Western Times News

Gujarati News

સાસણગીર સિંહ દર્શન માટે ખુલતાં પ્રવાસીઓની પડાપડી

અમદાવાદ,  એશિયાટીક સિંહોનું ઘર ગણાતું સાસણ ખાતે સિંહોનું વેકેશન પૂર્ણ થતાં આજે વહેલી સવારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં સિંહ દર્શન માટે સાસણ સિંહ સદન ખાતે ઉમટી પડ્‌યા હતા. સાસણ એટલે કે સિંહોનું ઘર કે જયાં સિંહોનું ચાર મહિનાનું સંવનનકાળ વેકેશન આજે પૂરું થતાં સવારના છ વાગ્યાથી ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે વિધિવત ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સિંહોની વસ્તીમાં ૩૫ ટકાનો ગ્રોથ વધતા પ્રવાસીઓને મોટી સંખ્યામાં સિંહો જોવા મળવાના હોઇ પ્રવાસીઓ ખુશીથી ઝુમી ઉઠયા હતા. ખૂબ મોટી સંખ્યામાં હવે પ્રવાસીઓ સાસણ ગીરની મુલાકાતે ઉમટી રહ્યા છે અને અત્યારથી દિવાળી સુધીનું બુકીંગ ફુલ થઇ ગયુ છે.

ચોમાસાની ઋતુ મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ ગણવામાં આવે છે. આ ચાર મહિનાના સિંહ સહિતના વન્ય જીવો પોતાના પરિવારની વૃદ્ધિ કરે છે. ગઇકાલે તારીખ ૧૫ ઓક્ટોબરના રોજ સિંહોની ચાર માસનું વેકેશન પૂરું થયું હતું અને આજે વહેલી સવારના છ વાગ્યાથી સિંહોનું ઘર એટલે કે ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, જેને પગલે સિંહ દર્શન માટે આવેલા સેંકડો પ્રવાસીઓ ખુશીથી ઝુમી ઉઠયા હતા. આજે વહેલી સવારે સદન ખાતે લીલીઝંડી આપી જીપ્સી જીપ દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા લઇ જવાયા હતા.

સિંહ દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અત્યારે ત્રણ મહિનાના ગાળામાં ફૂલ બુકિંગ થઇ ગયું છે અને રોજની દોઢસો ટ્રીપ પ્રવાસીઓની કરાવવામાં આવે છે. ત્યારે દિવાળી સુધીનું બુકિંગ ફૂલ થઇ ગયું છે. ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદને લઇને નદી નાળાઓ અને ઝરણાં વહેતા થયા હતા અને જંગલના અદભૂત દ્રશ્યો રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રવાસીઓ દ્રશ્યોને લઈને પણ ખુશખુશાલ થઈ ગયા હતા અને સિંહોના દર્શન પ્રવાસીઓએ કર્યા હતા. પ્રવાસીઓમાં મહિલાઓ અને બાળકોમાં સિંહ દર્શનને લઇ ભારે ઉત્સાહ જાવા મળતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.