Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશનની મિલ્કતમાં રૂા.૧૦,૬૬૬ કરોડનો અસામાન્ય વધારો

કોન્ટ્રાક્ટરોએ ફાઈનલ બિલો રજૂ ન કરતાં રૂા.૨૦ હજાર કરોડનાં પ્રોજેક્ટો રણી-ઘણી વિનાના રહ્યાં: પૂર્વ મ્યુનિ.કમિશ્નર વિજય નહેરાના આદેશ બાદ પૂર્ણ થયેલાં પ્રોજેક્ટોનો સંપત્તિમાં સમાવેશ થયો

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ કરવા માટે પણ તંત્ર પાસે નાણા નથી તેમ છતાં તંત્રની સંપત્તિમાં રૂા.૧૦ હજાર કરોડનો અસામાન્ય વધારો થયો છે. ૨૦૨૧-૨૨ના વાર્ષિક હિસાબોમાં આ સંપત્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પરીણામે મનપાની બેલેન્સ શીટ વધુ મજબૂત બની છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં છેલ્લા એક દાયકાથી એક વિચિત્ર પ્રથા ચાલી રહી છે. જેમાં ઈજનેર તેમજ અન્ય ખાતાના કોન્ટ્રાક્ટરો દ્વારા ફાઈનલ બીલ જ રજૂ કરવામાં આવતા નથી. કામની નબળી ગુણવત્તા કે અન્ય કારણોસર પેનલ્ટી થવાના ડરથી કોન્ટ્રાક્ટરો ફાઈનલ બીલ રજૂ કરતા નથી.

આ કોન્ટ્રાક્ટરો ૯૦થી ૯૫ ટકા પેમેન્ટ લઈ ચૂક્યા હોય છે તેથી તેમને આર્થિક નુકશાન થાય તેમ નથી.પરંતુ તેમની સદર ગેરરીતીના કારણે તંત્રને વર્ષાેથી નુકશાન થઈ રહ્યું છે. મ્યુનિ.કોન્ટ્રાક્ટરો દ્વારા ફાઈનલ બીલો રજૂ કરવામાં આવતા ન હોવાથી જે તે કામ પૂર્ણ થતા હોવાના સર્ટી. ઈસ્યુ થઈ શકતા નથી.

જેના કારણે તમામ કામો માટે “વર્ક ઈન પ્રોગ્રેસ”ની નોંધ કરવી પડે છે. ચોંકાવનારી બાબત એ છે કે જે તે પ્રોજેક્ટ વાહનો કે બ્રીજનો ઉપયોગ શરૂ થઈ ગયો હોવા છતાં તે મિલ્કતોનો મ્યુનિ.ચોપડે સમાવેશ થઈ શકતો નહતો.

જેના કારણે, ૨૦૧૯ની સાલમાં તત્કાલીન મ્યુનિ.કમિશનર વિજય નહેરાએ કામ પૂર્ણ થયા હોય અને વપરાશ શરૂ થઈ ગયો હોય તેવા પ્રોજેક્ટોનો મ્યુનિ.સંપત્તિમાં સમાવેશ કરવા પરવાનગી આપી હતી.

મ્યુનિ.કોન્ટ્રાક્ટરો દ્વારા કુલ રૂા.૨૦૪૮૦ કરોડના કામોના ફાઈનલ બીલ રજૂ કરવામાં આવ્યા નથી. જે પૈકી રૂા.૧૦૬૬૬ કરોડના કામ પૂર્ણ થઈ ચૂક્યા હોવાથી આ તમામનો બેલેન્સ શીટમાં મ્યુનિ.એસેટ્‌સ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. એચ.જે.લાયબ્રેરી બ્રીજ કે જૂનો વપરાશ સાત વર્ષ પહેલાં શરૂ થઈ ચૂક્યો છે.

જે ફાઈનલ બીલ કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરવામાં આવ્યુ ન હોવાથી તે “બિનવારસી”સંપત્તિ હતી. તેવી જ રીતે હાઉસીંગ પ્રોજેક્ટના ફેઝ-૧, ફેઝ-૨ અને ફેઝ-૩ના મકાનો, વોટર પમ્પીંગ સ્ટેશન, પવન ચક્કી, ડ્રેનેજ લાઈનો વગેરે પણ રણી-ઘણી વિનાની મિલ્કતો હતી. હવે ૨૦૨૧-૨૨ના વાર્ષિક અહેવાલમાં આ પ્રકારના પૂર્ણ થયેલા તમામ પ્રોજેક્ટોને મ્યુનિ.સંપત્તિ જાહેર કરવામાં આવ્યા છે. જેના કારણે મ્યુનિ.બેલેન્સ શીટ વધુ મજબૂત બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.