Western Times News

Gujarati News

ગુજરાત સાથે ટ્રેડ એન્ડ કોમર્સ ક્ષેત્રે MoU કરવા થાઇલેન્ડ ઉત્સુક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂતની સૌજ્ન્ય મુલાકાત બેઠક ગાંધીનગરમાં યોજાઇ

જામનગરમાં સ્થપાનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન GCTMમાં સહભાગીતા અને આયુષ પદ્ધતિના આદાન-પ્રદાન માટે થાઇલેન્ડની તત્પરતા

રિન્યુએબલ એનર્જી-આયુષ-આયુર્વેદ પદ્ધતિ-ફાર્માસ્યુટિકલ્સ અને ઇ-વ્હીકલ જેવા ક્ષેત્રોમાં ગુજરાત સાથે

સહભાગીતાની સંભાવના અંગે પરામર્શ.

વિશ્વના લોકો ગુજરાતમાં ઉદ્યોગ-રોકાણો માટે રાજ્યની સુદ્રઢ ઇકોસિસ્ટમથી પ્રેરિત થાય છે

-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂત સુશ્રી પટ્ટારાટ હોંગટોંગ(Ms.
Pattarat Hongtong) અને પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત બેઠક યોજી હતી.
આ બેઠકની વાતચીતમાં તેમણે ગુજરાતના જામનગરમાં WHO અને આયુષ મંત્રાલય દ્વારા નિર્માણ થનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન GCTMમાં સહભાગીતા અને આયુષ-આયુર્વેદ પદ્ધતિના આદાન-પ્રદાન માટે થાઇલેન્ડની તત્પરતા દર્શાવી હતી.

થાઇલેન્ડ રાજદૂતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ સંદર્ભમાં જણાવ્યું કે, થાઇલેન્ડમાં પણ આયુષ પદ્ધતિ અને આયુર્વેદ ઉપચાર માટેની એક હોસ્પિટલ ચાલે છે. એટલું જ નહિ, થાઇલેન્ડમાં આયુર્વેદ પ્રોડક્ટ કંપનીઓ પણ કાર્યરત છે ત્યારે ગુજરાતના આ વર્લ્ડ કલાસ સેન્ટરનો વ્યાપક લાભ થાઇલેન્ડ પણ લેવા ઉત્સુક છે. તેમણે ખાસ કરીને ફાર્માસ્યુટિકલ સેક્ટર, રિન્યુએબલ એનર્જી, ટુરિઝમ અને ઇ-વ્હીકલ જેવા ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહભાગીતાની સંભાવનાઓ અંગે આ બેઠકમાં પરામર્શ કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે થાઇલેન્ડ એ મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે અને ગુજરાત પણ સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા વિશ્વ પ્રવાસન કેન્દ્ર સહિત અનેક પ્રવાસન વૈવિધ્ય ધરાવતું રાજ્ય છે તેની ભૂમિકા આપી ગુજરાત-થાઇલેન્ડ વચ્ચે ટુરિઝમ સેક્ટરને પ્રમોટ કરવા અંગે પણ ચર્ચાઓ કરી હતી.

શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, એનર્જી યુનિવર્સિટી, GCTM જેવા અદ્યતન સંસ્થાનોમાં પણ થાઇલેન્ડના યુવાઓ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અભ્યાસ-સંશોધન માટે આવી શકે તેમ છે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોતાની બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર, કનેક્ટીવીટી વગેરેની ઇકો સિસ્ટમથી વિશ્વના રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યુ છે તેની પણ વિસ્તૃત વિગતો આપી હતી.

આ ઇકો સિસ્ટમનો લાભ લઇ થાઇલેન્ડની વિવિધ કંપનીઓ, ઉદ્યોગો ગુજરાતમાં ખાસ કરીને ધોલેરા SIRમાં રોકાણો માટે આવે તેવી અપેક્ષા પણ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી હતી. થાઇલેન્ડના રાજદૂતે ટ્રેડ અને કોમર્સ ક્ષેત્રે ગુજરાત સાથેના સંબંધો વધુ સુદ્રઢ કરવા તેઓ એમ.ઓ.યુ કરવાની દિશામાં આગળ વધવા ઉત્સુક છે તેમ પણ ચર્ચાઓ દરમ્યાન જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે થાઇલેન્ડમાં ૧.૬ બિલીયન યુ.એસ ડોલર જેટલું એક્સપોર્ટ ગુજરાતમાંથી થયું છે તથા થાઇલેન્ડ દ્વારા પાછલા વર્ષોમાં ગુજરાતમાં ર૯.પ યુ.એસ મિલીયન ડોલરનું એફ.ડી.આઇ આવેલું છે.
ગુજરાત સાથેની થાઇલેન્ડની સહભાગીતાથી થાઇલેન્ડ-ભારત-ગુજરાતના સંબંધોને નવી દિશા મળશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

થાઇલેન્ડ રાજદૂતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને થાઇલેન્ડની મુલાકાત લેવાનું પણ ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ થાઇલેન્ડ પ્રતિનિધિમંડળ અને રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવાનું નિમંત્રણ આપ્યું હતું. આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.