Western Times News

Gujarati News

જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતા ૭ મોબાઈલ અને ૫ સીમકાર્ડ મળી આવ્યા.

૩ કેદીઓ સામે બી ડિવિઝન પોલીસમાં NC/0002/2022 પ્રિઝન એક્ટ ૪૨,૪૩,૪૫ (૧૨) મુજબ ગુનો દાખલ.

અમદાવાદની સ્ક્વોડે અગાઉ બે વખત રેડ કરી મોબાઈલ ઝડપી પાડયા બાદ સ્થાનિક પોલીસે મોબાઈલો ઝડપી પાડતા જીલ્લા જેલની સિક્યુરિટી શંકાના દાયરામાં.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચની જીલ્લા જેલ માંથી પ્રતિબંધિત મોબાઈલ,ઈયરફોન ,ચાર્જરો સહિત સિમકાર્ડ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.પરંતુ હવે ભરૂચની લોકલ એલસીબી પોલીસ અને એસઓજી પોલીસે બુધવારની મોડી રાત્રે જીલ્લા જેલમાં ચેકિંગ હાથ ધરતા ૭ જેટલા મોબાઈલ અને મોબાઈલમાં વાપરવામાં આવતા સીમકાર્ડ સહિત ચાર્જર મળી આવતા ૩ કેદીઓ સામે બી ડિવિઝન પોલીસમાં NC/0002/2022 પ્રિઝન એક્ટ ૪૨,૪૩,૪૫ (૧૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.તો ભરૂચની જીલ્લા જેલની સિક્યુરિટી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી જીલ્લા જેલ છેલ્લા દોઢ મહિનાથી સતત વિવાદમાં આવી રહી છે અને એક જ મહિનામાં બે વખત અમદાવાદની ઝડતી સ્કવોર્ડએ તપાસ હાથ ધરતા પ્રથમ વખત બે મોબાઈલ એક કેદીની અન્ડરવેર તથા ગટર નજીકથી મળી આવ્યો હતો.જ્યારે બે સીમકાર્ડ કેદીના મોઢા માંથી મળી આવ્યા હતા અને ત્યાર પછી ૧૫ દિવસ બાદ ફરી અમદાવાદની ઝડતી સ્કવોર્ડ દ્વારા ફરી તપાસ કરવામાં આવતા વધુ બે મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યા હતા.

ત્યારે હજુ પણ જીલ્લા જેલ માંથી બે વખત મોબાઈલ મળી આવવાની શાહી સુકાઈ નથી ત્યાં જ ભરૂચના નવનિયુકત જીલ્લા લીસવડા ડૉ.લીના પાટીલની હાજરીમાં એલ.સી.બી પોલીસ અને એસ.ઓ.જી પોલીસે ભરૂચની જીલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું.જેમાં જેલમાં આવેલ વિવિધ બેરેકોમાં કેદીઓની ઝડતી કરવામાં આવી હતી.

જેમાં

(૧) સર્કલ-૧ માં બેરેક નં.૬ માં ઝડતી કરતા આરોપી જીયાઉર રહેમાન નિયાઝ અહેમદ અન્સારી પાસેથી સફેદ કલરનો સેમસંગ કંપનીનો કીપેડ મોબાઈલ જેમા VI કંપનીનો સીમકાર્ડ

(૨) સર્કલ-ર માં બેરેક નં.-સી-૨ મા ઝડતી કરતા આરોપી શૈલેન્દ્ર દિપકભાઈ ગૌસાવી પાસેથી ભુરા કલરનો સેમસંગ કંપનીનો કીપેડ મોબાઈલ ફોન લોક હાલતમાં મળી આવેલ જેમાં VI કંપનીનો સીમકાર્ડ

(૩) સર્કલ-૨ માં બેરેક નં.-સી-૨ મા ઝડતી કરતા આરોપી સંજયભાઈ મંગળ ઉર્ફે મંગાભાઈ વસાવાના હાથમાં રહેલ પ્લાસ્ટીકની થેલી માંથી

  • એક સફેદ કલરનો સેમસંગ કંપનનીનો કીપેડ મોબાઈલ સીમકાર્ડ વગરનો
  • એક સફેદ કલરનો સેમસંગ કંપનનીનો કીપેડ મોબાઈલ જેમાં VI કંપનીનો સીમકાર્ડ
  • એક બ્લુય બ્લેક કલરનો રેડમી કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ જેમા VI કંપનીનો સીમકાર્ડ
  • એક ભુરા કલરનો સેમસંગ કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ જે સીમકાર્ડ વગરનો
  • સાદા ઈયર ફોન નંગ-૨, ફીંગર કંપનીનું ઐરબડ (વાયરલેસ બ્લુટુથ) ઈયર ફોન

(4) સર્કલ-૧ માં બેરેક નં.૭ માં ટીવી પાછળથી એક ભુરા કલરનો ઓનર કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ જે સ્ક્રીન લોક હોય જેમાં VI કંપનીનો સીમકાર્ડ તથા સફેદ ચાર્જર મળી આવેલ.

જેથી જેલ પ્રતિબંધીત વસ્તુઓ બાબતે એમ.એચ.વાઢેર પી.એસ.આઈ એલ.સી.બી,ભરૂચનાઓ દ્વારા ભરૂચ “બી” ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરીયાદ આપતા ભરૂચ “બી” ડિવીઝન પોલીસ સ્ટેશન NC/0002/2022 પ્રિઝન એક્ટ ૪૨,૪૩,૪૫(૧૨) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

જેલમાં પ્રતિબંધીત વસ્તુઓ અંગે કેદીઓને રાખવામાં આવેલ બેરેક તથા યાર્ડમાં સુરક્ષા સ્ટાફના પોઈન્ટ ગોઠવવામાં આવેલ છે અને આ પોઈન્ટ પરના જેલ ગાર્ડીંગ સ્ટાફના સુરક્ષા કર્મચારીઓ દ્વારા કેદીઓ પર પુરતી દેખરેખ અને વોચ નહી રાખવાના કારણે કેદીઓ દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવતો હોવા છતા પકડી શકેલ નથી.

તેમજ હવે પછી જેલે થી જેલ પ્રતિબંધેત વસ્તુઓ મળી આવેલ નહીં તે માટે જેલર,સ્થાનિક ઝડતી સ્ક્વોડ તેમજ ગાર્ડીંગ સ્ટાફને મજબૂત સુરક્ષા વ્યવસ્થા જાળવવા સુચના આપવામાં આવેલ છે.

પરંતુ અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે જીલ્લા જેલમાં ટિફિન આપવા માટે પણ કેદીના પરિવારોએ રૂપિયા ચૂકવવા પડે છે.તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે ત્યારે ભરૂચની જીલ્લા જેલ ઉપર જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલના નેજા હેઠળ સીસીટીવી ફૂટેજ પણ મૂકવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

જીલ્લા જેલ માંથી વારંવાર મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવા સાથે પુનઃ એક સાથે ૭ મોબાઈલ મળી આવતા ભરૂચની જીલ્લા જેલની સિક્યુરિટી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.