Western Times News

Gujarati News

એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતનો વિજય

નવી દિલ્હી, ભારતીય હોકી ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ગુરૂવારે ઈન્ડોનેશિયા સામે ૧૬-૦થી વિજય નોંધાવ્યો હતો. આ વિજય સાથે જ ભારતીય ટીમ ટુર્નામેન્ટના નોક-આઉટ સ્ટેજમાં પહોંચી ગઈ છે એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનને પણ ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે.

ભારતે મેચના અંતિમ ક્વાર્ટરમાં છ ગોલ નોંધાવ્યા હતા. ભારતીય ટીમને નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે ઈન્ડોનેશિયા સામેનો મુકાબલો ઓછામાં ઓછા ૧૫-૦થી જીતવો જરૂરી હતો. આવી અત્યંત દબાણ ભરેલી પરિસ્થિતિમાં ભારતીય યુવાન ખેલાડીઓએ લાજવાબ પ્રદર્શન કર્યું હતું.

પૂલ-એમાં ભારત અને પાકિસ્તાનના ચાર-ચાર પોઈન્ટ હતા. ગુરૂવારે પાકિસ્તાનને જાપાન સામે ૨-૩થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વિજય સાથે ભારતે પાકિસ્તાનને એશિયા કપમાંથી જ બહાર નથી કર્યું પરંતુ તેની હોકી વર્લ્‌ડ કપ માટેની આશા પર પણ પાણી ફેરવી દીધું છે કેમ કે અહીં ફક્ત ટોચની ત્રણ ટીમને જ વર્લ્‌ડ કપની ટિકિટ મળશે.

ભારતીય ટીમ આ વર્ષે વર્લ્‌ડ કપની યજમાની કરશે તેથી હોકી ઈન્ડિયાએ અનુભવ મળે તે માટે યુવાન ખેલાડીઓને એશિયા કપ માટે પસંદ કર્યા છે.

ઈન્ડોનેશિયા સામેના વિજયમાં દિપસાન તિર્કી અને સુદેવ બેલિમગ્ગાની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી. દિપસાને પાંચ ગોલ નોંધાવ્યા હતા જ્યારે બેલિમગ્ગાએ ત્રણ ગોલ પોતાના નામે કર્યા હતા. અનુભવી એસવી સુનિલ, પવન રાજભર અને કાર્તિ સેલવમે બે-બે ગોલ નોંધાવ્યા હતા. જ્યારે ઉત્તમ સિંહ અને નિલમ સંજીપે એક-એક ગોલ નોંધાવ્યો હતો.

નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન પૂલ-એમાં આમને સામને થયા હતા. આ મેચ અંતિમ ક્ષણો સુધી રોમાંચક રહી હતી. જાેકે, અંતે મુકાબલો ૧-૧થી ડ્રો રહ્યો હતો. આ મેચમાં ભારતે અંત સુધી ૧-૦ની સરસાઈ જાળવી રાખી હતી પરંતુ અંતિમ ક્ષણોમાં પાકિસ્તાનને પેનલ્ટી કોર્નર મળ્યો હતો અને તેના પર તેણે ગોલ નોંધાવીને મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.