Western Times News

Gujarati News

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પાટણ ખાતે ૧લી મે, ૨૦૨૨ – ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરાશે

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે પ્રભારીમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પત્રકાર પરિષદ સંબોધી

પાટણ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત પ્રજાલક્ષી સેવાઓના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ

જિલ્લા કલેકટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીએ પ્રચાર માધ્યમોને ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમોથી અવગત કર્યા

માહિતી બ્યુરો, પાટણ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ૧લી મે, ૨૦૨૨ રવિવારના રોજ પાટણ ખાતે કરવામાં આવનાર છે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે પાટણ ખાતે વિવિધ સાંસ્કૃતિક તેમજ વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કાર્યક્મોનું આયોજન કરાયું છે. 30 એપ્રિલ અને ૧લી મે ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમોથી પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશભાઇ  વિશ્વકર્મા (પંચાલે) પત્રકાર પરીષદમાં ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે
યોજાનારા વિવિધ કાર્યક્મોની માહિતી આપી અવગત કર્યા હતા.

સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યની સ્થાપના દિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવાનો નિર્ણય કરી નાગરિકોમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે પાટણ
જિલ્લાવાસીઓને રૂ 330 કરોડના ખાતમુર્હુત અને 110 કરોડના વિકાસના કામોની ભેટ મળનાર છે.

પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ૧લી મે ના રોજ સરસ્વતી તાલુકાના ચોરમારપુર ખાતે સવારે 10-10 કલાકે રિજિયોનલ સાયન્ સેન્ટરનું માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ થનાર છે.

તેમજ યુનિવર્સીટી ગ્રાઉન્ડ પાટણ ખાતે સવારે 10-30 કલાકે પાટણ જિલ્લામાં થયેલ અને થઇ રહેલ વિકાસ કાર્યોનું માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત થનાર છે.મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં પાટણની વિવિધ સ્વેચ્છિક સંસ્થાઓનો સહયોગ મળ્યો છે. 26 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આ સંસ્થાઓ દ્વારા ગૌરવ દિવસની ઉજવણીને ગૌરવ મળે તે માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કર્યુ છે.

જે પ્રવૃતિઓમાં પ્રાકૃતિક કૃષિ  સેમીનાર, આંગણવાડીના બાળકોને નાસ્તો, વૃક્ષારોપણ,કારીગરોને કીટ વિતરણ, ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા, સફાઇ કાર્યક્રમ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ, ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ, ઝુંપડપટ્ટીમાં ભોજન વિતરણ, મેરેથોન દોડ, બ્લડ ડોનેશન કેમ્પ, જનરલ આરોગ્ય કેમ્પ, નગરની તમામ પ્રતિમાઓની સફાઇ,સાઇકલ રાઇડર્સ, સફાઇ કાર્યક્રમ, કુંડ વિતરણ સહિતની સેવાઓના કાર્યક્મો યોજાઇ રહ્યા છે.


જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીએ ગૌરવભેર જણાવ્યું હતું કે ગુજરાત ગૌરવ દિવસની કાર્યક્રમની માહિતી આપીને મીડિયા માટે કરવામાં આવેલી વ્યવસ્થા વિષે જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતુ કે 29 થી 01 મે સુધી પોલીસ હેડ ક્વાટર્સ પાટણ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે.

આ ઉપરાંત 01 મે ના રોજ માન.મુખ્યમંત્રીશ્રીની શસ્ત્રપ્રદર્શનની મુલાકાત બપોરે 12 કલાકે લેનાર છે. તેમણે ઉમેર્યું હતું કે પાટણ પોલીસ વિભાગ દ્વારા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે નવતર કાર્યક્રમોનું આયોજન કરાયા છે.


માન.રાજ્યપાલશ્રી અને માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા પોલીસ પરેડ નિરીક્ષણ કોલેજ ગ્રાઉન્ડ પાટણ ખાતે 01 મે ના રોજ સાંજે 05-00 કલાકે થનાર છે.જેમાં પોલીસ દ્વારા પરેડ, રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો,અશ્વ શો, બેન્ડ ડિસ્પ્લે, સાંસ્કૃતિક કાર્યક્રમ થનાર છે.

આ પત્રકાર પરીષદમાં જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજયકુમાર પટેલ,નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી તથા વિવિધ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.