Western Times News

Gujarati News

ચાંદખેડા-સાબરમતીમાં દોડાવાઇ અલગ અલગ કચરાની ગાડી

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સૂકો કચરો અને ભીનો કચરો લેવા માટે અલગ અલગ ગાડીઓ દોડતી કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ડોર-ટુ-ડોરની કામગીરી લોકોની આંખે ઊડીને વળગે તે માટે નવો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

શહેરના ચાંદખેડા અને સાબરમતી વોર્ડમાં સૂકા-ભીના કચરાનું ૧૦૦ ટકા સેગ્રીગેશન (અલગ કરવું)ની સિદ્ધિ મેળવનાર જાગૃત લોકોની સોસાયટી છે. તંત્રએ આવી સોસાયટી માટે આ પાઇલટ પ્રોજેક્ટ શરુ કર્યો છે. જેમાં ફક્ત ભીનો કચરો લેવા માટે અલગથી લીલા રંગની કચરાગાડી રોજેરોજ દોડાવાઈ રહી છે જ્યારે સૂકો કચરો લેવા માટે દર આંતરે દિવસે કચરાગાડી દોડે છે.

ભીના કચરામાં એંઠવાડ વગેરે આવતું હોવાથી તેનો રોજેરોજ નિકાલ કરવો જરૂરી છે. જ્યારે સૂકો કચરો એકથી વધુ દિવસ ઘરમાં સાચવી શકાતો હોઈ તેમાં આંતરે દિવસે ગાડીનો લાભ ચાંદખેડા-સાબરમતીની સોસાયટીને મળે છે.

મહત્વનું છે કે અત્યારે તંત્ર દ્વારા કચરાગાડીમાં સૂકો કચરો લેવા વાદળી રંગનું ખાનું અને ભીનો કચરો લેવા માટે લીલા રંગનું ખાનું એમ બે અલગ અલગ ખાનાં હોવા છતાં જે રીતે કચરો આડેધડ રીતે એક જ ખાનામાં ઠલવાઇ રહ્યો છે. પરંતુ ચાંદખેડા અને સાબરમતીની ૩૦ સોસાયટીઓમાં સૂકા-ભીના કચરાનું ૧૦૦ ટકા સેગ્રિગેશન થતુ હોવાથી અહીં પાઇલટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે.

શહેરના શાસકોએ ૧૬.૫ લાખ ઘરમાં ૩૩ લાખ ડસ્ટબિનનું વિતરણ શરૂ કર્યું છે. તમામ ઘરને દસ લિટરનાં બે ડસ્ટબિન મફતમાં અપાઈ રહ્યાં છે, જેમાં સૂકો કચરો ભરવા માટે વાદળી અને ભીના કચરા માટે લીલા રંગનાં ડસ્ટબિન લોકોને મળી રહ્યાં છે. શાસક પક્ષે આગામી તા. ૧ જૂન સુધીમાં શહેરનાં તમામ ઘરને સૂકો અને ભીનો કચરો અલગ કરવા ૧૦ લિટરનાં બે ડસ્ટબિન આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

આની પાછળ મ્યુનિ. તિજાેરીમાંથી રૂ. ૨૫ કરોડથી વધુ ખર્ચાશે. અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ ઘરમાં બે ડસ્ટબિનનું વિતરણ થઈ ચૂક્યું છે. શાસકોએ ભલે લોકો સૂકો અને ભીનો કચરો જુદો કરીને આપે તે દિશામાં બીડું ઝડપ્યું છે, તેમ છતાં તેમાં હજુ અસરકારક પરિણામ મળ્યું નથી.

બીજી તરફ ડોર-ટુ-ડોરની કામગીરીમાં અનેક ધાંધિયાં રોજેરોજ જાેવા મળે છે. આજે પણ કોન્ટ્રાક્ટરની કચરાગાડીમાં મહદઅંશે સૂકો-ભીનો કચરો સાથે લઈ જવાતો હોઈ તેની પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતાં સમગ્ર ડોર-ટુ-ડોરની કામગીરી એક પ્રકારે નિષ્ફળ પુરવાર થઈ રહી છે.

ત્યારે હવે ચાંદખેડા અને સાબરમતીમાં પાયલટ પ્રોજેક્ટ ૧૫ દિવસ માટે શરુ કરાયો છે જેને સફળતા મળે તો આગામી દિવસોમાં આખા શહેરમાં આ રીતે કચરો લેવાની કામગીરી શરુ કરવામાં આવી શકે છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.