Western Times News

Gujarati News

ઍક્સિડન્ટની ઓથમાં થયેલ મર્ડરની પાછળ છુપાયેલ ષડયંત્રને ખુલ્લુ પાડી આરોપીને ઝડપ્યો

દાહોદ એમ.જી.રોડ કુકડા ચોક ખાતે બે દિવસ અગાઉ ઍક્સિડન્ટની ઓથમાં થયેલ મર્ડરની પાછળ છુપાયેલ ષડયંત્રને ખુલ્લુ પાડી આરોપીને દાહોદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી.

અનડિટેક્ટ મર્ડરના ગુનાને ડિટેક્ટ કરી સોપારી આપનાર સહિત સદર ગુનામાં સંડોવાયેલાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

બે દિવસ અગાઉ એટલે કે તારીખ 21-5-2022 ના રોજ સાંજના પોણા છ વાગ્યાના સુમારે દાહોદના એમ.જી.રોડ કુકડા ચોક ખાતે એકસીડન્ટ બાબતે સામાન્ય બોલાચાલી થતા દાહોદ મેમુન નગર વાળા મુસ્તુફા સાકીર ઉર્ફે બાદશાહ શેખ પોતાની પાસે રાખેલ ચપ્પુ વડે દાહોદ હમીદી મોહલ્લા ના યુનુસ અકબરભાઈ સતવારા વાલાને માથામાં, છાતીમાં, પેટમાં, તથા પગમાં ઉપરાઉપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો.

આ મામલે દાહોદ ટાઉન પોલીસે ઈપીકો કલમ ૩૦૨ મુજબ હત્યાનો ગુનો નોંધ્યો હતો. અને સદર ખૂનના ગુનાના આરોપી મુસ્તુફા શેખ ને શોધી કાઢવા દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની  સૂચનાથી દાહોદ ડિવિઝનના એએસપી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પી.આઈ બી.ડી. શાહ, પીએસઆઇ એમ એફ ડામોર, પી.એસ.આઇ એન એન પરમાર, તથા સ્ટાફ તતા એસઓજી પીઆઇ ડીડી પઢીયાર, પી એસ આઈ બી એ પરમાર , તથા સ્ટાફ તેમજ દાહોદ ટાઉન પી.આઇ વી પી પટેલ, પી આઈ કે. ડી. ડિંડોર તથા ડી સ્ટાફના માણસોની જુદી-જુદી ટીમો બનાવી તમામ ટીમે બનાવવાળી જગ્યાની વિઝીટ કરી હતી.

દરેક ટીમને અલગ અલગ કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં લોકલ સીસી ટીવી કેમેરા, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ કંટ્રોલ રૂમ ના કેમેરા તથા સ્માર્ટ સીટી અંતર્ગત લગાવેલ સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ સોર્સ તેમજ હયુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી તેને શોધી કાઢવા સારું તમામ ટીમો ચક્રો ગતિમાન કર્યા હતા.

તમામ ટીમના સધન પ્રયત્નોના ફળસ્વરૃપે આરોપી દાહોદ બસ સ્ટેશન ખાતે હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે દાહોદના બસ સ્ટેશન પરથી આરોપી મુસ્તફા શેખને ઝડપી પાડયો હતો. અને દરેક ટીમોએ આરોપીની પૂછપરછ કરી હતી. જેમાં પ્રારંભિક તબક્કે તો આરોપી આકસ્મિક બનાવ બનેલ હોવાનો રાગ આલાપતો હતો. અને પોતે ઉશ્કેરાઇને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધેલ હોવાનું  જણાવતો હતો ,પણ પોલીસે જ્યારે યુક્તિ પ્રયુક્તિ થી પોતાની આગવી ભાષામાં સઘન પૂછપરછ હાથ ધરતા આરોપી ભાંગી પડ્યો હતો.

બનાવની સત્ય હકીકત પોલીસને પોપટની જેમ જણાવી દીધી હતી. જેમાં સદરહું પકડાયેલ આરોપી મુસ્તફા શેખને પૈસાની સખત જરૂર હોય તેને તેના મિત્ર મોઈન હમીદખાન  પઠાણ ને 2 અઠવાડિયા પહેલા કામ આપવા બાબતે વાત કરી હતી અને મોઈન પઠાણને તેના મિત્ર મોહમ્મદ ઉર્ફે જુઝર ઈસ્માઈલભાઈ લોખંડવાલાએ મરણ જનાર યુનુસ કતવારા વાલા સાથેની તેની જમીનની લેવડદેવડ માં તેના પર કોર્ટ મેટર દાખલ કરેલ હોય તેમજ યુનુસ જોડે ચાલતા બીજા ગુનાઓથી પોતે છુટકારો મેળવવા માંગતો હોય જેથી મહંમદ લોખંડવાલા ની ઓફિસમાં દસ લાખ રૂપિયાની  સોપારી મોહીન પઠાણ દ્વારા લેવામાં આવી હતી.

અને મરણ જનાર ને મોતને ઘાટ ઉતારવા સારુ મોઈન પઠાણે તેના મિત્ર મુસ્તુફા શેખને મરણ જનારનું નામ તથા તેનું ઘર તથા તેની મોટરસાઈકલ તેમજ તેની રોજીંદી અવર જવર અને તેના ધંધા બાબતની તમામ વિગતો આપી હતી જેથી હાલમાં પકડાયેલા મુસ્તુફા શેખે સમગ્ર વિગતોનો અભ્યાસ કરી તથા રેકી કરી તારીખ 21- 5- 2022 ના રોજ યુનુસ કતવારા વાળાનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું.

મહંમદ લોખંડવાલા, મોઈન પઠાણ તથા મુસ્તુફા શેખ ની આ ત્રિપુટીએ રચેલ ગુન્હાહિત કાવતરાના ભાગરૂપે નક્કી કર્યું હતું કે મરણ જનાર નું મોત નિપજાવતી વખતે બનાવ આકસ્મિક બન્યો હોય તેવું જનમાનસમાં પ્રસ્થાપિત કરવા મરણ જનાર ની મોટર સાયકલને ટક્કર મારી ઝઘડો તકરાર કર્યા બાદ ક્રૂરતાપૂર્વક ચપ્પુના ઉપરા ઉપરી ઘા મારી યુનુસ કતવારા વાલા ને મોતને ઘાટ ઉતાર્યો હતો.

આમ ઍક્સિડન્ટની ઓથમાં થયેલ મર્ડર ની પાછળ છુપાયેલ મર્ડર માટે સોપારી આપવાના ષડયંત્રનો પર્દાફાસ કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં જિલ્લા પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.