Western Times News

Gujarati News

પટનાની ૨૦૦ વર્ષ જૂની કલેક્ટર કચેરીના બિલ્ડિંગને તોડી પાડવાનો રસ્તો સાફ

પટણા, બિહારની રાજધાની પટનામાં આવેલી ૨૦૦ વર્ષ જૂની કલેક્ટર કચેરીની ઇમારતને તોડી પાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સર્વોચ્ચ અદાલતે શુક્રવારે ઇમારતને તોડી પાડવાની મંજૂરી આપતા કહ્યું કે દરેક વસાહતી ઇમારતને સુરક્ષિત કરવાની જરૂર નથી. આ ઈમારતનો ઉપયોગ એક સમયે અંગ્રેજાે દ્વારા અફીણ અને મીઠાના સંગ્રહ માટે વેરહાઉસ તરીકે કરવામાં આવતો હતો.

બિહાર સરકાર જૂની કલેક્ટર બિલ્ડીંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવા માંગે છે. ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ પટના ચેપ્ટરે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે આ ઇમારત શહેરની સંસ્કૃતિ અને વારસાનો આવશ્યક ભાગ છે.

તોડી પાડવાને બદલે તેનું જતન કરવું જાેઈએ. રાજ્ય સરકારે ૩૧ જુલાઈ ૨૦૧૯ ના રોજ જર્જરિત બાંધકામને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ પછી કોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૦માં બિહાર સરકારના આદેશ પર રોક લગાવી દીધી હતી.

જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યકાન્તની બેન્ચે કહ્યું કે તેઓ બિલ્ડિંગને જાળવી રાખવા માટે અરજદારની દલીલથી પ્રભાવિત થયા નથી. અમારી પાસે વસાહતી યુગની મોટી સંખ્યામાં ઇમારતો છે. કેટલાક બ્રિટિશ યુગ, ડચ યુગ અને ફ્રેન્ચ યુગના છે. કેટલીક ઈમારતોનું ઐતિહાસિક મહત્વ હોઈ શકે છે, જેને સાચવી શકાય છે પરંતુ તમામ ઈમારતો સુરક્ષિત હોય તે જરૂરી નથી.

બિહાર સરકાર વતી રજૂઆત કરતાં વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કહ્યું હતું કે ઇમારત જર્જરિત હાલતમાં છે અને લોકો માટે પણ ગંભીર ખતરો છે. બિહાર અર્બન આર્ટ્‌સ એન્ડ હેરિટેજ કમિશને પણ ૪ જૂન, ૨૦૨૦ના રોજ કલેક્ટરાલયની ઇમારતને તોડી પાડવાની મંજૂરી આપી હતી.

૧૯૭૨ માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ બિહારમાં એક સર્વે હાથ ધર્યો હતો અને ૭૨ એવી ઇમારતોની ઓળખ કરી હતી જેનું ઐતિહાસિક મહત્વ છે અને તેને સ્મારકનો ટેગ આપી શકાય છે. તે યાદીમાં કલેક્ટર કચેરીની ઇમારતનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

બેન્ચે પૂછ્યું કે આ બિલ્ડિંગમાં શું વારસો હોઈ શકે છે. અમને આપવામાં આવેલી તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે તેની છત ઘણી જગ્યાએ તૂટી પડી છે. એએસઆઈએ પણ કહ્યું છે કે તેનું કોઈ ઐતિહાસિક મહત્વ નથી. તે એક ગોડાઉન હતું, જેનો ઉપયોગ બ્રિટિશરો મીઠું અને અફીણ સ્ટોર કરવા માટે કરતા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.