Western Times News

Gujarati News

ઓલપાડની જીણોદ પ્રાથમિક શાળાનાં બાળકોએ બેંકની મુલાકાત લીધી

હાંસોટ ,જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની જીણોદ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ-૮ નાં બાળકોએ શાળાનાં ગણિત-વિજ્ઞાન વિષયનાં શિક્ષક ચિરાગ પટેલની રાહબરી હેઠળ બેંક ઓફ બરોડા, મોર શાખાની મુલાકાત લીધી હતી.
મુલાકાત અંતર્ગત બાળકોએ બેંકનાં વિવિધ કાઉન્ટર પરની કામગીરીની જાત માહિતી મેળવી હતી. બેંકનાં મેનેજર દ્વારા બાળકોને બેંકમાં જમા-ઉપાડ, ફિક્સ ડિપોઝિટ, રિકરીંગ, વિવિધ પ્રકારની લોન, ડ્રાફ્ટ, વિવિધ ચેક, લોકર, મની ટ્રાન્સફર, એટીએમ વગેરેની વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
સદર બેંકમાં પોતાનું ખાતું ધરાવતા આ બાળકોએ પોતાની જાતે સ્લીપ ભરી રોકડની લેવડદેવડ કરી નવીન અનુભવ મેળવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં શિક્ષક ચિરાગ પટેલે જણાવ્યું હતું કે બાળકો જાત અનુભવથી ઘણું બધું શીખે છે તેથી તેઓ ભવિષ્યમાં બેંક સાથેની કોઈપણ પ્રકારની કામગીરીમાં મુશ્કેલી અનુભવશે નહીં અને તેમનું કાર્ય તેઓ ખૂબ સરળતાથી પૂર્ણ કરશે. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.