Western Times News

Gujarati News

જીએમડીસી ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં રાજપૂતો ભેગા થઈ પોતાની તાકાત બતાવશે

અમદાવાદ, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાંની સાથે જ તમામ જ્ઞાતિ રાજકીય ક્ષેત્રે પોતાનું વર્ચસ્વ વધે અને શક્તિ પ્રદર્શન યોજી પોતાની તાકાત બતાવતાં હોય છે.

૨૦૧૫માં જેમ પાટીદારોએ જીએમડીસી ગ્રાઉન્ડમાં અનામત આંદોલન યોજી અને પોતાની તાકાત બતાવી હતી તેવી રીતે હવે વિધાનસભા ચૂંટણી પહેલા રાજપૂત સમાજનું શક્તિપ્રદર્શન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે.રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યું હતું કે, દશેરા અને દિવાળીની વચ્ચે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં રાજપૂતો ભેગા થઈ પોતાની તાકાત બતાવશે.

લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકીય હોય કે અન્ય ક્ષેત્ર હોય તેમાં રાજપૂત સમાજના લોકો છે પરંતુ તેમની સંખ્યા ઓછી છે. રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પહોંચી રહી છે.

એકતા યાત્રાનો મૂળ ઉદ્દેશ એકતા સભ્યતા અને સંસ્કૃતિનો છે. રાજપૂત સમાજ પોતાની તાકાત અને એકતા બતાવવા માટે દિવાળી પહેલા આ સંમેલન યોજશે.

અમે દુર્ભાગ્યશાળી છીએ કે આઝાદી પછી માત્ર બે રાજપૂતો મિનિસ્ટ્રીમાં છે. અત્યારે દરેક ક્ષેત્રમાં રાજપૂત સમાજનું વર્ચસ્વ ઘટી રહ્યું છે તેથી હવે રાજપૂત સમાજનો દરેક જગ્યાએ તાકાત બતાવવાનો સમય આવી ગયો છે. પદ્માવત ફિલ્મ સમયે રાજપૂતો દ્વારા જે રીતે પોતાની તાકાત બતાવવામાં આવી હતી તે માટે મેદાન ઓછું પડ્યું હતું પરંતુ હવે મેદાન મોટું શોધીશું અને રાજપૂત સમાજની તાકાત બતાવવા આવશે તેમ જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજપૂત સમાજ અત્યાર સુધી ચૂપ હતો પરંતુ હવે અમે ચૂપ નહિ રહીએ. દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ રાજપૂત સમાજની સંખ્યા વધે તેના માટે પ્રયાસો કરી રહ્યા છીએ. મંત્રીમંડળમાં રાજપૂતોની સંખ્યા ઓછી છે. જેટલું રાજપૂતોનું યોગદાન છે એટલી સંખ્યામાં રાજપૂતો પણ હોવા જરૂરી છે. આડકતરી રીતે તેઓ ઈશારો કરતા જણાવ્યું હતું કે, હું કોઈ એક પક્ષને નથી કહેતો. જે પક્ષને રાજપૂત સમાજના લોકોને સાથે રાખવા હોય રાખે બાકી જેને ન રાખવા હોય એ ભોગવે. દરેક પક્ષને મેસેજ આપવા માગું છું કે તમે રાજપૂત સમાજને મહેસૂસ કરો અને જાે તમે નહીં કરો તો અમે મહેસૂસ કરાવી દઈશું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.