Western Times News

Gujarati News

LRD આંદોલનનો અંત: ગુજરાત સરકારે 20% વેઇટિંગ લિસ્ટ સહિતની માગો સ્વીકારી

અમદાવાદ, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી LRD ઉમેદવારો પોતાની પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આ ઉમેદવારોની બેઠક યોજાઈ હતી, જેનો હકારાત્મક નિર્ણય આવ્યો છે.

રાજ્ય સરકારે ઉમેદવારોની મુખ્ય માગણી ખાસ વિજય મુહૂર્તમાં 12.39 મિનિટે સ્વીકારી લીધી છે અને 2 દિવસમાં આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ઉમેદવારોને પેંડા ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું.

બે ઉમેદવારોએ આંદોલનને લઈને માનતા રાખી હતી તેમાંથી એક ઉમેદવારની ચાની બાધા પણ તેમને છોડાવી હતી. આ સાથે આંદોલનકારી ઉમેદવારો સામે થયેલા કેસ પણ પાછા ખેંચવા સરકારે તૈયારી દર્શાવી છે.

હર્ષ સંઘવીએ આ વિશે કહ્યું હતું કે 2018-19માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક 12,198 જગ્યા પર સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેનું પરિણામ 2020માં આવ્યા હતું, પરંતુ વેઈટિંગ લિસ્ટ બનાવાયું નહોતું.

સરકારને મળેલી વિવિધ રજૂઆતોને લઈને ઉમેદવારોના હિતમાં વેઈટિંગ લિસ્ટ બનાવવાનો ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલતી સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી લોકરક્ષ દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં 10 ટકાને બદલે હવે 20 ટકા પ્રતીક્ષાયાદી તૈયાર કરાશે.

હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે વિવિધ ભરતી પ્રક્રિયામાં પસંદગી યાદી બાદ 10 ટકા જગ્યાની વેઇટીંગ લીસ્ટ તૈયાર કરવામાં આવે છે.

પરંતુ કાયદો અને વ્યવસ્થાની મજબુત જાળવણી, ગુનાઓ બનતા અટકાવવા, નોંધાયેલા ગુનાની વૈજ્ઞાનિક અને આધુનિક સાધનોની મદદથી તપાસ કરવા માટે કૌશલ્યવાન પોલીસ દળ ઉપલબ્ધ થઇ રહે અને આશાસ્પદ યુવાનો યુવતીને રોજગારીની તક મળે માટે હવે 10 ટકાને બદલે 20 ટકાની વેઈટિંગ લિસ્ટ તૈયાર કરવા માટે રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં નિર્ણય લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.