Western Times News

Gujarati News

કલોલના ભરત પટેલની ગુજરાત પોલીસ સમક્ષ સરેન્ડરની ઓફર

અમદાવાદ, લાખો રુપિયા લઈ લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના મોટા રેકેટના મુખ્ય સૂત્રધાર એવા કલોલના ભરત ઉર્ફે બોબી પટેલે ગુજરાત પોલીસ સમક્ષ સરેન્ડર થવાની ઓફર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. બોબી પટેલ મૂળ દિલ્હીના અને અમેરિકાની સિટીઝનશીપ ધરાવતા ચરણજીત સિંહ સાથે મળીને આ રેકેટ ચલાવે છે.

જાેકે, ગુજરાત પોલીસ ફરિયાદ નોંધે તે પહેલા જ ચરણજીત અમેરિકા ભાગી ગયો હતો. જ્યારે તેના સાથા ભરત પટેલનું છેલ્લું લોકેશન રાજસ્થાનમાં મળ્યું હતું. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, પોલીસથી ભાગતો ફરતો બોબી હવે સરેન્ડર કરવા માગે છે ત્યારે પોલીસ તેના માટેના કાયદાકીય વિકલ્પો ચકાસી રહી છે.

ડીંગુચાનો ચાર સભ્યોનો પરિવાર અમેરિકા-કેનેડા બોર્ડર ક્રોસ કરતી વખતે થીજીને મોતને ભેટ્યાની ઘટના સામે આવતા માનવ તસ્કરીના આ રેકેટ પર પોલીસે ઘોંસ વધારી હતી. તપાસ દરમિયાન હાલ વૈષ્ણોદેવીમાં એક વૈભવી અપાર્ટમેન્ટમાં રહેતા બોબી પટેલનું આ કાંડમાં નામ સામે આવ્યું હતું.

પોલીસનું કહેવું છે કે બોબીની સરેન્ડરની ઓફર અંગે શું એક્શન લેવું તે મામલે ઉચ્ચ સ્તરેથી સૂચના મળે તેની રાહ જાેવાઈ રહી છે. અખબારે એક સૂત્રને ટાંકીને એમ પણ કહ્યું હતું કે બોબી સરેન્ડર કરે તે પહેલા જ તેને પકડી લેવા માટે પણ પ્રયાસ થઈ રહ્યા છે.

બીજી તરફ, ભરત પટેલ જેની સાથે કામ કરતો હતો તેવા ચરણજીત સિંહ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરાવવા માટે ગુજરાત પોલીસે સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કર્યો છે. ચરણજીત હાલ અમેરિકામાં છે, પોલીસનું કહેવું છે કે બોબી તેની સાથે સીધા સંપર્કમાં હતો અને અમેરિકા જવા માગતા લોકોના બનાવટી દસ્તાવેજાે બનાવી તેને મોકલતો હતો.

ચરણજીત પોતાના નાઈજિરિયા, તુર્કી અને કેનેડામાં સ્થિત નેટવર્કનો ઉપયોગ કરીને લોકોને અમેરિકા ઘૂસાડતો હતો. બોબી સેટેલાઈટમાં ઓફિસ ધરાવતા એક વિઝા કન્સલ્ટન્ટના સંપર્કમાં હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. આ કન્સલ્ટન્ટ અમેરિકા જવા ઈચ્છુક લોકોને બોબી પાસે મોકલતો હતો. બોબી પોતે પણ અમેરિકન પાસપોર્ટ ધરાવે છે પરંતુ તે માનવ તસ્કરી સાથે સંકળાયેલો હોવાથી તેના પર અમેરિકામાં એન્ટ્રી કરવા પર પ્રતિબંધ છે.

અમેરિકન કોન્સ્યુલેટ દ્વારા ગુજરાત પોલીસને કેટલાક એજન્ટોના નામ પણ આપવામાં આવ્યા છે, જેમાંનો એક મહેસાણાનો મુન્નો પણ છે. આ સિવાય સંજય પટેલ, પ્રવીણ ઉર્ફે પલ્લુ પટેલ પણ મહેસાણાના છે જેઓ ‘મેકલા’ તરીકે ઓળખાતા મેક્સિન એજન્ટો સાથે સાંઠગાંઠ ધરાવે છે. મિરરના અહેવાલ અનુસાર, બોબીને ઝડપી લેવા માટે ગુજરાત પોલીસે પંજાબ અને દિલ્હીમાં ધામા નાખ્યા છે.

જાે તેની સરેન્ડરની ઓફર ના સ્વીકારાય તો તે બંગાળ પણ જઈ શકે છે. બીજી તરફ, આ મામલે તપાસ કરી રહેલી સીઆઈડીને કોઈ ખાસ સફળતા હાથ નથી લાગી. માનવ તસ્કરી સાથે સંકળાયેલા લોકો સુધી પહોંચવા સીઆઈડીએ ૫૦ જેટલા લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ તેમની પાસેથી કોઈ માહિતી નથી મળી શકી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.