Western Times News

Gujarati News

ધારાસભ્ય દ્વારા તેમના મત વિસ્તારમાં બનતા રસ્તાઓમાં ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપ સાથે રજુઆત કરાતા ચકચાર

ઝઘડિયાના ધારાસભ્યએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખી રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માંગ કરી.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખીને તેમના મત વિસ્તારમાં બનતા રસ્તાઓનું નિરીક્ષણ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.વિગતો અનુસાર ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ લખેલા પત્રમાં તેમણે આક્ષેપ કર્યો છે કે હાલમાં ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવતા ઝઘડિયા,નેત્રંગ અને વાલિયા તાલુકામાં વિવિધ સ્થળોએ રસ્તા અને નાળા બનાવવા ની કામગીરી ચાલી રહી છે.

આ કામગીરીમાં જે તે એજન્સી દ્વારા પ્લાન એસ્ટીમેન્ટ મુજબ નહીં પરંતુ હલકીકક્ષાના મટીરીયલનો ઉપયોગ કરી ગુણવત્તા જાળવ્યા વિનાનું તકલાદી બાંધકામ કરવામાં આવી રહ્યું છે,રસ્તાના નાળાની કામગીરી માં વેઠ ઉતારવામાં આવે છે,તેમજ નાળાની કામગીરીમાં પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી.આ રસ્તાઓ સેન્સેરપેવરથી નહિ અને સાદા પેવર લથી બનાવવામાં આવ્યા છે.

જેથી આ રસ્તાઓ ટકાઉ બનતા નથી અને ટૂંકાગાળામાં ખરાબ થઈ જવાની શક્યતાઓ છે,એમ જણાવી ધારાસભ્યએ તેમના પત્રમાં  આક્ષેપ કર્યો છેકે સ્થાનિક સરકારી અધિકારી તથા કોન્ટ્રાક્ટર કોઈ પણ ચાલુ કામના સ્થળે હાજર રહેતા નથી,‌‌સાથે જ કામનું સુપરવિઝન થતું નથી અને કામની ગુણવત્તા જળવાતી નથી જેના કારણે પ્રજાના નાણાંનો દુર્વ્યય થાય છે.જેથી આ બાબતે તપાસ કરી પ્રજા અને રાજ્યના હિતમાં જવાબદારો સામે પગલા ભરવા ધારાસભ્યએ તેમના પત્ર દ્વારા માંગ કરી છે.ધારાસભ્ય દ્વારા તેમના મત વિસ્તારના રસ્તાઓ બાબતે વિવિધ આક્ષેપો સાથે તપાસ કરવા મુખ્યમંત્રી અને રાજ્યપાલને રજુઆત કરાતા સમગ્ર જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.