Western Times News

Gujarati News

આદિજાતિ ખેડુતોને ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો કાર્યક્રમ યોજાયો

મોરવા(હ) ખાતે રાજયમંત્રી નિમિષાબેન સુથારના મુખ્ય મહેમાન પદે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિ ખેડુતોને ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો કાર્યક્રમ યોજાયો

આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે કટીબધ્ધ સરકારે કૃષિ વૈવિધ્યકરણની યોજના હેઠળ આદિજાતિ ભાઇ-બહેનોને સુધારેલ બિયારણ અને ખાતર આપીને આર્થિક રીતે પગભર બનાવ્યાઃરાજય મંત્રી

ગોધરા,આદિજાતિ વિકાસ વિભાગ દ્રારા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩નો પંચમહાલ જિલ્લાનો કાર્યક્રમ રાજય કક્ષાના આદિજાતિ વિકાસ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ  વિભાગ, તબીબી શિક્ષણ મંત્રી નિમિષાબેન સુથારના મુખ્ય મહેમાન પદે અને જિલ્લા કલેકટર સુજલ મયાત્રા તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોરવા(હ) ખાતે મામલતદાર કચેરીના પટાંગણમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાજયમંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતુ કે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત રાજયના આદિજાતિ જિલ્લાઓમાં આદિજાતિના લાભાર્થીઓને અમલીકરણ એજન્સી દ્રારા સુધારેલ બિયાર, ખાતર અને વાવણી અંગેની તાલીમ આપવામાં આવે છે. જેથી ખેડૂતો વાવણી સમયે સારૂ ઉત્પાદન મેળવી શકે અને આજીવીકા મેળવી આવક ઉભી કરી શકશે. રાજ્યના પૂર્વ પટ્ટામાં વસતા આદિજાતિ ભાઇ- બહેનોની ચિંતા કરીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી.

આ યોજનાના સફળ અમલીકરણથી આદિજાતિ વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી વીજળી, શિક્ષણ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનતા આમૂલ અને ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે કટીબધ્ધ આ સરકારે કૃષિ વૈવિધ્યકરણની યોજના હેઠળ આદિજાતિ ભાઇ-બહેનોને સુધારેલ બિયારણ અને ખાતર આપીને આર્થિક રીતે પગભર બનાવ્યા છે. આ યોજના સમગ્ર ગુજરાતમાં વર્ષ ૨૦૦૭ થી આજ દિન સુધી માત્ર આદિજાતિ વિસ્તારના તાલુકાઓમાં જ અમલી થતી હતી.

જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આટલા વર્ષો સુધી માત્ર ઘોધંબા તાલુકાના આદિજાતિ ખેડૂતો લાભ મેળવતા હતા. પરંતુ ચાલુ નાણાંકીથ વર્ષ ૨૦૨૨-૨૩ થી આ જિલ્લામાં પોકેટ અને ક્લસ્ટર વિસ્તારના ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જે ૯૫ ગામો પૂરતું સીમીત ન રહેતા કુલ ૨૪૪ ગામોના ૭૦૬૦ જેટલા ખેડૂતોને લાભ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત લાભાર્થીઓને અંદાજીત રૂ।. ૨૯૫૦/- ની બજાર કિંમતની કીટ માત્ર રૂા.૨૫૦ /-ના લાભાર્થી ફાળાની સામે પ૦ કિ.ગ્રા.ડીએપી ખાતર, ૫૦ કિ.ગ્રા.પ્રોમ ઓર્ગેનીક ખાતર અને ૪ કિ.ગ્રા. મકાઈ બિયારણની કીટ આપવામાં આવશે.

ખેત ઉત્પાદન વધારી આદિજાતિ ખેડુતોને આજીવિકા સાથે આવક ઉભી કરવાનો હેતુ રહેલો છે. અમલીકરણ એજન્સી ધ્વારા લાભાર્થીઓને બીયારણ કીટ થકી મહત્તમ ઉત્પાદન મેળવવા તાલીમ ધ્વારા ખેતી અંગેનું માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજયમંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રતિક રૂપે કૃષિ વૈવિધ્યકરણ યોજનાની ૧૪ લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ ૨૦૨૨-૨૩નો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ચયુઅલ લોન્ચીંગ ગાંધીનગર થી કરાવ્યું હતું.

તેમજ ઓડીયો વિઝયુલ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેનુ મહાનુભાવો સહિત ઉપસ્થિત લાભાર્થીઓએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન વિક્રમભાઇ ડિંડોર અને તાલુકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન માલીવાડે પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું જયારે પ્રાયોજના વહીવટદાર ભગોરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે મામલતદાર શીલાબેન નાયક,તાલુકા વિકાસ અધિકારી આર. કે. રાઠવા, સહિત જિલ્લા-તાલુકા સભ્યઓ સહિત આગેવાનો અને આદિજાતિ ખેડુત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

 તસ્વીર:-મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.