Western Times News

Gujarati News

ડી.ઈ.ઓ.નાં આંખમિંચામણાં, ટ્યુશનિયા શિક્ષકોની દાદાગીરીથી વાલીઓમાં રોષ

હિંમતનગર, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં અત્યારથી ધો.૧૦ અને ૧ર વિજ્ઞાન પ્રવાહની ટયુશનની હાટડીઓ ધમધમતાં ડી.ઈ.ઓ.ના આંખમિચામણાંના કારણે શિક્ષિત નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે.

સરકાર પાસેથી તગડો પગાર મેળવતા હોવા છતાં બેરોકટોક ટયુશનની બદી ફેલાવી રહેલા શિક્ષકો સામે મંડળ તેમજ ડી.ઈ.ઓ. કડક પગલાં ભરે તેવી રજુઆત થઈ છે. જિલ્લાના તમામ તાલુકા મથકોની શાળાઓમાં ટયુશનની હાટડીઓના કારણે ગરીબ છાત્રોને અન્યાય થઈ રહ્યો છે. બે વર્ષ અગાઉ ટયુશનની ફી ન ચૂકવતાં અનેક છાત્રોની ગુજકેટની રસીદ ટયુશનિયા શિક્ષકોએ દાદાગીરીથી અટકાવી હતી.

જિલ્લામાં આયકર વિભાગની જેના ઉપર આજદિન સુધી નજર પહોંચી નથી તેવો બીલ-પહોંચ વગરની ટયુશનનો ગેરકાયદે વેપલો જિલ્લામાં ધમધોકાર ચાલી રહ્યો છે.

શહેરી વિસ્તારની શાળાઓમાં કેળવણી મંડળોની આળપંપાળ કરી ટયુશનિયા શિક્ષકો ગરીબ બાળકોને જીરો તાસના નેજા હેઠળ ટયુશનની હાટડીઓ ધમધોકાર ચલાવી રહ્યા છે. દર વર્ષે રૂા.પ૦ લાખથી ૧ કરોડનું ઉઘરાણું કરતા ટયુશનિયા શિક્ષકો સામે કોઈ ઠોસ કાર્યવાહી આજદિન સુધી થઈ નથી. જિલ્લામાં જગજાહેર ટયુશનની હાટડીઓ ધમધમતી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.

અગાઉ ટયુશનિયા શિક્ષકો તપાસ અધિકારીના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા પરંતુ ખિસ્સા ભરાઈ જતાં સમગ્ર કેસને દબાવી દેવામાં આવ્ય્‌ હતો.

એક તરફ શિક્ષણનું સ્તર સુધારવાની વાત થાય છે પરંતુ ઉનાળા વેકેશનમાં છાત્રોનું મન પ્રફુલ્લિત કરવાના બદલે ટયુશનની બદી ધમધમાવી છાત્રોને બિનજરૂરી તણાવ હેઠળ ધકેલવામાં આવી રહ્યા છે ત્યારે પ્રબુધ નાગરિકોએ આ મુદ્દે જંગ છેડવાની શરૂઆત કરી છે.

હંમેશા ગેરકાયદે ટયુશન કરી રહેલા શિક્ષકો તેમના પરિવારના સભ્યોને ઉનાળું વેકેશનમાં પણ ફરવા માટે ન લઈ જતાં અનેક શિક્ષકોના ઘરમાં કકળાટ શરૂ થયાના પણ અહેવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.