Western Times News

Gujarati News

પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાતે રાજસ્થાનને ૭ વિકેટે હરાવ્યું

નવી દિલ્હી, પ્રથમ વખત આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમી રહેલી ગુજરાત ટાઈટન્સ ટીમે પોતાનું ધમાકેદાર પ્રદર્શન જારી રાખતા આઈપીએલ-૨૦૨૨ની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન ખાતે મંગળવારે રમાયેલી પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સે વધુ એક વખત લાજવાબ બેટિંગનું પ્રદર્શન કરતા રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

જાેસ બટલરના ૮૯ રનની ઈનિંગ્સ તથા સુકાની સંજૂ સેમસનની આક્રમક બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે ૨૦ ઓરમાં છ વિકેટે ૧૮૮ રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. જાેકે, ગુજરાતના બેટર્સે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમે ૧૯.૩ ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૧ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ગુજરાતને જીતવા માટે અંતિમ ઓવરમાં ૧૬ રનની જરૂર હતી.

પ્રસિદ્ધ ક્રિષ્નાએ કરેલી ઓવરના પ્રથમ ત્રણ બોલ પર ડેવિડ મિલરે સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે ૬૮ રનની અણનમ અને મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. જાેકે, રાજસ્થાનને હજી પણ ફાઈનલમાં પહોંચવાની તક છે.

બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનૌ સુપર જાયન્ટ્‌સ વચ્ચે બીજી ક્વોલિફાયર રમાશે. આ મેચની વિજેતા ટીમ એલિમિનેટરમાં પહોંચશે અને આ ટીમનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે. ગુજરાત ટાઈટન્સની ટીમ આઈપીએલમાં પ્રથમ વખત રમી રહી છે અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેનું પ્રદર્શન સૌથી શ્રેષ્ઠ રહ્યું છે. પ્રથમ ક્વોલિફાયર મેચમાં તેની સામે ૧૮૯ રનનો લક્ષ્યાંક હતો.

જેને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ગુજરાતની ટીમે બીજા જ બોલ પર રિદ્ધિમાન સહાની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ બાદમાં શુભમન ગિલ, મેથ્યુ વેડ, સુકાની હાર્દિક પંડ્યા તથા ડેવિડ મિલરની લાજવાબ બેટિંગની મદદથી ગુજરાતે વિજય નોંધાવ્યો હતો.

ગુજરાતને બીજા જ બોલ પર ઝટકો લાગ્યો હતો. રિદ્ધિમાન સહા ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. બાદમાં શુભમન ગિલ અને મેથ્યુ વેડે બાજી સંભાળી હતી અને ૭૨ રનની ભાગીદારી નોંધાવી હતી. જાેકે, આ બે બેટર્સ નજીકના ગાળામાં આઉટ થઈ ગયા હતા.

ગિલે ૨૧ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૩૫ રન નોંધાવ્યા હતા. જ્યારે વેડે ૩૦ બોલમાં ૩૫ રનની ઈનિંગ્સ રમી હતી. જાેકે, આ બંને આઉટ થઈ ગયા બાદ સુકાની હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલરે જવાબદારી ઉપાડી લીધી હતી. આ જાેડીએ ૧૦૬ રનની અતૂટ ભાગીદારી નોંધાવીને ટીમને વિજય અપાવ્યો હતો. હાર્દિક પંડ્યા ૨૭ બોલમાં પાંચ ચોગ્ગા સાથે ૪૦ રન નોંધાવીને અણનમ રહ્યો હતો.

જ્યારે મિલરે ૩૮ બોલમાં પાંચ સિક્સર અને ત્રણ ચોગ્ગાની મદદથી ૬૮ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. રાજસ્થાન માટે ટ્રેન્ટ બોલ્ટ અને ઓબેડ મેકોયે એક-એક વિકેટ ઝડપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.