Western Times News

Gujarati News

ગરીબ અસીલનો મફતમાં કેસ લડીને ન્યાય અપાવવા તાકીદ કરતા કાયદા મંત્રી

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ લો કોલેજ અને કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ-આણંદનો વાર્ષિકોત્સવ યોજાયો

વકીલના વ્યવસાયમાં સમય પાલનના આગ્રહી બનજો – કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી

આણંદ ,શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત, લો કોલેજ – આણંદ અને કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ-આણંદનો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. આ વાર્ષિકોત્સવમાં રાજયના મહેસુલ, આપતિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાયતંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રી તથા આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કાયદાનો અભ્યાસ કરતા અને મેડલ મેળવાનાર નવયુવાઓને સારા વકીલ બનવા માટે અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે રોજે રોજ સુપ્રિમ કોર્ટ, દેશની હાઇકોર્ટો અને અન્ય કોર્ટ દ્વારા ચુકાદા આવતા હોય છે તેનો અભ્યાસ કરજો, વાંચન કરવાનું રાખશો તો જીવનમાં સફળતા મળશે.

પ્રારંભના તબકકામાં જુનિયર વકીલ બનીને કઇપણ આશા વગર ખૂબ મહેનત કરજો અને સિનીયર પાસેથી શીખતા રહેજો પરિણામ ચોકકસ મળશે. આ પ્રસંગે ચરોતરની ધરતી પર મંત્રીશ્રીએ સરદાર પટેલ અને ભાઇકાકાને યાદ કર્યા હતા. સરદાર પટેલ પણ બેરીસ્ટર (વકીલ) હતા અને આણંદ અને બોરસદ ખાતેની કોર્ટમાં વકીલાત કરતા હતા તેમ જણાવી તેમનામાંથી પણ પ્રેરણા મેળવવા અપીલ કરી હતી. મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાની આગવી અને વકીલની ભાષામાં ધણી બધી શીખ આપી હતી. પોતાના વિવિધ ઉદાહરણો ટાંકીને વકીલ અને વકીલાત શું છે તે અંગે માહિતગાર કર્યા હતા.

વકીલોએ સામાજિક ઋણ પણ અદાકરવાનું હોય છે. ઝઘડાના કેસમાં સમાધાન થતું હોય તો પ્રયત્ન કરવા જોઈએ. સરદાર પટેલ જયારે વકીલાત કરતા હતા ત્યારે તેમનો દબદબો શું હતો અને અંગ્રેજ સરકાર શું વિચારતી હતી એ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું હતું. મંત્રીશ્રીએ નવયુવાઓને વકીલના વ્યવસાયમાં સમય પાલનના આગ્રહી બનજો તેમ જણાવી બધા કેસમાં ફી ને જ માત્ર મહત્વ ના આપશો, દયા પણ રાખજો, દયા ધર્મનું મૂળ છે, અનુકંપા રાખવી પડશે, ગરીબ અસીલની મદદ કરજો.

ગરીબ અસીલનો પ્રશ્ન જાણજો, સમજજો તથા મફતમાં કેસ લડીને ન્યાય અપાવજો, કશુંક સારૂ કરેલુ કયારેય એળે જતું નથી તેમ જણાવી સમાજ જીવનમાં યોગદાન આપવા અને સમાજને જોડવાની જવાબદારી પણ કાયદો જાણકાર વકીલ ની છે તેમ તાકીદ કરી હતી. વકીલની સાથે સાથે સમાજ અને રાષ્ટ્ર માટે પણ યોગદાન આપવું જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા સારા ગુણ મેળવનાર ૯૬ વિધાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું તથા કોલેજ દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવીડ-૧૯ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કોલેજની વિદ્યાર્થીની મૈત્રી પ્રગ્નેશભાઈ પટેલ તથા શ્રુતિ યોગેશભાઈ ઠક્કરને પાંચ મેડલ મેળવવા બદલ મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા શુભેચ્છા પાઠવી હતી. સરદાર પટેલ યુનિવર્સિટીના ઇનચાર્જ વાઇસ ચાન્સેલરશ્રી ર્ડા.નિરંજનભાઇ પટેલે યુવાઓએ દેશ માટે પોતાની શું ભૂમિકા હોઇ શકે તેનું મનન ચિંતન કરવાની જરૂર છે તેમ જણાવી યુવાઓએ સમયનો વ્યર્થ ન કરતા સાચા અર્થમાં સમયનો ઉપયોગ કરવા તથા કાયદાના વિદ્યાર્થીઓએ તમામ લોકોની સુખાકારીનું રક્ષણ કરે તેવું કામ કરવા અને સામાન્ય વ્યકતિઓને કાયદાકીય બીક ના લાગે તેવું કામ કરવા ભાર મૂકી ભયની લાગણી દૂર કરવા વકીલ તરીકે પવિત્ર ફરજ બજાવવા જણાવ્યું હતું અને કાયદાના વિદ્યાર્થીઓ જયાં સુધી એથીકસ પકડી રાખશો તો ચોકકસ સુખી થશો તેવી લાગણી વ્યકત કરી હતી.

શ્રી રામકૃષ્ણ સેવા મંડળના પ્રમુખશ્રી હેમંતભાઇ પટેલે કાયદાના વિદ્યાર્થીઓને નવા નવા કાયદાઓથી અપડેટ રહેવા તથા અન્યના હિતોનો વિચાર કરવા તથા જીવનમાં સફળતા મળે માટે શુભકામના પાઠવી હતી. શ્રી રામકૃષ્ણ સેવા મંડળના મંત્રીશ્રી જયોત્સનાબેન પટેલે લો કોલેજ – આણંદ અને કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ-આણંદ ખાતે કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીવનના શ્રેષ્ડ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. ર્ડા. રેખાકુમારી સીંગે આણંદ લો કોલેજનો વાર્ષિક રીર્પોર્ટ રજૂ કર્યો હતો. પ્રારંભમાં લો કોલેજ – આણંદના પ્રિન્સીપાલશ્રી ર્ડા.અમીતકુમાર પરમારે સૌનો આવકાર કરી લો કોલેજ – આણંદ અને કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ-આણંદ અંગેની વિશેષ જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે લો કોલેજ – આણંદના પ્રોફેસર ર્ડા.નિલેશ પટેલે સૌ ઉપસ્થિતોનો આભાર વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે કલેકટરશ્રી મનોજ દક્ષિણી, આણંદ જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખશ્રીઓ, સરકારી વકીલશ્રીઓ, જિલ્લાના વકીલ મિત્રો, સ.પ.યુનિ.ના સેનેટ, સિન્ડીકેટ મેમ્બર્સ, લો કોલેજના પ્રોફેસર્સ અને લો કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.