Western Times News

Gujarati News

શૂલમાં નવાઝુદ્દીન સિદ્દિકીએ વેઈટરનો રોલ કર્યો હતો

મુંબઈ, એક્ટર મનોજ બાજપેયી અને રવિના ટંડન સ્ટારર ફિલ્મ શૂલમાં નવાઝુદ્દીન સિદ્દિકીએ નાનકડો એવો વેઈટરનો રોલ કર્યો હતો. ફિલ્મ શૂલ વર્ષ ૧૯૯૯માં રિલીઝ થઈ હતી. પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા નવાઝુદ્દીન સિદ્દિકીએ કહ્યું કે શૂલમાં નાનકડા એવા વેઈટરના રોલ માટે મને રૂપિયા ૨૫૦૦ આપવાનું જણાવાયું હતું.

પરંતુ, મને મારા રોલ માટેના રૂપિયા નહીં મળતા ૬થી ૭ મહિના સુધી ‘શૂલ’ના મેકર્સની ઓફિસે ધક્કા ખાધા હતા. નવાઝુદ્દીન સિદ્દિકીએ કહ્યું કે લંચ ટાઈમે હું પૈસા લેવા માટે પહોંચી જતો હતો અને તેઓ મને ત્યાં જમાડતા હતા.

આ રીતે મેં ત્યાં લગભગ એકથી દોઢ મહિના જમીને પૈસા વસૂલ કર્યા હતા! નવાઝુદ્દીન સિદ્દીકીને બોલિવૂડનો ટેલેન્ટેડ એક્ટર ગણવામાં આવે છે, તે બોલિવૂડના મોટા સ્ટાર સહિત આર્ટ અને ઓફબીટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ તારીખ ૧૯ મે, ૧૯૭૪ના રોજ ઉત્તરપ્રદેશમાં થયો હતો.

તે જે ગામમાં રહેતો હતો ત્યાં ત્રણ વસ્તુઓ ખૂબ જ પ્રખ્યાત હતી કે જેમાં ઘઉં, શેરડી અને બંદૂકનો સમાવેશ થાય છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ ભણવાનું પૂરું કર્યું ત્યારબાદ તે ગુજરાતના બરોડા શહેરમાં નોકરી કરવા માટે આવ્યો હતો અને ત્યારબાદ તેણે અભિનયક્ષેત્રે ઝંપલાવ્યું હતું.

ગુજરાતના બરોડા શહેરમાં નવાઝુદ્દીન સિદ્દીકી ચીફ કેમિસ્ટ તરીકેનું કાર્ય કરી ચૂક્યો છે. ત્યારબાદ તે દિલ્હી ગયો અને ત્યાં પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. આર્થિક તંગી હોવાને કારણે દિલ્હીમાં નવાઝુદ્દીન સિદ્દીકી વોચમેન તરીકેની નોકરી પણ કરી ચૂક્યો છે.

ત્યારબાદ તે મુંબઈ એક્ટર બનવા માટે આવ્યો અને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’થી નવાઝુદ્દીન સિદ્દીકીને ઓળખ મળી. વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘પતંગ’માં નવાઝુદ્દીન સિદ્દીકી જાેવા મળ્યો હતો અને આ ફિલ્મનું શૂટિંગ જૂના અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી પોળોમાં થયું હતું.

આ ફિલ્મના શૂટિંગ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ અમદાવાદમાં ઘણાં દિવસો સુધી રખડપટ્ટી અને અવલોકન કર્યું હતું. આ સિવાય વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘ફિરાક’માં પણ નવાઝુદ્દીન સિદ્દીકીએ નાનકડો રોલ કર્યો હતો અને આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ અમદાવાદ હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.