર્નિણય કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં તા. ૧૫મી મેથી ૩૦મી મે સુધી સર્વે કરવામાં આવશે અને ભિક્ષાવૃતિ કરતા બાળકોને શોધીને જૂન ૨૦૨૨થી સિગ્નલ સ્કૂલમાં જાેડીને શિક્ષણ આપવામાં આવશે. ૧૫મી જૂનથી શરૂ થતી નવી બેચના બાળકોને ૩૦ જૂન સુધી સ્કૂલ રેડીનેશ પ્રોગ્રામ કરાવવામાં આવશે. જૂલાઈથી એપ્રિલ ૨૦૨૩ સુધીના ૧૦ મહિનાના સમયગાળામાં બ્રીજકોર્ષ પૂર્ણ કરાશે, જૂન ૨૦૨૩થી આ વિદ્યાર્થીઓને જે તે ધોરણમાં મેઈનસ્ટ્રીમ કરવામાં આવશે.

સિગ્નલ સ્કૂલના બાળકો ધો-૮ પાસ કરે તો પ્રશિસ્તપત્રની સાથે બોન્ડ આપવા અંગે મનપા દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં બાળકોને દત્તક લેવા અંગેની યોજના તથા આગામી દિવસોમાં સિગ્નલ સ્કૂલ પ્રોગ્રામમાં મોટી
સંખ્યામાં બાળકોને જાેડીને તેમને શિક્ષણ આપવાની દિશામાં પણ કામગીરી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.