Western Times News

Gujarati News

૧૧ મો ખેલ મહાકુંભ અંતર્ગત જગાણા ખાતે મધ્ય ઝોન કક્ષાની રસ્સાખેંસ સ્પર્ધા યોજાઇ

(માહિતી બ્યુરો)પાલનપુર, સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે મધ્ય ઝોન કક્ષાની રસ્સાખેંસ સ્પર્ધા પાલનપુર તાલુકાના જગાણા ખાતે  એસ.કે.મહેતા હાઈસ્કૂલ ખાતે પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અને આ સંસ્થાના પ્રમુખશ્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ પ્રસંગે હરિભાઇ ચૌધરીએ જણાવ્યું કે, હારજીતનો ડર રાખ્યા સિવાય રમતમાં ભાગ લેવો એ ખુબ જ મહત્વની બાબત છે. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ ખેલ મહાકુંભને આજે ખુબ સારી સફળતા મળી છે. તેમણે કહ્યું કે, ભૂતકાળના સમયમાં છોકરાઓ જ ઓલમ્પિકમાં ભાગ લેતા હતા.

આજે ખેલ મહાકુંભના કારણે દિકરીઓ અને દિકરાઓ અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય દેખાડી રહ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા દોઢ- બે દાયકામાં બનાસકાંઠા જિલ્લાએ શિક્ષણ, રમત-ગમત, કૃષિ અને પશુપાલન સહિત અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે જે સરકારની નીતિઓને આભારી છે.

આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી મુકેશભાઈ ઘોયા,અગ્રણીઓ સર્વશ્રી મોતીભાઈ પાળજા, દિનેશભાઈ, આચાર્ય કરશનભાઈ, બનાસકાંઠા જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ હેમરાજભાઈ પવાયા, રસ્સાખેંસ એસોસિયેશનના સેક્રેટરી રાજુભાઈ પટેલ, વિવિધ રમતોના કોચશ્રીઓ તેમજ સારી સંખ્યામાં ખેલાડી ભાઈઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.