Western Times News

Gujarati News

રાજ્યના ચાર શહેરમાંથી ૪,૯૦૦ લોકો યુએસમાં ઘૂસવા નીકળી પડ્યા

અમદાવાદ, ગાંધીનગરના કલોલ જિલ્લાથી થોડાક જ કિલોમીટર દૂર આવેલું ડીંગુચા ગામ જાન્યુઆરી મહિનામાં ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આ ગામના ચાર સભ્યોનો પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાની ફિરાકમાં હતો ત્યારે જ કેનેડાની બોર્ડર પર થીજી જવાના કારણે તેમના મોત થયા હતા.

આ સમાચારે દુનિયાભરના લોકોને ચોંકાવી દીધા હતા પરંતુ ગુજરાતના લોકોને જાણે આનાથી કોઈ ફરક જ નથી પડ્યો અને કંઈ શીખ્યા પણ નથી. આ ઘટના બાદ પણ કેટલાય લોકોએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવા માટે માનવ તસ્કરોનો સંપર્ક કર્યો છે અને તેઓ આવા જ જાેખમી રસ્તા શોધીને તેમને મોકલી રહ્યા છે.

ગુજરાતમાં ગેરકાયદે ઈમિગ્રેશન રેકેટની તપાસ ચલાવી રહેલી રાજ્ય અને કેંદ્રની એજન્સીઓ પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના ૪,૯૦૦ જેટલા લોકો ડીંગુચાની ઘટના પછી પણ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવા માટે નીકળી પડ્યા છે.

માનવ તસ્કરીના કેસોની તપાસ કરી રહેલા સિનિયર પોલીસકર્મીઓને શંકા છે કે, અગાઉના કેસોમાં રડારમાં રહેલા એજન્ટો જ આ નવા કેસોમાં સંડોવાયેલા છે. ગુજરાત પોલીસના એક સિનિયર પોલીસકર્મીએ જણાવ્યું, ભરત ઉર્ફે બોબી પટેલ માનવ તસ્કરોનો મુખ્ય સૂત્રધાર છે.

કલોલ કે મહેસાણાના બૃગેશ પટેલ, રાજેશ પટેલ અને યોગેશ સથવારાની મદદથી તે ગેરકાયદેસર રૂટ પર લોકોને મોકલવાનું સંચાલન કરે છે. છેલ્લા લગભગ એક દાયકાથી આ શખ્સો મેક્સિકો કે તુર્કીના રૂટ દ્વારા લોકોને ગેરકાયદેસર રીતે યુએસ મોકલી રહ્યા છે. જગદીશ પટેલ, તેમની પત્ની અને બાળકોને ડીંગુચાથી કેનેડા મોકલવામાં આ શખ્સોનો જ હાથ હતો. અમેરિકામાં વસવાટનું સપનું સાકાર થાય એ પહેલા જ યુએસની સરહદથી થોડે દૂર કેનેડામાં જ હાડથીજવી નાખતી ઠંડીમાં તેમનું મોત થયું હતું.”

એક અહેવાલ પ્રમાણે, ડીંગુચાની ઘટના બાદ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાંથી ગેરકાયદેસર રીતે ૪,૮૬૯ લોકોને યુએસ મોકલ્યા હોવાની માહિતી સામે આવી ત્યારથી ગુજરાત પોલીસ પંજાબના જાલંધરના ગૌરમિત્ર પાલ ઉર્ફે પાબ્લો સિંહને ટ્રેક કરી રહી છે. પાબ્લો સિંહ ભરત પટેલનો સાગરીત છે. ગુજરાત પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાબ્લો સિંહ અને ભરત પટેલ “છેલ્લા કેટલાક વર્ષોથી માનવ તસ્કરીના બિઝનેસ સાથે સંકળાયેલા છે.

એક સિનિયર પોલીસકર્મીના કહેવા મુજબ, અમને શંકા છે કે ભરત પટેલે હાલમાં જ ઉત્તર ગુજરાતથી છ લોકોને યુએસ મોકલ્યા છે. જાેકે, તેમની બોટ કેનેડા-યુએસ બોર્ડર પર આવેલી સેન્ટ રેજિસ નદીમાંથી પલટી ખાઈ ગઈ હતી. સદ્‌નસીબે યુએસ બોર્ડર એન્ડ કસ્ટમ્સ પોલીસ અને અન્ય એજન્સીઓએ આ છયે જણાનું રેસ્ક્યૂ કર્યું હતું. હાલ ગેરકાયદેસર રીતે ઘૂસનારાં આ છ શખ્સો સામે યુએસમાં કેસ ચાલી રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.