Western Times News

Gujarati News

સુરતના બાળકની અનોખી સિદ્ધિ: પાણીની અંદર રહીને માત્ર 40 સેકન્ડમાં ગણિતના દાખલાઓના જવાબ આપ્યા

બાળકની અનોખી સિદ્ધિને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

સુરત,  સામાન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન ગણિતના વિષય સાથે મોટા ભાગે 36નો આંકડો હોય છે. શાળામાં અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓ શક્ય હોય ત્યાં સુધી ગણિતના વિષયથી દૂર ભાગવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

અલબત્ત, સુરત શહેરમાં માત્ર સાડા સાત વર્ષના ભુલકાએ જળમગ્ન રહીને ગણિતના દાખલાઓના ખરા જવાબ આપતાં તેની આ સિદ્ધિને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

અદ્વૈત અગ્રવાલ નામના આ બાળકે પીપલોદ ખાતે આવેલ સ્વીમિંગ પુલમાં રહીને સૌથી ઓછા સમયમાં અઘરા સરવાળાઓ કરીને અનોખો રેકોર્ડ બનાવતાં સમાજનું જ નહીં પરંતુ શાળાની સાથે સાથે શહેરનું પણ ગૌરવ વધવા પામ્યું છે.

સુરત શહેરમાં રહેતા અને વ્યવસાયે બિલ્ડર પ્રતિક અગ્રવાલના પુત્ર અદ્વૈત દ્વારા મેળવવામાં આવેલી આ અનોખી સિદ્ધિ બાદ તે હવે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવવા માટે કટિબદ્ધ હોવાનું જાણવા મળ્યું છે.

અદ્વૈત અગ્રવાલે પાણીમાં રહીને ઝડપી સરવાળા ગણવાનો રેકોર્ડ બનાવીને હાલ તો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી લીધું છે.

આ સંદર્ભે અદ્વૈતની માતા શીખા અગ્રવાલે જણાવ્યું હતું કે, તે માત્ર એક વર્ષનો હતો ત્યારથી જ તેને ગણિતના વિષયમાં ખુબ જ રસ પડતો હતો.

નાની ઉંમરમાં જ ગણિતના દાખલાઓના ચપટી વગાડતાં જ તે જવાબ શોધી કાઢતો હતો. પોતાના નામ અદ્વૈત એટલે કે યુનિક શબ્દને સાર્થક કરવા માટે જ તેણે આ અનોખો પ્રયાસ કર્યો હતો.

અદ્વૈતના શોખને ધ્યાને રાખીને જ તેમના પરિવારજનો દ્વારા તેને સૌથી પહેલા ગણિતના વિષયનું ટ્યૂશન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેણે સ્વીમિંગમાં પણ પોતાનું કૌવુત બતાવ્યું હતું.

બન્ને કળાને એક સાથે ભેગા કરીને તેણે અન્ડર વોટરમાં દાખલા ગણવાનો એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 40 સેકન્ડમાં લાંબા સરવાળાનું ગણિત કરીને તેણે આ સિદ્ધિ મેળવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.