Western Times News

Gujarati News

જેતપુરમાં હવે કલરયુક્ત પાણી શુદ્ધ થશે -દેશના પ્રથમ રેડિયેશન ટેકનોલોજી બેઈઝ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ

પ્રતિકાત્મક

જેતપુર, ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર મુંબઈ દ્વારા જેતપુરમાં દેશના પ્રથમ રેડિયેશન ટેકનોલોજી બેઈઝ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ડેમોસ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના ડાયરેકટર ડો. અજીતકુમાર મોહંતીએ કર્યું હતું.

પરમાણુ ઉર્જા રેડિયેશન દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્રાયોગિક પ્લાન્ટનો પ્રયોગ સફળ થતાં પ્લાન્ટમાંથી કલરવાળું પાણી શુદ્ધ થઈને બહાર નીકળતા આ પ્લાન્ટનું લોકાર્પણ કરનાર ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના ડાયરેકટર ડો. અજીતકુમાર મોહંતીએ જણાવ્યું હતું કે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત- પ્રદુષણ મુકત ભાર- ગ્રીન ઈન્ડિયાના અભિયાનમાં આઝાદી અમૃત મહોત્સવના અવસરે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી કામગીરીનું આ એક મહત્વનું કદમ છે. આ ટેકનોલોજીથી કલરવાળું પાણી શુદ્ધ થવાનું છે અને તેનો રીયુઝ ઈન્ડસ્ટ્રીઝ સહિત બીજા ઘણા હેતુમાં થશે. ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રનું જે મિશન છે, તેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે. સેન્ટર દ્વારા બીજા પણ પ્રોજેકટ ચાલી રહ્યા છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જેતપુર ખાતે મુકાયેલા આ પ્લાન્ટ પર હજુ વધુ રીસર્ચ થશે. એસોસીએશનના સહયોગથી સંશોધનની કામગીરી આગળ વધશે તેઓએ આ ટેકનોલોજી વિકસાવનાર વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીએશનના પ્રમુખ જે.એલ. રામોલીયાએ ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના ડાયરેકટર ડો. અજીતકુમાર મોંહંતીનું સ્વાગત કર્યું હતું. તેઓએ આ કામગીરી માટે અગાઉ પણ જેતપુર વિસ્તારની મુલાકાત લીધી હતી તેને આવકારી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર દ્વારા જેતપુરને મહત્વની ભેટ મળી છે તે અંગે આનંદની લાગણી વ્યકત કરી આભાર વ્યકત કર્યો હતો.

જેતપુરના ભાદર નદીના સામા કાંઠે સી.ઈ.પી.ટી સાઈટ પર એસોસીએશનના સહકારથી મુકાયેલા આ પાણીના શુદ્ધિકરણના માટે પ્રાયોગિક બે યુનિટ મુકવામાં આવ્યા છે.

જેનું લોકાર્પણ કર્યા બાદ બાર્કના ડાયરેકટરની હાજરીમાં પાણીનું પૃથ્થકરણ કરતા કલરવાળું પાણી છુટું પડ્યા પછી શુદ્ધ પાણીનું પીએચ લેવલ ૭ ન્યુટલ વેલ્યુ આવતા હવે આરઓ દ્વારા પાણી શુદ્ધ થવાનું શક્ય બન્યું છે તેમ આ વિષય ઉપર કામ કરનાર ટીમના ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરના આર.ટીડીડીના ડો. વાય.કે.ભારદ્વાજે જણાવ્યું હતું.

તેઓએ સમગ્ર પ્લાન્ટની ટેકનીકલ માહિતી આપતા વધુમાં કહ્યું કે પ્રાકૃતિક પોલીમર સેલુલોજને રેડિએશનથી મોડીફાય કરીને ટેકનોલોજી તૈયાર કરતા કલરવાળા પાણીમાંથી આ યુનિટ કલરને અલગ પાડે છે.

બે વર્ષ સુધી કરવામાં આવેલા સંશોધનનું આ સફળ પરિણામ છે. આ બે યુનિટમાં પ્રતિ યુનિટ ૪૦,૦૦૦ લીટર કલરવાળા પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે જેમ જરૂરિયાત વધશે તેમ ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રની દેખરેખ હેઠળ અને જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીએશનના સહકારથી આ કામગીરીનો વિસ્તાર વધારવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.