Western Times News

Gujarati News

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે રાજીનામું આપ્યું

નવી દિલ્હી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમની જગ્યાએ સુમન કે બેરીને નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ રાજીવકુમારના રાજીનામાની મંજૂરી આપી દીધી. તેમને ૩૦ માર્ચ ૨૦૨૨ના રોજ કાર્યમુક્ત કરાશે.

હાલ તેમને પદેથી હટાવવાના કારણો અંગે જાણકારી સામે આવી નથી. નિવેદનમાં આગળ કહેવાયું છે કે ડો.સુમન કે બેરીને રાજીવકુમારની જગ્યાએ એક મે ૨૦૨૨ના રોજથી આગામી આદેશ સુધી નીતિ આયોગના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવાની મંજૂરી અપાઈ છે.

બેરીને તત્કાળ પ્રભાવથી ૩૦ એપ્રિલ ૨૦૨૨ સુધી નીતિ આયોગના સભ્ય બનાવવામાં આવ્યા છે. જાણીતા અર્થશાસ્ત્રી રાજીવકુમારે ઓગસ્ટ ૨૦૧૭માં નીતિ આયોગના ઉપાધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો. તત્કાલીન ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાના આયોગમાંથી હટી ગયા બાદ કુમારને આ જવાબદારી સોંપાઈ હતી.

રાજીવકુમારે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ અને લખનઉ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી હતી. તેઓ સેન્ટર ફોર પોલીસી રિસર્ચમાં વરિષ્ઠ ફેલો પણ રહી ચૂક્યા છે.

બેરીએ આ અગાઉ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચના ડાઈરેક્ટર તરીકે કામ કર્યું છે. તેઓ પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદ, સાખ્યકીય આયોગ અને મૌદ્રિક નીતિ પર ભારતીય રિઝર્વ બેંકના ટેક્નિકલ સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.