Western Times News

Gujarati News

હાર્દિક સાથે વ્યક્તિગત મુલાકાત કરવાનું રાહુલ ગાંધીએ ટાળ્યું

ગાંધીનગર, રાજ્યના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની પાર્ટીના નેતૃત્વ સાથે વધતી તિરાડનો વધુ એક મજબૂત સંકેત મળી રહ્યો છે, કહેવાય છે કે મંગળવારે ગુજરાતના મહેમાન બનેલા રાહુલ ગાંધીએ ફાયરબ્રાન્ડ પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે વન-ટુ-વન બેઠક કરવાનું ટાળ્યું હતું.

દાહોદમાં આયોજિત આદિવાસી રેલીમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ એક જ સ્ટેજ પર હતા, બન્ને એકલામાં મળ્યા નહોતા. માનવામાં આવે છે કે પાછલા કેટલાક દિવસથી હાર્દિક દ્વારા જે રીતે જાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે તેનાથી રાહુલ ગાંધી ખુશ નથી.

જાેકે, આ વિવાદને ડામવાનો પ્રયાસ હાર્દિક તરફથી કરાયો હતો, જેમાં હાર્દિકે કહ્યું કે મંગળવારના દિવસે રાહુલ ગાંધીનો રેલીને સંબોધિત કરવાનો અને કોંગ્રેસના ધારાસભ્યોને મળવાનો કાર્યક્રમ નિશ્ચિત હતો. ૨૦૧૯માં જ્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ખેસ પહેર્યો ત્યારે જે બોડી લેંગ્લેજ બન્ને નેતાઓની જાેવા મળી હતી તેની ગઈકાલના દાહોદના કાર્યક્રમમાં કમી જાેવા મળી હતી.

ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચેની તિરાડ વધવાથી તેમનું ધીરે-ધીરે ભાજપ તરફ પલડું નમી રહ્યું હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.

આ અટકળો વધારે તેજ થવાનું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ સામે પાટીદાર અનામત આંદોલન દરમિયાન લાગેલા કેસને પાછા ખેંચવા માટે ભારપૂર્વક પ્રયાસ થઈ રહ્યા છે.

જ્યારે હાર્દિક પટેલને પૂછવામાં આવ્યું કે કેમ રાહુલ ગાંધી અને તેમની વચ્ચે મંગળવારે વ્યક્તિગત મુલાકાત નહોતી થઈ તો હાર્દિકે કહ્યું, “પ્લાન પ્રમાણે તેમણે જાહેર રેલીને સંબોધવાની હતી અને તે પછી આદિવાસીઓ ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કરવાના હતા.

રેલી પછી મારી તેમની સાથે હળવી મુલાકાત થઈ હતી અને મેં ત્યાંથી પરત ફરવા માટે મંજૂરી લીધી હતી. મારે એક અઠવાડિયામાં તેમને દિલ્હીમાં મળવાનું છે. કોંગ્રેસના મહત્વના સૂત્રએ એ વાતની પુષ્ટી કરી છે કે રાહુલ ગાંધીએ મંગળવારે વ્યક્તિગત રીતે હાર્દિક પટેલને મળવાથી બચતા હતા.

તેઓ (રાહુલ ગાંધી) ભાજપની પ્રશંસા કરતા અને રાજ્યના (કોંગ્રેસ) પાર્ટીના નેતાઓની નિંદા કરતા નિવેદનોથી નારાજ હતા. તેનાથી પાર્ટીને નુકસાન થયું છે. હાર્દિક પટેલ સામેના કેસ પરત લેવાની ભાજપ સરકારની ઉત્સુકતા સ્પષ્ટ રૂપે દેખાઈ રહી છે હવે તેમનું પલડું ભાજપ તરફ નમી રહ્યું છે.

સૂત્રએ વધુમાં જણાવ્યું કે, હાર્દિક પટેલને નાની ઉંમરમાં જ મહત્વપૂર્ણ પદ અને સમર્થન આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ પાર્ટી વિરોધની એક્ટિવિટિ સાથે સંકળાયેલા રહ્યા છે. સૂત્રએ કહ્યું કે થોડો સમય પાર્ટી તેમના વ્યવહાર પર ધ્યાન રાખશે અને પછી આગે કાર્યવાહી અંગે ર્નિણય લેશે.

રાજ્યના ઈન્ટેલિજન્સ વિભાગના મુખ્ય સૂત્રનું કહેવું છે કે, રાહુલ ગાંધી હાર્દિક પટેલ સહિત રાજ્યના કોંગ્રેસના નેતાઓ સાથે વ્યક્તિગત મુલાકાતથી બચતા હતા. પરંતુ એવું લાગે છે કે પાટીદાર નેતાએ ભાજપ માટે સોફ્ટ કોર્નર વિકસાવી લીધો છે.

રાહુલ ગાંધી હાર્દિક પટેલને નામ મળ્યા તે અંગે ભાજપે નિવેદન કરવાનો ઈનકાર કરી દીધો હતો. સોમવારે અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ સામેનો તોફાનોનો કેસ પરત લેવાની મંજૂરી આપી છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા હાર્દિક સામેના કેસ પરત લેવાની સરકારની અરજીઓ ફગાવ્યા બાદ સરકારે કેસ પરત ખેંચવા માટે સેશન્સ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

હાર્દિક પટેલ સામમે ૧૭ એફઆરઆઈ થઈ હતી, અને તે તમામ અનામત આંદોલન દરમિયાન નોંધાઈ હતી. હાર્દિક સામેનો એક કેસ કોર્ટે પરત લઈ લીધો છે અને અન્ય કેસને પરત ખેંચવાની મંજૂરી આપી દીધી છે.

પાટીદાર નેતાએ ૨૫ ઓગસ્ટ ૨૦૧૫માં ગુજરાતના રાજકારણમાં પોતાની હાજરી ઉભી કરી હતી, આ સમયે હાર્દિકે પાટીદાર નેતાઓ માટે ઓબીસી અનામતની માગણીને લઈને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વિશાળ રેલી કરી હતી.

આ આંદોલને વર્ષ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી પર અસર કરી હતી, આવામાં ભાજપ સામેની નારાજગીનો ફાયદો કોંગ્રેસને થયો હતો અને ૧૮૨ બેઠકમાંથી ૭૭ બેઠક કોંગ્રસને જીતવામાં સફતા મળી હતી. આ પછી હાર્દિક પટેલે ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. જ્યારે જુલાઈ ૨૦૨૦માં તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવ્ય ત્યારે તેમનો રાજકારણમાં મહત્વનો ઉદય માનવામાં આવી રહ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.