Western Times News

Gujarati News

લોખંડના સળિયા પાથરી રોડની કામગીરી અધુરી છોડી દેવાતા લોકો નીચે પટકાયા

કપચીના અભાવે છેલ્લા ૧૦ દિવસથી  ભરૂચના પીરકાંઠીનો જાહેરમાર્ગ અધૂરી કામગીરીના પગલે લોકો માટે ખતરારૂપ બન્યો.

કપચીના અભાવે કામગીરી અધૂરી છોડી હોવાનું રટણ કોન્ટ્રાકટરે કરી હાથ ઉંચા કર્યા : સ્થાનિક રહીશ.

(વિરલ રાણા) ભરૂચ,ઉનાળા બાદ ચોમાસાની ઋતુ નો પ્રારંભ થનાર છે.જેના કારણે તંત્ર પણ વિવિધ વિકાસના કામો વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે.પરંતુ ગુજરાત માં કપચી એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓને લઈ કપચી ન આવતી હોવાના કારણે ભરૂચના પીરકાંઠી વિસ્તારનો આરસીસી માર્ગ બનાવવા લોખંડના સળિયા લગાવી અધૂરો છોડી દેતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો પટકાતા ૫ થી ૭ લોકોને ગંભીર ઈજા થતા સ્થાનિકોએ રોડ ઉપર ઉતરી આવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મળતી માહિતી અનુસાર ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ માં આવેલ પીરકાંઠી વિસ્તારના ડુંગાજી સ્કૂલ થી ચાર રસ્તા સુધીનો અંદાજીત ૩૩ લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રસ્તો મંજુર થયો છે અને આરસીસી માર્ગની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા ૧૦ દિવસ પૂર્વે ચાલુ કરવામાં આવી હતી.જેના ભાગરૂપે લોખંડના સળિયા આરસીસીનો માર્ગ બનાવવા માટે પાથરી દીધા હતા.પરંતુ કપચીના વેપારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈ હડતાળ ઉપર હોવાના કારણે કપચી આવતી ન હોવાના કારણે કેટલાય વિકાસના કામો અટકી ગયા છે.

અને સાથે જ ભરૂચ નગરપાલિકાના કેટલાય કોન્ટ્રાકટરોએ કામગીરી અધૂરી છોડી દીધી છે.જેમાં પીરકાંઠી વિસ્તારના રસ્તાની કામગીરી અધૂરી કામગીરી છોડી દેતા આ માર્ગ ઉપર થી પસાર થતા બાળકો, વયવૃદ્ધો, રાહદારીઓ તથા આસપાસના લોકો જમીન ઉપર પટકાતા હોવાના કારણે ગંભીર ઈજાઓ થઈ છે.જેમાં ગંભીર રીતે ઘવાયેલા ગુલામભાઈ કુંભારનાઓને મોઢા અને નાકના  ભાગે ગંભીર ઈજા થતા લોહી લુહાણ અવસ્થામાં રીક્ષા મારફતે સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી.તો ગંભીર રીતે ઘવાયેલા અન્ય એક રાહદારીને પગની જાંઘમાં લોખંડનો સળિયો ઘુસી જતા ટાંકા લેવાની પણ ફરજ પડી હતી અને તેઓની સુરત ખાતે સારવાર ચાલી રહી હોવાની માહિતી સાંપડી રહી છે.

જોકે છેલ્લા ૧૦ દિવસ અધૂરી કામગીરીના પગલે આ માર્ગ ઉપર થી પસાર થતા ૫ થી ૭ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા સ્થાનિકો દ્કોવારા કોન્ટ્રાકટર ને અધૂરી કામગીરી અંગે જાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી કપચી નહિ આવે ત્યાં સુધી કામગીરી ચાલુ નહિ થાય તેમ જણાવતા સ્થાનિકોએ સાવચેતી માટે અને કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય તે માટે માર્ગો ઉપર જોખમી રીતે પાથરેલા લોખંડના સળિયાઓ દૂર કરવા અને કોન્ટ્રકટરે પણ કોઈપણ વિકાસનું કામ રાખ્યું હોય તો કપચી અગાઉ થી સ્ટોકમાં રાખવી જોઈએ તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં ચાલી રહેલી રાષ્ટ્ર વ્યાપી હડતાળના કારણે ગુજરાતનો વિકાસ અને તેમાંય પણ ભરૂચની નગરપાલિકાના આરસીસી રસ્તાની કામગીરી ખોરંભે ચઢતા કોન્ટ્રાકટરોએ અધૂરી કામગીરી છોડી દેવાના કારણે માર્ગ ઉપર રહેલા લોખંડના સળિયાઓ રાહદારીઓ, સ્થાનિકો, વેપારીઓ અને બાળકો માટે જોખમીરૂપ સાબિત થઈ રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા આ માર્ગની મુલાકાત લઈ કોન્ટ્રાકટર સાથે વાતચીત કરી વહેલી તકે નિકાલ આવે તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.